બે દાયકામાં પહેલી વાર સીધા કરવેરાની આવક અંદાજ કરતાં ઓછી રહેવાની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, અર્થશાસ્ત્રી
ભારતીય અર્થવ્યવસ્થાને લાગુ પડે છે ત્યાં સુધી આજકાલ સારા સમાચાર શોધવા હોય તો બિલોરી કાચ લઈને બેસવું પડે નબળા કે નરસા સમાચાર શોધવા હોય તો ચક્ષુહીનને પણ ઊડીને આંખે વળગે એવી અનેક ખબરો ડઝનના હિસાબે રોજ સામે આવીને ભટકાય.
વળી પાછા એક સનાના સમાચાર સામે આવ્યા છે.
આ સમાચાર મુજબ છેલ્લા બે દાયકામાં પહેલી વાર સીધા કરવેરાની, કૉર્પોરેટ-ટૅક્સ અને ઇન્કમટૅક્સની વસૂલાતના મોરચે આ વરસ છેલ્લા બે દાયકામાં પહેલી વખત નકારાત્મક દેખાવનું રહેશે.
અર્થવ્યવસ્થાએ જેમ મોટી ગોથ ખાધી છે તે સાથોસાથ કૉર્પોરેટ કરવેરાઓમાં રાહતરૂપે જે 10 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો તે બંને કારણોને લીધે સીધા કરવેરાની ચાલુ વર્ષની વસૂલાત અંદાજપત્રમાં મૂકવામાં આવેલ ધારણા કરતાં સારી એવી નીચી રહેશે.
ચાલુ વરસે 13.5 લાખ કરોડ એટલે કે 189 અબજ અમેરિકન ડોલરની સીધા કરવેરાની વસૂલાતનો અંદાજ માર્ચ 31, 2020ના પૂરા થતા નાણાકીય વર્ષ માટે મૂકવામાં આવ્યો હતો.
અગાઉના નાણાકીય વર્ષ કરતાં આ અંદાજ 17 ટકા જેટલો વધારે હતો.
આ સામે ખરેખર વસૂલાત ઘણી નીચી રહેશે એવું મનાય છે.


સુધારેલ અંદાજ મુજબ ચાલુ નાણાકીય વરસ માટે સીધા કરવેરાની વસૂલાતનો વૃદ્ધિદર બજેટમાં મુકવામાં આવેલ અંદાજ મુજબ અગાઉના નાણાકીય વરસની સરખામણીએ 17 ટકાને બદલે માત્ર 5 ટકા રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે વૃદ્ધિદર છેલ્લાં 11 વર્ષમાં નીચામાં નીચો છે.
એવું કહેવાય છે કે 23મી જાન્યુઆરી 2020 સુધી 7.3 લાખ કરોડ જેટલી વસૂલાત થવા પામી છે.
જે ગયા વર્ષની આ જ ગાળાની સરખામણીએ 5.5 ટકા જેટલી નીચી છે.
પહેલા ત્રણ ક્વાર્ટરમાં કંપનીઓ પાસેથી ઍડ્વાન્સમાં કૉર્પોરેટ-ટૅક્સની વસૂલાત કર્યા બાદ અત્યાર સુધીના અનુભવ મુજબ છેલ્લા ત્રિમાસિક ગાળામાં કૉર્પોરેટ-ટૅક્સની કુલ વસૂલાતના 30 થી 35 ટકા જેટલી થતી હોય છે.
આ વખતે મંદીનો માહોલ તેમજ કૉર્પોરેટ કરવેરામાં 10 ટકા જેવી જંગી રાહત ના પરિણામે ચાલુ નાણાકીય વરસનું ટૅક્સ કલેક્શન 2018-19ના વર્ષમાં 11.50 લાખ કરોડ કરતાં નીચું રહેવા પામશે.
ટાર્ગેટની વાત જવા દઈએ પણ પહેલીવાર સીધા કરવેરાની વસૂલાતમાં ઘટ જોવા મળશે.
નિષ્ણાતોના મત મુજબ 2018-19ના વરસમાં સીધા અને કૉર્પોરેટ કરવેરાની વસૂલાત આવી હતી.
તેની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષે વસૂલાત ઓછી રહેશે.
સરકારની વાર્ષિક આવકના લગભગ 80 ટકા કરવેરામાંથી આવે છે.

સરકારની દુવિધા

ઇમેજ સ્રોત, Getty Images
આમ સરકારે ચાલુ નાણાકીય વરસ માટે આવકનો જે અંદાજ મૂક્યો હોય તેમાં ઊભી થનાર આ ઘટના કારણે સરકારને વધુ નાણાં ઉછીનાં લઈને પોતે જાહેર કરેલ જવાબદારીઓ નિભાવવી પડશે.
આ વખતે કૉર્પોરેટ કરવેરામાં ઉત્પાદનને વેગ આપવા માટે તેમજ રોકાણને પુનર્જીવન આપવા માટે જે મોટો કાપ અપાયો તે પણ એશિયાની આ ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સીધા કરવેરાની વસૂલાતમાં પડેલ આટલા મોટા ગાબડા માટે જવાબદાર છે.
આ પરિસ્થિતિમાં એક બાજુ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર વધુ ખર્ચ કરે તેવી અપેક્ષા સામે એની આવકના દરેક સાધનમાંથી આવક ઘટી જાય અને તેમજ તેમાં પણ જીએસટી અને સીધા કરવેરા એમ બેઉ મોરચે સરકાર ધાર્યા પ્રમાણેની આવક ઊભી ન કરી શકે તો એની પાસે ત્રીજો રસ્તો જાહેર ક્ષેત્રોએ એકમોમાં સરકારે રોકેલ નાણાનું ડિસઇન્વેસ્ટમૅન્ટ કરી આ ખર્ચ માટે નાણાકીય સાધનો ઊભાં કરવાનો છે.
અત્યારે સાર્વત્રિક મંદીના માહોલમાં આ હથિયાર પણ ઝાઝું કામ આવે તેમ નથી.
સરકાર પોતાના ખર્ચમાં કાપ મૂકે તો એને કારણે મંદીના કપરા કાળમાંથી પસાર થઈ રહેલ અર્થવ્યવસ્થા પર પડતા પર પાટુ મારવા જેવું થાય.
નિકાસવેપારના ક્ષેત્રે આપણે કાંઈ ઝાઝું ઉકાળતા નથી.
સરવાળે પોતે જાહેર કરેલ યોજનાઓમાં ખર્ચનો કાપ ના મૂકવો પડે તે હેતુથી બજારમાંથી નાણાં ઉછીનાં લેવાં પડે.
જેની પુનઃચૂકવણી તથા વ્યાજ બંનેની વધારાની જવાબદારીઓ આ નહીં તો આવનાર સરકાર પર ઊભી થાય.

નાણામંત્રી આમાંથી શું માર્ગ કાઢશે?

ઇમેજ સ્રોત, Getty Images
નિર્મલા સીતારમણે ચાલુ નાણાકીય વર્ષ માટેનું મોદી-2 સરકારનું અંદાજપત્ર રજૂ કર્યું તેમાં ચાલુ સાલે ફિસ્કલ ડેફિસિટ ઘટાડીને 3.3 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં આ ફિસ્કલ ડેફિસિટ 3 ટકા સુધી લઇ જવાનો ઇરાદો જાહેર કર્યો હતો.
આજની તારીખમાં જે પરિસ્થિતિ છે તે જોતાં ચાલુ નાણાકીય વર્ષમાં ફિસ્કલ ડેફિસિટનો અંદાજ સુધારીને 3.5 ટકા અથવા એથી વધારે કરવો પડે અને એ મુજબ આવતા નાણાંકીય વર્ષનો ફિસ્કલ ડેફિસિટનો અંદાજ પણ બદલવો પડે.
તે જાણવા માટે હવે ઝાઝી રાહ જોવાની જરૂર નથી. "મામાનું ઘર કેટલે? દિવો બળે એટલે"
યુક્તિ અનુસાર 1 ફેબ્રુઆરી 2020ના ચડતા દિવસે નાણામંત્રી લોકસભામાં પોતાનું બજેટ રજૂ કરશે ત્યારે આ બાબતે એમના અભિગમનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













