TOP NEWS: ગુજરાત સરકાર 57 હજાર યુવાનોને નોકરી આપવા ભરતીમેળો યોજશે

અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 30 જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ કૉમર્સ કૉલેજોના સ્નાતક વિદ્યાર્થીઓ માટે 'મેગાજોબ ફૅર' યોજાશે.

અહેવાલ પ્રમાણે આ જોબ ફેરમાં કુલ 3,883 કંપનીઓ ભાગ લેશે.

અખબારના જણાવ્યા અનુસાર બેરોજગારીને કારણે મુશ્કેલીમાં સપડાયેલી ગુજરાત સરકાર યુવાનોના આક્રોશને ઠંડો પાડવા માટે મથી રહી છે.

નોંધનીય છે કે ગત વર્ષે બેરોજગારીની વિકટ સમસ્યા તરફ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે યુવાનોએ પોતાના નામની આગળ 'બેરોજગાર' શબ્દ જોડીને સોશિયલ મીડિયા કૅમ્પેઇન શરૂ કર્યું હતું.

ગુજરાત : દર હજારની વસતિએ 450 વાહનો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતના લોકો દર હજારની વસતિએ 450 વાહનોની માલિકી ધરાવે છે.

નોંધનીય છે કે વાહન પ્રતિવ્યક્તિના આ પ્રમાણમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

કેન્દ્રીય વાહન-વ્યવહારમંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે.

રિપોર્ટ અનુસાર ગુજરાત પાછલાં પાંચ વર્ષથી આ યાદીમાં ટોચ પર રહ્યું છે.

ગુજરાત બાદ તામિલનાડુ આ યાદીમાં 445 વાહન પ્રતિહજાર વ્યક્તિના દરે બીજા ક્રમે છે. ત્યાર બાદ અનુક્રમે કર્ણાટક (372), મહારાષ્ટ્ર (335) અને ઉત્તર પ્રદેશ (190) છે.

CAAનો વિરોધ કરનાર પ્રદર્શનકારીઓને રાહત આપવાનો HCનો ઇનકાર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ કરનાર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

હાઈકોર્ટે 'ગંભીર ગુનાની તપાસ' ચાલી રહી હોવાનું જણાવી આરોપીઓને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

નોંધનીય છે કે CAA વિરુદ્ધ પ્રદર્શન કરવા બનાસકાંઠાના છાપી ટાઉનમાં ભેગા થયેલા પ્રદર્શનકારીઓ પૈકી પોલીસે અમરનાથ વસાવા અને અન્ય ત્રણ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી.

વહીવટી તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ પ્રદર્શન યોજવા માટેની પરવાનગી પાછી ખેંચી લેવાઈ હતી.

શાહીનબાગ ખાતે માત્ર એક જ સમુદાયના લોકો પ્રદર્શન કરી રહ્યા છે : નીતિન પટેલ

ધ ટેલિગ્રાફના અહેવાલ અનુસાર ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે CAA વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા નાગરિકો અંગે ટિપ્પણી કરી હતી.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું : "માત્ર એક જ સમુદાયના લોકો શાહીનબાગમાં CAAનો વિરોધ કરી રહ્યા છે."

"આ પ્રદર્શનો પરથી સ્પષ્ટ છે કે આ કાયદાના કારણે કઈ કોમની ભાવનાઓને અસર થઈ છે."

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વારંવાર CAA કોઈ ધર્મ કે સમુદાય વિરુદ્ધ ન હોવાની દલીલ કરતા રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં ગુજરાતના ઉપમુખ્ય મંત્રીએ CAAને અમુક સમુદાયના લોકો સાથે જોડીને ફરીથી વિવાદ સર્જ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો