ભુજ કૉલેજ કેસ : માસિક દરમિયાન વિદ્યાર્થિનીઓને અલગ સૂવાની ફરજ પડાતી

રાષ્ટ્રીય મહિલા પંચનાં સભ્યોએ ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓની મુલાકાત કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થિનીઓના જણાવ્યા પ્રમાણે, પિરિયડ્સ દરમિયાન તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવતો અને તેમને બૅઝમેન્ટમાં અલગથી સૂવાની ફરજ પાડવામાં આવતી હતી.

ગત સપ્તાહે ભુજનું 'પિરિયડ શૅમિંગ' પ્રકરણ બહાર આવ્યું હતું, કેટલીક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે તેઓ માસિકધર્મમાં નથી તેની સાબિતી આપવા કથિત રીતે તેમનાં આંતરવસ્ત્રની ચકાસણી કરવામાં આવી હતી.

આ ઘટનાએ ચકચાર જગાવતાં રાજ્ય તથા રાષ્ટ્રીય મહિલા પંચે તપાસ હાથ ધરી છે.

પોલીસે આ સંદર્ભે ચાર આરોપીની ધરપકડ કરી છે, જેમને બે દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપવામાં આવ્યાં છે.

અલગથી ઊંઘવાની ફરજ પડાતી

રાજ્ય મહિલા પંચ બાદ રવિવારે રાષ્ટ્રીય મહિલા પંચની ટીમે ડૉ. રાજુલ દેસાઈની અધ્યક્ષતામાં ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી હતી.

ટ્રસ્ટીઓ તથા શિક્ષક ન હોય તે રીતે ટીમે કુલ 68માંથી 44 વિદ્યાર્થિનીઓની સાથે વાત કરી તેમની વ્યથા જાણી હતી. બાકી રહેલી સ્ટુડન્ટ્સ સાથે બાદમાં અલગથી વાત કરવામાં આવશે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ટીમનાં સભ્ય ડૉ. દેસાઈને ટાંકતા લખે છે, "માસિકના દિવસો દરમિયાન વિદ્યાર્થિનીઓ તેમના રૂમમાં રહી ન શકતી અને પોતાની બહેનપણીઓ સાથે હળીમળી નહોતી શકતી."

"એટલું જ નહીં, રજસ્વલા યુવતીઓએ ચાર રાત્રી સુધી બૅઝમેન્ટમાં અલગથી ઊંઘવું પડતું. 21મી સદીમાં આવા નિયમો કેવી રીતે લાગુ કરી શકાય? તે આપણાં સમાજ માટે શરમજનક બાબત છે."

અમુક યુવતીઓએ ટીમને જણાવ્યું હતું કે તેમને માસિક સંબંધિત સંસ્થાના નિયમો અંગે કોઈ વાંધો નથી, પરંતુ જે રીતે વૉશરૂમમાં લઈ જઈને તેમની તપાસ કરવામાં આવી, તેની સામે વાંધો છે.

ડૉ. દેસાઈના કહેવા પ્રમાણે, એક તરફ વિદ્યાર્થિનીઓ શારીરિક ફેરફારમાંથી પસાર થઈ રહી હોય, ત્યારે તેમણે માનસિક તણાવમાંથી પણ પસાર થવું પડતું હતું.

વિદ્યાર્થિનીઓએ પિરિયડ્સ દરમિયાન પોતાનાં અલગ વાસણ જાતે સાફ કરવાં પડતાં અને વર્ગખંડમાં તેમણે છેલ્લી પાટલીએ બેસવું પડતું, મંદિર પાસેથી પસાર ન થઈ શકતી તથા સિમેન્ટના બાંકડા ઉપર પોતાની પથારીમાં ઊંઘવું પડતું.

એટલું જ નહીં હૉસ્ટેલ દ્વારા એક રજિસ્ટર રાખવામાં આવતું, જેમાં યુવતી ક્યારે રજસ્વલા થશે, તેની નોંધ રાખવામાં આવતી.

મુદ્દો હૉસ્ટેલનો કે કૉલેજનો?

ભુજની ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનવર્સિટીનાં ઇનચાર્જ કુલપતિ દર્શનાબહેન ધોળકિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું :

"છાત્રાલય સંપ્રદાય સાથે સંકળાયેલું હોવાથી તેનો એવો નિયમ છે કે માસિકમાં હોય એવી બહેનોએ ભોજનમાં ભાગ લેવાનો હોતો નથી. પણ કેટલીક મહિલાઓએ એ નિયમનો ભંગ કર્યો અને ભાગ લીધો."

તેમણે ઉમેર્યું હતું કે 'આ મુદ્દો કૉલેજનો નહીં, પરંતુ હૉસ્ટેલનો છે.'

ચર્ચામાં આવેલી શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.

જોકે જાણકારો કહે છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના (યુ.જી.સી.) નિયમ પ્રમાણે, સંસ્થા સાથે સંકળાયેલી હૉસ્ટેલ પણ શૈક્ષણિક સંસ્થાની વ્યાખ્યામાં સમાવિષ્ટ છે.

ટીમને જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થિનીઓ સંસ્થામાં પ્રવેશ મેળવે ત્યારે ઉપરોક્ત નિયમોનાં પાલનની લેખિત સહમતી લેવામાં આવી હતી.

બે દિવસના રિમાન્ડ

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીના કહેવા પ્રમાણે, સરકારના ગૃહ તથા શિક્ષણ વિભાગે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને આ કેસમાં 'કડક કાર્યવાહી' કરવામાં આવશે.

પોલીસ દ્વારા એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી છે અને ભુજના ડી.વાય.એસપી. (ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) જે. એન. પંચાલનાં નેતૃત્વમાં પાંચ સભ્યવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.

સંસ્થાના સી.સી.ટી.વી. (ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન) ફૂટૅજ કબજે લઈને તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, તપાસ દરમિયાન જરૂર પડ્યે વધુ કેટલાક આરોપીનાં નામ પણ ઉમેરવામાં આવશે.

સંસ્થા સાથે સંકળાયેલાં ચાર મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને ભારતીય દંડ સંહિતા (ઇન્ડિયન પીનલ કોડ, આઈ.પી.સી.)ની અલગ-અલગ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપી મહિલાઓને ભુજની કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો