TOP NEWS : શાહીનબાગના પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવા સુપ્રીમે મધ્યસ્થી નીમ્યા

સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ (સી.એ.એ.) વિરુદ્ધ નવી દિલ્હીમાં શાહીનબાગ ખાતે ચાલી રહેલા વિરોધપ્રદર્શન સંદર્ભે સર્વોચ્ચ અદાલતે વરિષ્ઠ વકીલ સંજય હેગડેને મધ્યસ્થી નિયુક્ત કર્યા છે.

હેગડેની સાથે વજાહત હબીબુલ્લાહ તથા વકીલ સાધન રામચંદ્રન પણ જશે. તેઓ શાહીનબાગના પ્રદર્શનકારીઓને અન્યત્ર જઈને દેખાવ કરવા સમજાવશે.

ભાજપના નેતા ડૉ. નંદ કિશોર ગર્ગે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને પ્રદર્શન સમાપ્ત કરાવવા માગ કરી હતી.

સાથે જ ધરણાં-પ્રદર્શન સંદર્ભે રાષ્ટ્રવ્યાપી માર્ગદર્શિકા ઘડવા વિનંતી કરી હતી, જેથી કરીને જાહેર વાહનવ્યવહારમાં અવરોધ ઊભો ન થાય.

ઉલ્લેખનીય છે કે શાહીનબાગમાં મોટાભાગે મહિલાઓ તા. 15મી ડિસેમ્બરથી ધરણાં પર બેઠી છે, જેનાં કારણે દિલ્હી અને નોઇડાને જોડતો માર્ગવ્યવહાર ઠપ થઈ ગયો છે.

જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં બે જજની બૅન્ચે આ નિર્દેશ આપ્યો. તેમની સાથે જસ્ટિસ કે. એમ. જોસેફ પણ બૅન્ચમાં સામેલ હતા.

મહિલાઓનું કહેવું છે કે જ્યાર સુધી સરકાર સી.એ.એ.નો કાયદો પાછો નહીં ખેંચે, ત્યારસુધી તેમનાં ધરણાં ચાલુ રહેશે.

બીજી બાજુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે અનુચ્છેદ 370 તથા સી.એ.એ. મુદ્દે તેમની સરકાર લગીરેય પીછેહઠ નહીં કરે.

આ અંગે વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.

ગુજરાતમાં દલિત જવાનના વરઘોડા પર પોલીસની હાજરીમાં પથ્થરમારો

બનાસકાંઠા જિલ્લામાં દલિત જવાનના વરઘોડાને કથિત રીતે નિશાન બનાવીને તેના પર પથ્થરમારો થયો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે દલિત આર્મી જવાને પોલીસ રક્ષણ હેઠળ ઘરઘોડો કાઢ્યો હતો, એ સમયે કથિત રીતે અન્ય સમાજના લોકોએ પથ્થરમાર્યો કર્યો હતો.

પોલીસના કહેવા અનુસાર આ ઘટના સરીપડા ગામમાં સવારે 11 વાગ્યા આસપાસ બની હતી.

સેનાના જવાન આકાશકુમાર કોટિયાના વરઘોડા સમયે આ ઘટના બની હતી.

તેઓ હાલમાં બેંગલુરુમાંથી ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે અને તેમનું મેરઠમાં પોસ્ટિંગ થવાનું છે. તેઓ લગ્ન માટે રજા પર આવ્યા હતા.

આકાશના ભાઈ વિજયે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે "અગાઉ પણ ઠાકોર, કોળી સમુદાયના લોકોએ ધમકી આપી હતી કે વરરાજા ઘોડી પર સવાર થશે તો અમે વરઘોડાને ગામમાંથી પસાર નહીં થવા દઈએ."

"આથી અમે પોલીસ રક્ષણ લીધું હતું. છ-સાત પોલીસકર્મી તહેનાત કરાયા હતા. જોકે વરઘોડો નીકળતાં જ અન્ય સમૂહના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં બે મહિલા સહિત ત્રણ સગાંને ઈજા થઈ છે."

વરરાજાના પરિવારની ફરિયાદ પર કોળી સમાજના 11 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

કાશ્મીર પર UN પ્રમુખનો પ્રસ્તાવ ભારતે ફગાવ્યો

કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાનના તણાવમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અંતાનિયો ગુતેરસે ચિંતા દર્શાવી છે.

તેઓએ બંને દેશને સંયમથી તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો છે.

અંતાનિયો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બન્યા બાદ પહેલી વાર પાકિસ્તાન આવ્યા છે.

રવિવારે તેમણે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી મહમૂદ કુરેશી સાથેની પત્રકારપરિષદમાં કહ્યું કે યુએને બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરવા ઘણાં પગલાં ભર્યાં છે.

તેમણે કહ્યું, "અમે બંને દેશ વચ્ચે વાતચીત શરૂ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે, પરંતુ એ બંને દેશ તૈયાર થશે ત્યારે જ શક્ય બનશે. શાંતિ અને સ્થિરતા માત્ર વાતચીતથી થઈ શકે છે."

"બંને દેશોએ આ મામલે સંયમ રાખવાની જરૂર છે. યુએન ચાર્ટર અને સુરક્ષા પરિષદના પ્રસ્તાવથી રાજદ્વારી સંવાદના માધ્યમથી શાંતિ અને સ્થિરતા સુધી પહોંચી શકાય છે."

ભારતે સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ અંતાનિયો ગુતેરસની પહેલી ફગાવી દીધી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ભારતીય વિદેશ મંત્રાલયના રવીશ કુમારે કહ્યું, "ભારતનું વલણ પહેલાં જેવું જ છે. તેમાં કોઈ ફેરફાર આવ્યો નથી. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, હતું ને રહેશે."

"એ કાશ્મીર અંગે વાત કરવી જોઈએ તેના પર પાકિસ્તાને ગેરકાયદે કબજો જમાવ્યો છે. કોઈ અન્ય મુદ્દો હોય તો દ્વિપક્ષીય વાત થશે. અહીં કોઈ મધ્યસ્થીની જરૂર નથી."

ચીનના હુબેમાં લોકોના ઘરમાંથી નીકળવા પર રોક

કોરોના વાઇરસ સામેની જંગમાં ચીન હવે એક મોટું પગલું ભર્યું છે, હુબેઈ પ્રાંતમાં લોકોની ગતિવિધિઓ પર કડક પ્રતિબંધ લાદી દીધા છે.

છ કરોડ લોકોને કટોકટીના સમયે જ ઘરમાંથી બહાર નીકળવાનું કહેવાયું છે.

આ સિવાય ખાનગી કારના ઉપયોગ પર પણ અચોક્કસ સમય સુધી પ્રતિબંધ લાદી દેવાયો છે.

કોરોના વાઇરસને કારણે હુબેઈ અને વુહાન શહેર સૌથી વધુ પ્રભાવિત થયાં છે, જેમાં અત્યાર સુધીમાં 1665 લોકોનાં મૃત્યુ થયાં છે.

તેમજ એક ઘરમાંથી ત્રણ દિવસમાં માત્ર એક જ વ્યક્તિને ખાવાપીવા અને જરૂર સમાનને લાવવાની છૂટ આપવામાં આવી છે.

તો દવા, હોટલો, ખાવાપીવાની દુકાનો અને સ્વાસ્થ્ય સેવાઓ સિવાય બધી દુકાનો બંધ રાખવાના આદેશ અપાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો