You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજય રૂપાણીની સરકાર સામે ગુજરાતમાં આટલો વિરોધ કેમ છે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
વર્ષ 2014માં રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ભાજપના મોવડીમંડળે રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે આનંદીબહેન પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો.
નિષ્ણાતોના મત પ્રમાણે ઑગસ્ટ, 2016માં આંતરિક વિદ્રોહ અને પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલાં સમીકરણોને કારણે આનંદીબહેને ઉંમરનું કારણ આગળ ધરીને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેતાં મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું.
ત્યાર બાદ ગુજરાતના 16મા મુખ્ય મંત્રી તરીકે ભાજપના શીર્ષનેતૃત્વે વિજય રૂપાણીનું નામ પસંદ કર્યું.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ પણ તેમને જ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.
પરંતુ મુખ્ય મંત્રી તરીકેના રૂપાણી માટે આ સાડા ત્રણ વર્ષનો સમયગાળો બિલકુલ સરળ રહ્યો નથી.
રાજ્યમાં તેમની સરકાર સામે અવારનવાર અસંતોષનો વંટોળ ઊઠતો રહ્યો છે.
ક્યારેક ખેડૂતો, ક્યારેક સરકારી-ખાનગી કર્મચારીઓ તો ક્યારેક વિદ્યાર્થીઓનાં આંદોલનો રૂપાણી સરકારને મુશ્કેલીમાં મૂકી રહ્યાં છે.
જોકે, જાણકારો રૂપાણી સરકાર સામેના આ વિદ્રોહો પાછળ રાજકીય કાવતરું, પક્ષનો આંતરિક વિવાદ, સરકારની નબળી નીતિઓ અને નબળા સંચાલનને જવાબદાર ગણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિરોધની શરૂઆત
પાટીદાર અનામત આંદોલન બાદ મુખ્ય મંત્રીની ગાદીએ બેઠેલા વિજય રૂપાણીને મુખ્ય મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાના એક વર્ષમાં જ આંતરિક અને બાહ્ય વિદ્રોહનો સામનો કરવો પડ્યો.
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી મુખ્ય મંત્રી રૂપાણીને સત્તાની સાથે વારસામાં મુશ્કેલીઓ પણ મળી હોવાનું માને છે.
તેઓ રાજ્યમાં સતત થઈ રહેલાં આંદોલનો માટે ગુજરાતમાં ભાજપની ટાંટિયાખેંચવૃત્તિને કારણભૂત માને છે.
ડૉ. દોશી કહે છે : "અસંતોષની શરૂઆત તો આનંદીબહેનના સમયથી જ થઈ ગઈ હતી, સમય જતાં ભાજપ સરકારના બિનકાર્યક્ષમ વહીવટે આ અસંતોષને જલદ બનાવવાનું કામ કર્યું છે."
તેઓ વિજય રૂપાણીના 'લોકલાડીલા મુખ્ય મંત્રી' હોવાના દાવાને હકીકતથી દૂર ગણાવે છે.
તેઓ કહે છે : "વિજય રૂપાણી સામે ફાટી નીકળેલા વિરોધ પાછળ મુખ્યત્વે ત્રણ કારણો દેખાઈ રહ્યાં છે અને તે છે સરકારની બિનનિર્ણાયકતા, અસંવેદનશીલતા અને આંતરિક ખટપટ."
વિરોધ શા માટે?
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા સરકાર વિરુદ્ધ વારંવાર માથું ઊંચકી રહેલાં આંદોલનોમાં વિપક્ષની ભૂમિકાને ગૌણ માને છે.
તેમજ આ આંદોલનો માટે છેલ્લા કેટલાક સમયથી સરકારનાં કાર્યોમાં જોવા મળી રહેલા ગેરવહીવટને કારણભૂત માને છે.
ગુજરાતની રૂપાણી સરકાર ખરેખર 'સંવેદનશીલ સરકાર'ની ભૂમિકા ભજવવામાં સફળ નીવડી છે કે કેમ?
આ પ્રશ્નના જવાબમાં મહેતા કહે છે : "વિવિધ મુદ્દે સરકારની શિથિલતા જોતાં આ સરકાર લોકોના વાજબી પ્રશ્નો બાબતે ઝાઝી સંવેદનશીલ હોય એવું તો નથી લાગી રહ્યું."
તેઓ રૂપાણી સરકાર દ્વારા વારંવાર ઉતાવળા નિર્ણયો લઈને પછી તેનાથી પીછેહઠ કરવાના કારણે સરકાર સામે અસંતોષ ઊભો થયો હોવાની વાત કરે છે.
મહેતા ઉમેરે છે : "રૂપાણી સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રજાની લાગણી વિરુદ્ધના નિર્ણયો લેવાયાના કારણે રાજ્યના વિદ્યાર્થીઓનાં મનમાં સરકાર પ્રત્યે અસંતોષની લાગણી વધતી ગઈ છે."
તેઓ માને છે કે રૂપાણી સરકારના ટૂંકા કાર્યકાળમાં વિદ્યાર્થીઓ અને પ્રજાને છંછેડતા ઘણા બનાવો બન્યા. ભાજપના ગુજરાતમાં 22 વર્ષના સમયગાળામાં આવું ક્યારેય બન્યું ન હોવાનું તેઓ જણાવે છે.
નિર્ણય લેવામાં વિલંબને કારણે રાજ્યના વિદ્યાર્થીઓ અસંતુષ્ટ હોવાનું જણાવતાં મહેતા કહે છે : "જ્યારે રાતોરાત પરીક્ષાઓ રદ કરી દેવાય, અવારનવાર પરીક્ષાઓમાં ગોટાળા થયા હોવાનું બહાર આવવા લાગે અને સિસ્ટમમાં ચારેકોર પોલંપોલ હોવા છતાં પણ જો યોગ્ય સમયે તેમની પ્રતિષ્ઠાને છાજે એવો નિર્ણય સરકાર ન લઈ શકે તો સરકારનું આ પ્રકારનું વલણ તો ટીકાપાત્ર બનશે જ."
તેઓ પ્રજાની વાજબી માગણીઓને સંતોષવા માટે સરકાર દ્વારા કરાતા વિલંબની ટીકા કરતા કહે છે : "ખબર નહીં કેમ પણ આજકાલ ભાજપની સરકારોમાં પરંપરા બનતી જઈ રહી છે કે તેઓ વાજબી માગણીઓને લઈને ચાલી રહેલાં આંદોલનો બાબતે જલદી પ્રતિક્રિયા આપતા નથી."
"પછી છેલ્લી ઘડીએ જ્યારે આંદોલન વધારે બળવત્તર બની જાય છે, ત્યારે ડૅમેજ કંટ્રોલ માટેનાં પગલાં ભરવાનું શરૂ કરી દે છે."
"યોગ્ય માગણીઓ સાથે રસ્તા પર ઊતરી આંદોલન કરી રહેલા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નિસબત આ સરકારમાં ઓછી દેખાય છે. આ કારણે પણ રાજ્ય સરકાર વિરુદ્ધ અવારનવાર વિરોધ થઈ રહ્યો છે."
આંતરિક વિખવાદ બન્યું અસંતોષનું કારણ?
ગુજરાતમાં ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખટપટોએ અસંતોષના વાતાવરણમાં કેટલો ઉમેરો કર્યો છે?
આ પ્રશ્નના જવાબમાં આંતરિક વિખવાદ અને ખટપટોને કૌશિક મહેતા નાગરિક અસંતોષનું એક મોટું કારણ ગણાવે છે.
તેઓ પક્ષમાં સબસલામત હોવાના સરકાર અને ભાજપના નેતાઓના દાવા અવાસ્તવિક હોવાનું માને છે.
મહેતા કહે છે : "જ્યારે તમે ગાંધીનગર સચિવાલયની મુલાકાત લેવા જાવ છો, ત્યારે તમને વહીવટીતંત્રમાં સ્પષ્ટ ભાગ પડેલા હોય તેવો આભાસ થાય છે."
"સરકાર કે ભાજપ ભલે આ વાત ન માને, પરંતુ હાલના સમયની આ વાસ્તવિકતા છે. ભાજપની અગાઉની સરકારોમાં આવું ક્યારેય જોવા મળ્યું નથી."
"આવા અનિચ્છનીય અને બિનસત્તાવાર વિભાગીકરણને કારણે અમુક સરકારી વિભાગોમાં સંકલનનો અભાવ જોવા મળે છે."
"જે કારણે મહત્ત્વપૂર્ણ નિર્ણયો અંગેની ફાઇલો અમુક વિભાગો વચ્ચે અટવાયેલી રહી જવાના કારણે નીતિગત નિર્ણયો લેવામાં અને તેના અમલીકરણમાં નિરર્થક વિલંભ થતો હોય છે."
"સરકારમાં જોવા મળી રહેલી આંતરિક અસંતોષની આ ફાટ માત્ર મંત્રાલયો સુધી સીમિત નથી, પરંતુ નીચલા સ્તર સુધી વિસ્તરેલી જોવા મળે છે."
તેઓ નરેન્દ્ર મોદીના સમયગાળા સાથે હાલની ગુજરાત સરકારની કાર્યક્ષમતાની સરખામણી કરતા કહે છે : "નરેન્દ્ર મોદીના સમયમાં નિર્ણયાકતા અને તેના અમલીકરણની પ્રક્રિયામાં સરકારને જે ઝડપ હાંસલ થઈ હતી. તે આ સરકારના શાસનમાં જોવા મળતી નથી."
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ભાજપના કુસંપ માટે આંતરિક પરિબળોને કારણભૂત માને છે.
તેઓ ગુજરાતના ભાજપમાં પડેલી આ ફાટફૂટને રાતોરાત બનેલી ઘટના નથી માનતા.
તેઓ કહે છે : "છેલ્લા કેટલાક સમયથી સત્તા, ભ્રષ્ટાચાર અને સરકારમાં ચાલી રહેલી લૂંટના તંત્રના કારણે ભાજપમાં આંતરિક સ્તરે ખૂબ જ અસંતોષ છે."
"શિસ્તના નામે નેતાઓ અને કાર્યકરોને અવાજ ઉઠાવવા દેવાતો નથી, પરંતુ હકીકતે તો સરકારના સબસલામતના દાવા સાવ પોકળ છે."
"પક્ષમાં સર્જાયેલા અસંતોષના વાતાવરણ અને ફાટફૂટને કારણે વહીવટીતંત્રને પૅરાલિસિસ થયા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે."
"છેલ્લા કેટલાક સમયથી નિર્ણયનો અમલ તો દૂરની વાત રહી, નિર્ણય લેવામાં પણ સરકારમાં ઘણો સમય લાગી રહ્યો છે."
"ભાજપના આ આંતરિક વિખવાદનો ભોગ ગુજરાતના લોકો બની રહ્યા છે."
ગુજરાતમાં આંદોલનો?
પાછલા કેટલાક સમયથી ગુજરાતની રૂપાણી સરકાર સામે અવારનવાર નવા-નવા પ્રશ્નો આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતો સુધી તમામ પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે જુદા-જુદા પ્રસંગે આંદોલનનો માર્ગ અપનાવી ચૂક્યા છે.
નિષ્ણાતોના મતે કેટલાકની માગણીઓ સંતોષવાનું આશ્વાસન આપીને તો કેટલાંક આંદોલનો દમન વડે દબાવીને સરકારે શાંત પાડી દીધાં છે.
ખેડૂતોનું આંદોલન
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અવારનવાર દેવામાફીની માગ સાથે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે.
તેમ છતાં હજુ સુધી સરકાર 'જગતના તાત'ની મહત્ત્વપૂર્ણ માગણીઓ પરત્વે ગંભીરપણે વિચાર કર્યો નથી એવી ખેડૂતોની લાગણી છે.
હાલમાં જ અતિવૃષ્ટિના કારણે ગુજરાતના ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના કારણે ગુજરાતના ખેડૂતો પાકવીમાના વળતર મુદ્દે સરકાર સામે પડ્યા હતા.
સરકારે ખેડૂતોને ભોગવવા પડેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જાહેરાત કરી અને નુકસાની વળતર માટે અલગ ફંડ પણ ફાળવી દેવાયું.
પરંતુ ખેડૂતો સરકારના આ પગલાને અપૂરતું ગણાવે છે.
ખેડૂતો ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે 14 હજાર કરોડ રૂપિયાની નુકસાની થઈ હોવાનો દાવો કરી રહ્યા હતા.
તેમજ ખેડૂતોએ સરકાર દ્વારા કરાયેલી વળતરની જાહેરાતને ખરેખર થયેલ નુકસાનની સરખામણીએ ખૂબ જ ઓછું હોવાનું ગણાવ્યું હતું.
આ સિવાય સરકાર લગભગ દરેક વિધાનસભાના સત્ર અગાઉ જે-તે સત્રમાં ખેડૂતોના દેવામાફી અંગે નિર્ણય લેવાની વાત જરૂર કરે છે. તેમ છતાં સરકાર આ મુદ્દે કોઈ નક્કર નિર્ણયે પહોંચી શકી નથી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં લગભગ 35 લાખ ખેડૂતો ખેતી માટે લીધેલી લૉનના બોજા હેઠળ દબાયેલા છે.
આ અહેવાલ મુજબ આ તમામ ખેડૂતોએ બૅંકોને 82,075 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું બાકી છે.
વિદ્યાર્થીઓનું આંદોલન
તાજેતરમાં જ સરકારી ભરતીઓની પ્રક્રિયામાં થઈ રહેલી ગેરરીતિઓને કારણે સરકારી નોકરી માટેની તૈયારી કરતા લાખો યુવાનો સરકાર સામે મેદાને પડ્યા હતા.
ઑગસ્ટ, 2018માં જાહેર થયેલી લોકરક્ષકદળની ભરતીની લેખિત પરીક્ષા ડિસેમ્બર માસમાં યોજાઈ હતી.
પરંતુ છેલ્લી ઘડીએ પરીક્ષાકેન્દ્રો પર પહોંચેલા ઉમેદવારોને માહિતગાર કરાયા કે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.
જે કારણે લાખો વિદ્યાર્થીઓએ ધરમ ધક્કો ખાવો પડ્યો હતો.
તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવા માટે પરીક્ષાનું પેપર ફૂટી ગયું હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.
પરીક્ષા રદ થયાના એક માસ બાદ ફરીથી પરીક્ષા લેવાઈ તો ખરી, પરંતુ આખરે પરીક્ષાના પરિણામ બાબતે પણ વિવાદ થયો હતો.
છેલ્લા કેટલાક સમયથી અનામત વર્ગની વિદ્યાર્થિનીઓ બિનઅનામત વર્ગમાં સ્થાન ન મળવાના કારણે અનામત વર્ગની વિદ્યાર્થિનીઓએ આંદોલન કર્યું હતું.
હવે તેમની માગ સામે બિનઅનામત વર્ગની વિદ્યાર્થિનીઓએ પણ મોરચો માંડ્યો છે.
તેઓ પણ બિનઅનામત વર્ગની જગ્યામાં અનામત વર્ગનાં મહિલા ઉમેદવારોને સ્થાન ન મળે તેવી માગ ઉઠાવી રહ્યાં છે.
તેવી જ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પણ વ્યાપક ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો ઊઠતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતરી પડ્યા હતા.
આખરે સરકારે નમતું જોખી પરીક્ષામાં થયેલ ગેરરીતિ બાબતે તપાસપંચ નીમવાનું મંજૂર કર્યું હતું.
તપાસપંચના રિપોર્ટ બાદ ગેરરીતિ થયાનું સામે આવતાં સરકારે બિનસચિવાલય પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
શિક્ષકોની માગ
ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી રાજ્યની સરકારી શાળાના શિક્ષકો દ્વારા જુદી-જુદી માગણીઓને લઈને આંદોલનો થઈ રહ્યાં છે.
ધ હન્સ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ફેબ્રુઆરી 2019માં ગુજરાતની લગભગ તમામ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ CCC પરીક્ષા પાસ કરવાના નિયમમાં છૂટછાટ, જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા મુદ્દે તેમજ ફિક્સ્ડ-પેના વિરોધ જેવા મુદ્દાઓને લઈને વિધાનસભાની સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.
ત્યારે સરકારે શિક્ષકોના વિરોધને ડામવા માટે ત્રણ મંત્રીઓની એક સમિતિ નીમી હતી.
ગુજરાત સરકાર પાસેથી વાજબી માગણીઓ પૂરી કરવાના આશ્વાસન છતાં હજુ સુધી શિક્ષકોની મોટા ભાગની માગણીઓ પડતર પડી છે.
સાથે જ હાલમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ચાલી રહેલી જૂની પેન્શન યોજનાને ફરી વાર લાગુ કરવાની ચળવળમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણક સંઘનું સમર્થન પ્રાપ્ત થતાં લડત વધારે બળવત્તર બની છે.
તેમજ પ્રાથમિક શિક્ષકોની પડતર માગણીઓના નિરાકરણ માટે તાલુકા કક્ષાથી જિલ્લા કક્ષા સુધી પ્રાથમિક શિક્ષકોએ ધરણાં કાર્યક્રમ યોજ્યા હતા.
પરંતુ શિક્ષકોની પડતર માગણી અંગે સરકારે કોઈ નક્કર પગલાં ન ભર્યાં હોઈ સોમવારે શિક્ષકો દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
આશાવર્કરો અને આંગણવાડી કાર્યકરોનો વિરોધ
ગુજરાતમાં આશાવર્કરોમાં પણ ફિક્સ-પગાર અને અને કામના ફિક્સ કલાકો મુદ્દે ઘણા સમયથી અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં આશાવર્કરોએ ઇન્સેન્ટિવના સ્થાને 9,450 રૂપિયાના ફિક્સ વેતનની માગણી પૂરી ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ સિવાય આંગણવાડી વર્કરોએ પણ પોતાના પગારમાં ત્રણ ગણો વધારો કરવાની રજૂઆતો કરી હતી.
આંગણવાડી અને આશા કાર્યકરો દ્વારા કામથી દૂર રહી વિરોધ કરવાની ચીમકીઓ છતાં પણ ગુજરાત સરકારે તેમની માગણીઓ અંગે ગંભીરતા દાખવી નથી.
આદિવાસી અને દલિતોનું આંદોલન
ગુજરાત સરકારની મહત્ત્વકાંક્ષી યોજનાઓ, જેમ કે સરદાર સરોવર યોજના અને પછી સ્ટેચ્યૂ ઑફ યુનિટીના બાંધકામ-વિકાસ માટે નર્મદા જિલ્લામાં વસતા હજારો આદિવાસીઓને જમીનો ગુમાવવાનો વારો આવ્યો છે.
સરદાર સરોવરની આસપાસનાં ગામોમાં વરસાદના સમયે પાણી આસપાસનાં ગામડાં અને ખેતરોમાં ઘૂસી જવાના કારણે આદિવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત સરકારની આ સુઘડ યોજનાઓ નર્મદા જિલ્લાના આદિવાસીઓ માટે દુ:સ્વપ્ન સાબિત થઈ છે.
ઘણા લોકોને પોતાની રોજગારી, ઘણાને પોતાની પૈતૃક જમીનો અને આવકનાં સાધનો ગુમાવવાં પડ્યાં છે.
આદિવાસીઓએ રાજ્ય સરકારની આ યોજનાઓના વિરોધમાં અવારનવાર અવાજ બુલંદ કર્યો હોવા છતાં સરકારી તંત્રના બહેરા કાન પર આદિવાસીઓના વિરોધનો અવાજ નથી પડી રહ્યો.
આ સિવાય છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દલિતો વિરુદ્ધ અત્યાચારની વધી રહેલી ઘટનાઓ બાબતે દલિત સમાજના લોકો દ્વારા પણ અવારનવાર સરકાર સામે મોરચો માંડવાની ઘટનાઓ બની છે.
પછી ભલે તે દલિત યુવકનો મૂછ રાખવાનો વિવાદ હોય કે દલિત યુવતી સાથે સામૂહિક બળાત્કાર કરી તેમના મૃતદેહને ઝાડ પર લટકાવી દેવાની ઘટના.
આ તમામ ઘટનાઓ અંગે સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને કાર્યવાહીમાં વિલંબને કારણે દલિત સમાજના લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો.
છેલ્લે ગુજરાતની ભાજપ સરકાર પોતાના અંદાજ અનુસાર મુદ્દો વધુ બળવત્તર બની ગયા બાદ જ હરકતમાં આવી હોય તેવા અનેક ઉદાહરણો બન્યાં છે.
સરકાર નબળી કે સ્થિતિ કથળી?
નિષ્ક્રિય અને આંતરિક ફાટફૂટવાળા પક્ષની સરકાર તરીકેની છબિવાળી ગુજરાત સરકારના રાજકીય ભવિષ્ય અંગે વાત કરતા વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા જણાવે છે :
"પ્રજાને સારા નારા આપતી કે સારી જાહેરાતો કરતી સરકાર નથી જોઈતી. આવનારા દિવસોમાં પણ જો સરકાર પોતાની ભૂલો પર ધ્યાન આપી, પોતાના કામને પ્રજાલક્ષી નહીં બનાવે તો તેનું પરિણામ ભાજપે જરૂર ભોગવવું પડી શકે છે."
"સરકાર પોતાના આંતરિક વિખવાદોને કોરાણે મૂકી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે."
"ખૂબ લાંબા સમય સુધી આવો ગેરવહીવટ જનતા ચલાવી લે તેવું લાગતું નથી."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર રાજ્યમાં ચાલી રહેલાં આંદોલનોને ગુજરાત સરકાર માટે ઘાતક ગણાવે છે.
તેઓ હાલની પરિસ્થિતિની સરખામણી 1973-74માં સર્જાયેલી 'નવનિર્માણ આંદોલન' દરમિયાનની પરિસ્થિતિ સાથે કરે છે.
તેઓ જણાવે છે : "ગુજરાતના યુવાનો, ખેડૂતો અને શ્રમિકોની વાજબી માગણીઓ તરફ લક્ષ ન આપીને ગુજરાત સરકારે જાતે જ પોતાનું વિનાશ નોતર્યું છે."
"ગુજરાત સરકારની હાલની પરિસ્થિતિ ડામાડોળ તો છે જ, પરંતુ આગામી ચૂંટણીમાં તો ગુજરાતની જનતા સામે જઈને ભાજપના લોકો મત માગવા લાયક પણ નહીં રહે."
તેઓ વિજય રૂપાણીના નેતૃત્વને નબળું ગણાવે છે.
તેમણે કહ્યું હતું : "ગુજરાત સરકારમાં ચાલી રહેલી અંદરોઅંદરની સ્પર્ધાને કારણે સરકાર પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે."
"વારંવાર ઠોકર ખાનાર ગુજરાતના યુવાનો અને માતા-પિતા ફરીથી રાજ્યમાં ભાજપની સરકારને જનાદેશ આપે તેવી પરિસ્થિતિ નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો