IND Vs NZ : ન્યૂઝીલૅન્ડ સામે ભારતની શાનદાર જીત, શ્રેયસ અય્યરની ધમાકેદાર બેટિંગ

ઑકલૅન્ડ ખાતે રમાયેલી પહેલી ટી-20 મૅચ ભારતે જીતી લીધી છે. ન્યૂઝીલૅન્ડની ટીમે ભારતને જીત માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ભારતે ચાર વિકેટ ગુમાવીને પૂર્ણ કરી લીધો હતો.

ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા માત્ર સાત રન કરીને આઉટ થઈ ગયા હતા.

તો ઓપનિંગમાં આવેલા કેએલ રાહુલે 27 બૉલમાં 56 રન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી આપી હતી.

તો ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ પણ વનડાઉનમાં આવીને 32 બૉલમાં 45 રન ફટકાર્યા હતા.

ભારતની ચાર વિકેટ પડ્યા પછી શ્રેયસ અય્યર અને મનીષ પાંડેએ બાજી સંભાળી હતી.

ચોથા નંબરે આવેલા શ્રેયસ અય્યરે 3 સિક્સર અને 5 ચોગ્ગાની મદદથી 29 બૉલમાં 58 રન ફટકાર્યા હતા.

તો મનીષ પાંડેએ પણ 12 બૉલમાં 14 રન કર્યા હતા.

અય્યર અને પાંડેએ અણનમ રહીને ભારતને જીત અપાવી હતી.

શ્રેયસ અય્યરે સિક્સર મારીને ભારતને જીત અપાવી હતી.

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ન્યૂઝીલૅન્ડની ટીમ વિસ્ફોટક બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 203 રન કર્યા હતા.

ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન કૅન વિલિયમસને ધમાકેદાર બૅટિંગ કરીને 26 બૉલમાં 51 રન બનાવી દીધા હતા.

આ સિવાય કોલિન મનરોએ 42 બૉલમાં 59 રન કર્યા હતા.

તેમજ કોલિન મનરો અને કપ્તાન વિલિયમસનની સારી શરૂઆતનો પૂરેપૂરો લાભ ઉઠાવી રોસ ટૅલરે પણ 27 બૉલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.

ભારત તરફથી યુજવેન્દ્ર ચહલ, શિવમ દુબે, શાર્દૂલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને એક-એક વિકેટ મળી હતી.

ગત વર્ષે ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં શાનદાર દેખાવ કરનાર ટીમ ઇન્ડિયા માટે ન્યૂઝીલૅન્ડનો પ્રવાસ આ વર્ષનો પ્રથમ વિદેશપ્રવાસ છે.

આ વર્ષે સાતમો આંતરરાષ્ટ્રીય ટી-20 વર્લ્ડકપ પણ યોજવાનો છે. ત્યારે વિદેશી ધરતી પર ભારતીય ટીમ માટે દરેક મુકાબલો મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ ભારતનું પ્રદર્શન

અત્યાર સુધી ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં ભારતનું ન્યૂઝીલૅન્ડ સામેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

બિગબેસબોર્ડ ડોટ કૉમના વિશ્લેષણ અનુસાર વર્ષ 2007થી અત્યાર સુધી ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે 12 ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલા થયા છે.

જે પૈકી આઠ મૅચ ન્યૂઝીલૅન્ડ અને ત્રણ મૅચ ભારતે જીતી છે. જ્યારે એક મૅચ રદ થઈ છે.

તેમજ ન્યૂઝીલૅન્ડમાં રમાયેલી કુલ પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચો પૈકી ચાર ન્યૂઝીલૅન્ડ જીત્યું છે. જ્યારે ભારત માત્ર એક જ મૅચ જીતી શક્યું છે.

વિરાટ કોહલી

નોંધનીય છે કે ભારતીય કપ્તાન વિરાટ કોહલી પહેલી વાર ન્યૂઝીલૅન્ડમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે.

કોહલી અત્યાર સુધી ન્યૂઝીલૅન્ડ સામેની 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં 49.25ની સરેરાશથી 197 રન બનાવી ચૂક્યા છે.

આ સિરીઝમાં પણ કપ્તાન વિરાટ કોહલી પાસેથી તેમના પ્રસંશકોને સારા દેખાવની આશા હતી અને કોહલીએ એ પરિપૂર્ણ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો