You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાન શાંતિવાર્તા : અમેરિકા 14 મહિનામાં સૈનિકો પરત બોલાવશે
અમેરિકા પોતાના અને સહયોગી રાષ્ટ્રોના સૈનિકોને આગામી 14 મહિનામાં અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાન પોતાની પ્રતિબદ્ધતા પર કાયમ રહેશે તો સંબંધિત કરાર પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરાશે.
આ અંગેની જાહેરાત અમેરિકા-અફઘાનિસ્તાન તરફથી સંયુક્ત રીતે કાબુલમાં કરવામાં આવી.
આ જાહેરાતમાં જણાવાયું છે, "અમેરિકા અને સહયોગી રાષ્ટ્રોના સૌનિકો 14 મહિનામાં પરત ફરશે. તાલિબાન પોતાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરે તેના પર અમેરિકા-તાલિબાન સમજૂતીનો આધાર છે."
આ અંગેની સમજૂતી કતારમાં આગામી શનિવારે થઈ શકે છે.
આ સમજૂતી થકી અફઘાનિસ્તાનમાં છેલ્લાં 18 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવશે એવું મનાઈ રહ્યું છે.
આ બાદ અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન વચ્ચે વાતચીત થશે.
એશિયા કપમાં ભારત પાકિસ્તાન સામે રમશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે એશિયા કપમાં ભારત પાકિસ્તાનની સામે ક્રિકેટ રમાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોલકાતામાં મીડિયા સાથે વાતચીત કરતા સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી છે.
ગાંગુલીને સવાલ કરવામાં આવ્યો હતો કે એશિયા કપમાં જો પાકિસ્તાન ભાગ લેશે તો ભારત નહીં રમે.
આના જવાબમાં બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું કે, આવનારો એશિયા કપ દુબઈમાં રમાવાનો છે અને બેઉ દેશો નહીં રમે એવી કોઈ વાત નથી. બેઉ દેશો એમાં રમશે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાનો હતો પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં રમવાનો ઇન્કાર કર્યો હતો અને એશિયા કપની ટુર્નામેન્ટ દુબઈ શિફ્ટ કરાઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012-13 પછી કોઈ દ્વિપક્ષી શ્રેણી નથી રમાઈ. 2013 પછી બેઉ દેશો ફક્ત આઈસીસીની ટુર્નામેન્ટમાં જ સામસામે રમે છે.
'ટ્રમ્પની ગુજરાત મુલાકાત પર ફક્ત 8 કરોડ ખર્ચ થયો' - વિજય રૂપાણી
અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરીએ કરેલા 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ પાછળ 100 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થયા હોવાનો વિવાદ થયો હતો. ત્યારે આ મુદ્દે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં જવાબ આપ્યો છે.
અમદાવાદ મિરરમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુખ્ય મંત્રીએ ગૃહને જણાવ્યું કે ટ્રમ્પની મુલાકાતના ખર્ચ માટે રાજ્ય સરકારે 8 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, જ્યારે AMCએ 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રૉયટર્સમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ આ કાર્યક્રમમાં 85 કરોડનો ખર્ચ થશે એમ કહેવાયું હતું.
રૂપાણીએ ઉમેર્યું છે કે રૂપિયા 100 કરોડ ખર્ચ થયા હોવાની વાતમાં કોઈ દમ નથી.
વિપક્ષે ગૃહમાં દાવો કર્યો હતો કે સરકારે ટ્રમ્પની મુલાકાત પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
વિપક્ષ નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું હતું કે રાજ્ય સરકારે ટ્રમ્પની માત્ર 3 કલાકની મુલાકાત પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચ્યા.
આ દાવાને ફગાવતા રૂપાણીએ કહ્યું, "હું સમજી નથી શકતો કે લોકો પાસે 100 કરોડનો આંકડો ક્યાંથી આવી રહ્યો છે. હું સ્પષ્ટતા કરવા માગુ છું કે સરકારે માત્ર 8 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા અને AMCએ 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો."
"મોટેરા સ્ટેડિયમ નજીક બનેલા રોડને AMCએ પહેલેથી જ મંજૂરી આપી દીધી હતી. આ રોડ લોકો માટે બન્યા છે, કેમ કે ટ્રમ્પ તો જતા રહ્યા છે."
"હું માનું છું કે ટ્રમ્પની મુલાકાત આપણા દરેક માટે ગર્વની વાત છે, ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે."
મહત્ત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પાછળ થનારા ખર્ચની વાતે મોટો વિવાદ સર્જ્યો હતો અને ટ્રમ્પના સ્વાગત માટે રાતોરાત 'ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ'ની રચના થયા બાદ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.
CAAના વિરોધ પ્રદર્શનમાં 79 દિવસમાં 69 લોકોનાં મૃત્યુ
11 ડિસેમ્બર 2019ના રોજ સંસદમાં નાગરિકતા સંશોધન કાયદો પાસ થયો હતો અને ત્યારબાદ દેશમાં વિરોધપ્રદર્શન શરૂ થયા છે.
ધ હિંદુમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે 79 દિવસમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરતા 69 લોકોનાં મૃત્યુ થયા છે. જોકે, આટલો સમય વિત્યા પછી પણ ગૃહ મંત્રાલયે આ કાયદો ક્યારથી અમલમાં આવશે તે અંગે કોઈ જાણકારી આપી નથી.
CAAનો કાયદો સંસદમાં પાસ થયો ત્યારથી આસામમાં 6 લોકો, ઉત્તર પ્રદેશમાં 18 લોકો, કર્ણાટકમાં 2 અને દિલ્હીમાં થયેલી હિંસામાં 42 લોકોનાં મૃત્યુ થયા છે.
CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપે છે.
પરંતુ તેનો ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને કર્ણાટકમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે કાયદાના કેટલાક નિયમો હજુ ઘડવામાં આવી રહ્યા છે.
કોરોના વાઇરસથી ઈરાનમાં 210 લોકોનાં મૃત્યુ
કોરોના વાઇરસના કારણે ઈરાનમાં ઓછામાં ઓછા 210 લોકોનાં મૃત્યુ થયાં છે. ઈરાનની સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા સૂત્રોએ બીબીસી પર્શિયનને આ મામલે જાણકારી આપી છે.
કોરોના વાઇરસના પીડિત લોકોની સંખ્યા રાજધાની તહેરાનમાં સૌથી વધારે છે, જ્યાં સૌથી પહેલા કોરોનાના કેસ સામે આવ્યા હતા.
શુક્રવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયે વાઇરસની ઝપટમાં આવીને મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 34 ગણાવી હતી. જોકે, જે આંકડા સામે આવી રહ્યા છે તે તેનાથી ઘણા વધારે છે.
આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે જ્યારે સંસદમાં એક સભ્યએ વહીવટીતંત્ર પર કોરોનાના કેસ પર પરદો પાડવા અને અમેરિકા તરફથી વ્યક્ત કરવામાં આવેલી ચિંતાને પગલે જાણકારી છુપાવવાના આરોપ લગાવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો