'પોતપોતાનું ભારતીયપણું બનાવવા-બચાવવાની લડત ચાલી રહી છે' દૃષ્ટિકોણ

    • લેેખક, પ્રિયદર્શન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે

દેશમાં જાણે આંદોલનો, જલસા-જુલૂસોની મોસમ ચાલી રહી છે.

ઉત્તર ભારતના હાડ થીજવી દે તેવી ઠંડીને અવગણી દિલ્હી થી અમદાવાદ-હૈદરાબાદ સુધી જુદાં-જુદાં શહેરો અને યુનિવર્સિટીઓનાં યુવા વિદ્યાર્થીઓ ક્યાંક નાગરિકતા સંશોધન કાયદા (CAA), ક્યાંક રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NPR), ક્યાંક વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ તો ક્યાંક ફી-વધારા મુદ્દે રસ્તા પર ઊતરી પડ્યા છે.

કેરળ, અસમ અને બંગાળ સુધી દેશનું આ વલણ યુવાનાના વિરોધપ્રદર્શનોમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે.

રસપ્રદ વાત તો એ છે કે ઠેરઠેર આ આંદોલનોના વિરોધમાં પણ જુલૂસ નીકળી રહ્યાં છે.

એટલે કે એક પક્ષ દ્વારા નાગરિકતા કાયદાના વિરોધમાં સરઘસ યોજી રહ્યો છે, તો બીજો પક્ષ તેના સમર્થનમાં રેલી યોજી રહ્યો છે.

નિ:સંદેહ દિલ્હીમાં હોવાના અને પોતાના શાનદાર શૈક્ષણિક ઇતિહાસના કારણે જેએનયુ આ આંદોલનોનાં કેન્દ્રમાં રહ્યું છે.

અચાનક જોવા મળી રહ્યું છે કે તમામ મુદ્દે જેએનયુનું સમર્થન કે વિરોધ કે મહત્ત્વની બાબત બનતી જઈ રહી છે.

દીપિકા પાદુકોણ જેએનયુના વિદ્યાર્થીઓ સાથે જઈને માત્ર ઊભાં રહી જાય છે અને સોશિયલ મીડિયા જગત તેમના સમર્થન અને વિરોધમાં વિભાજિત થયેલું જોવા મળ્યું.

કેટલાક લો તેમની ફિલ્મ 'છપાક' એટલા માટે જોવા માગે છે, કારણ કે તેમણે જેએનયુના વિદ્યાર્થીઓના સમર્થનમાં ઊભા રહીને પોતાના લોકતાંત્રિક વિવેકનો પરિચય આપ્યો.

જ્યારે ઘણા લોકો આ જ કારણસર તેમની ફિલ્મનો બહિષ્કાર કરવાની માગ કરી.

કારણ કે તેમણે 'રાષ્ટ્રવાદ પર ઍસિડ ઍટેક' કર્યો.

આટલું જ નહીં તેમને તો કેન્દ્ર સરકારની કેટલીક પ્રમોશનલ યોજનાઓમાંથી બહાર કરાયાં છે.

સમર્થન અને વિરોધના આ પરસ્પર અથડાતા રાજકારણ વચ્ચે આંદોલનના જે મૂળ મુદ્દા છે- તે કાં તો ભુલાઈ ગયા કાં તો અપ્રાસંગિક બની ગયા છે.

સરકાર કહે છે- અને બિલકુલ ઠીક પણ કહે છે- કે નાગરિકતા સંશોધન કાયદાના કારણે કોઈ પણ ભારતીયએ પોતાની નાગરિકતા ગુમાવવી નહીં પડે.

તેમજ એનઆરસી એટલે કે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરને અસમ બહાર લાગુ કરવાની હાલ કોઈ યોજના નથી.

તો પછી એ શું છે જેના કારણે નાગરિકો એટલી હદે ગભરાઈ ગયા છે કે તેઓ પોતાનું ભણતર, કારોબાર, ઘર-બજાર બધું બાજુએ મૂકીને આંદોલન પર ઊતરી પડ્યા છે?

આખરે શાહીનબાગની મહિલાઓ પોતાનાં ઘર રસોડાંની સમેટાયેલી અને ગૂંચવાયેલી દુનિયામાંથી બહાર આવીને કેમ પ્રદર્શન કરી રહી છે?

સરકાર કહે છે કે તેઓ વિપક્ષની વાતોમાં આવી ગયા છે.

પરંતુ જે વિપક્ષ પાછલાં છ વર્ષથી લોકોમાં ભ્રમ પેદા કરવામાં અસફળ હતો, તે અચાનક નાગરિકતા કાયદો, એનઆરસી અને જેએનયુ-જામિયા જેવા મુદ્દે લોકોમાં ભ્રમ પેદા કરવામાં કેવી રીતે સફળ રહ્યો?

ખરેખર તો આ એ પ્રશ્ન છે જેનો જવાબ કેટલોક હાલના રાજકારણથી મળે છે, તેમજ થોડોક જવાબ એ ઇતિહાસમાંથી પણ મળે છે જેને આપણે હજુ સુધી પાછળ છોડવામાં અસફળ રહ્યા છીએ.

મુદ્દો માત્ર નાગરિકતા કાયદો કે જેએનયુ ફી-વધારાનો છે જ નહીં.

મુદ્દો તો ભારતીય લોકશાહી અને રાષ્ટ્રીયતાની એ પરિભાષાનો છે જેને અલગ-અલગ પ્રકારે હાનિ પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

મુદ્દો બે પ્રકારના ભારતીયપણાની અથડામણનો પણ છે, જે પોતપોતાના દૃષ્ટિકોણને યોગ્ય માને છે તેમજ વિરોધીઓના દૃષ્ટિકોણને વિભાજનકારી.

છેલ્લાં ત્રણ વર્ષથી જેએનયુ કોઈ ને કોઈ કારણસર વિવાદમાં સપડાયેલી છે, આ માટે પણ આ પરસ્પર અથડાતા વૈચારિક દૃષ્ટિકોણ જ જવાબદાર છે.

આ વૈચારિક દૃષ્ટિઓ અને તેના આધારે વિભાજિત થયેલ બે ભારતીયપણાંને ઓળખવું ખૂબ જ સરળ છે.

પ્રથમ પ્રવાહ

જેઓ આરક્ષણવિરોધી છે, તેઓ ઉદારીકરણના સમર્થકો પણ છે, તેમજ કાશ્મીરમાં કલમ 370 હઠાવવાના નિર્ણયના સમર્થકો પણ છે, તેમજ અફઝલની ફાંસીના સમર્થનમાં પણ તેઓ છે, તેવી જ રીતે તેઓ રોહિત વેમુલા પક્ષે ચાલી રહેલા રાજકારણના વિરોધી પણ છે.

આ લોકો રામમંદિર બનશે એ કલ્પનાથી પણ રાજીના રેડ થઈ ગયા છે, તેમજ તેઓ ત્રણ તલાકના પક્ષમાં છે. તેમજ નક્સલવાદના ખાતમાના નામે 'ગ્રીન હંટ' જેવી કાર્યવાહીઓના પણ સમર્થનમાં છે.

આ જ લોક ગૌરક્ષાના નામે થનાર મૉબ લિંચિંગ કરનાર ભીડને સાહનુભૂતિની નજરે જુએ છે અને ક્યારેક તો તેમને ફૂલમાળા પણ પહેરાવે છે.

આ જ લોકો 'વંદે માતરમ્'ને દેશભક્તિનો માપદંડ માને છે.

આવા લોકો જ ભારતના ઇતિહાસને એક હજાર વર્ષની ગુલામગીરીના ઇતિહાસની જેમ વાંચે છે.

તેમજ મુઘલોને આક્રમણખોર માને છે.

આવા જ લોકો આર્યોને ભારતના મૂળ નિવાસી માનવા માટે તૈયાર છે.

આ જ લોકો નહેરુને નફરત કરે છે અને ગાંધીને એટલો પ્રેમ નથી કરતા કે તેઓ ગોડસેની પૂજા કરનાર લોકોને ધિક્કારી શકે.

આ લોકો જ ત્રણ તલાક પર સરકારી કાયદાને એકદમ યોગ્ય માને છે.

તેમજ આ જ એ લોકો છે જેઓ નાગરિકતા કાયદો અને એનઆરસીની વકીલાત પણ કરે છે.

કહેવાની જરૂર નથી કે આ લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે.

તેમજ ભાજપના બહુમતવાળી એનડીએ સરકારને આવા લોકોનું પૂરું સમર્થન હાંસલ છે.

ખરેખર પોતાના બહુમત હોવાની વાત આ લોકોની અંદર એ વાતના અભિમાનને પણ જન્મ આપે છે કે તેમની જ દૃષ્ટિ અંતિમ અને પ્રામાણિક છે.

તેઓ જ દેશ છે અને જેઓ તેમના આ વિચારનો વિરોધ કરી રહ્યા છે, તેઓ દેશદ્રોહી, અર્બન નક્સલ, ટુકડે-ટુકડે ગૅંગમાં સામેલ છે અને દેશનું હિત નથી ઇચ્છતા.

બીજો પ્રવાહ

બીજી તરફ એક ભારતીયપણું એવું પણ છે જે યાદ કરે છે કે આ દેશ અસંખ્ય પ્રવાહો સાથે મળીને બન્યો છે.

આ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન એ રાષ્ટ્રીયતા અને નાગરિકાત વિકસી છે, જેમાં તમામ વિશ્વાસો માટે સ્થાન છે.

આ ભારતીયપણામાં માનતા લોકો માને છે કે બંધારણ એ પવિત્ર પુસ્તક છે, જે આ દેશનું માર્ગદર્શક હોવું જોઈએ.

આ લોકો માને છે કે રોહિત વેમુલાની આત્મહત્યાને દલિતો સાથે થઈ રહેલા સામાજિક ભેદભાવ અને અત્યાચારના ઐતિહાસિક સિલસિલા તરીકે જોવું જોઈએ.

બીજો પ્રવાહ માને છે કે તમામ સમુદાયોને સમાનતા સાથે જીવવાનો અધિકાર છે અને આ અધિકાર બહુમતવાદી રાજકારણના દબાણના કારણે છીનવાતો જઈ રહ્યો છે.

તેઓ માને છે કે દેશ સામાજિક ન્યાય, આર્થિક સમાનતા, લૈંગિક સહભાગીદારી અને વૈજ્ઞાનિક સોચની એ આધુનિક અને માનવીય દૃષ્ટિ સાથે બનવો જોઈએ જે ગાંધી, નહેરુ અને આંબેડકરની સામૂહિક વિરાસત છે.

આ ભારતીયપણાનો પ્રવાહ એટલા માટે નાખુશ છે કે નવા નાગરિકતા કાયદામાં પહેલી વાર તમામ સમુદાયોને સહજ નાગરિકતાની બંધારણીય વ્યવસ્થાને નકારી એક સમુદાયની નાગરિકતાને માત્ર ધર્મના આધારે રોકવામાં આવ્યું છે.

આ ભારતીયપણાના પ્રવાહમાં સામેલ લોકો એ વાતનો ગભરાટ અનુભવી રહ્યા છે કે, જો આ કાયદા સાથે એનઆરસી જેવી વ્યવસ્થાને જોડી દેવામાં આવશે તો તે એક ઘાતક સંયોજન સાબિત થશે.

જે દેશના સૌથી મોટા લઘુમતિ સમુદાયો માટે મુશ્કેલ ખડી કરશે.

શું આ બધું અકારણસર બની રહ્યું છે?

સરકારનું કહેવું તો કંઈક આવું જ છે.

પરંતુ શું એ ભુલાવી દેવા જેવી વાત છે કે આ આંદોલન પહેલાં તમામ ચૂંટણીઓમાં ભાજપના તમામ મોટા નેતા અને જુદાં-જુદાં રાજ્યોમાં તેમના મુખ્ય મંત્રીઓ પોતાનાં રાજ્યોમાં એનઆરસી લાગુ કરવાની-કરાવવાની વાતો કરી રહ્યા છે?

સ્પષ્ટ છે, શંકા છે તો તેનાં રાજકીય કારણો પણ છે.

તો હવે મુદ્દો આ બંને પ્રકારનાં ભારતીયપણાંમાંથી એકની પસંદગીનો છે.

પરંતુ આ પસંદગીનું કામ એટલું સરળ પણ નથી.

કેટલાક ભોળા કે ચતુર માણસો આ મુદ્દાને કૉંગ્રેસ વિરુદ્ધ ભાજપ બનાવવા માગે છે-

જે બિલકુલ હકીકતથી વેગળું છે.

વધુ જટિલ સત્ય તો એ છે કે બે અલગ-અલગ દૃષ્ટિઓની આ સમસ્યા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોથી જ ચાલતી આવે છે.

ઇતિહાસકાર સુધીરચંદ્ર એ વાત તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે કે કેવી રીતે સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે રાષ્ટ્રવાદનો અર્થ હિંદુ રાષ્ટ્રવાદ થતો હતો, જે કૉંગ્રેસની અંદર પણ હાજર હતો.

હિંદુ મહાસભા અને આરએસએસ તો એ જમાનામાં કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીયતાનું વહન કરી શકે એમ નહોતા.

રામ મનોહર લોહિયાએ 'ભારતના વિભાજનના ગુનેગારો' નામનું જે પુસ્તક લખ્યું છે, નિ:સંદેહ તેના આઠ ગુનેગારોમાં બ્રિટનનું છળકપટ, મુસ્લિમ લીગની વિભાજનકારી નીતિ અને કૉંગ્રેસ સિવાય હિંદુ અહંકારને પણ ગુનેગારોની યાદીમાં સામેલ કર્યું છે.

તેમણે લખ્યું છે કે હિંદુ મહાસભાના વર્તનના કારણે વિભાજનના કામમાં મુસ્લિમ લીગને મદદ મળી છે.

ખરાબ રીતે વહેંચાયો સમાજ

નવું ભારત બનાવવામાં લાગેલા લોકો વિભાજન સમયની નફરતને ભુલાવીને નહીં, પરંતુ તેના આધાર પર જ નવું ભારત ખડું કરવા માગે છે.

તેથી નાગરિકતા કાયદા વિરુદ્ધ થઈ રહેલાં આંદોલનોને તેઓ હિંદુ-મુસ્લિમના ચશ્માં વડે જોવા-બતાવવા ઇચ્છે છે.

વડા પ્રધાન મોદી આમ જ નથી કહેતા કે, તેઓ કપડાં પરથી લોકોને ઓળખી બતાવે છે કે કોણ આગ ચાંપી રહ્યું છે.

તેઓ એ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ બાબતને લઈને તમામ હંગામા જામિયા, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને શાહીનબાગમાં જ થઈ રહ્યા છે, જેમાં મુસ્લિમો જ સામેલ છે.

પરંતુ કોઈક ને કોઈક આવીને તેમની આ વાતને દર વખતે ખોટી સાબિત કરી જાય છે.

અચાનક સામે આવે છે કે મુંબઈમાં કાશ્મીર બાબતે તકતી લઈને ઊભેલી છોકરી મુસ્લિમ નહીં, પરંતુ મરાઠી છે.

દિલ્હીના લાજપતનગર વિસ્તારમાં ઘરે-ઘરે જઈને મળી રહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે પોતાના ઘરની છત પરથી એનઆરસીના વિરોધમાં બૅનર લઈને ઊભેલાં મહિલાઓ હિંદુ છે.

શાહીનબાગની શાનદાર મહિલાઓ વચ્ચે પણ કેટલીક હિંદુ મહિલાઓ બેઠેલી જોવા મળે છે.

જેએનયુમાં બોલીવૂડમાંથી કોઈ ખાન નહીં, દીપિકા પહોંચી ગયાં.

આ આંદોલનોની એક ખાસ વાત એ પણ છે કે તેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ સામેલ છે.

તેઓ નારા લગાવી રહ્યાં છે. તેઓ પોતાના સાથીદારોને માર ખાતા બચાવી રહ્યાં છે.

તેઓ મારઝૂડ પણ કરી રહ્યાં છે, તેમના વાળ ખેંચવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ આંદોલનમાં અડગપણે મોરચો સંભાળીને ખડાં છે, તેઓ રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરવાની અપીલ કરી રહ્યાં છે.

આ મહિલાઓમાં એ સમજ છે કે ભારતની સમતામૂલક આસ્થા જ તેમની સુરક્ષા અને સ્વતંત્રતાની ગૅરંટી છે.

જો ભારતને ધર્મ આધારિત રાજ્ય બનાવવાનો પ્રયત્ન થશે તો તેની પહેલી ચોટ તેમની લૈંગિક સમાનતા પર જ પડશે.

દેશ ભરમાં ચાલી રહેલાં આ આંદોલનો ખરેખર પોતપોતાનું ભારત બચાવવાનો પ્રયત્ન છે.

આ વાતને ચૂંટણી સંબંધી રાજકારણ કે બહુમતીવાદના બળે ન સમજી શકાય.

આ વાતને એ જઝબાથી સમજવાની જરૂરિયાત છે જે અંતે અસંખ્ય સંસ્કૃતિઓના મિલનથી બનેલા મજબૂત ભારતની કલ્પના કરે છે.

દિલ્હીમાં અમિત શાહ સામે બૅનર લઈને ઊભી રહેનાર છોકરીઓ ભાડેથી રહેતી હતી.

તેમને તેમના મકાનમાલિકે ઘરમાંથી કાઢી મૂક્યાં.

પરંતુ, ભારત એ કોઈ ભાડાનું મકાન નથી. અહીં બધા રહેશે અને કોઈ તેમને કાઢી નહીં શકે.

જનતા ખરેખર જુદાં-જુદાં આંદોલનો મારફતે સરકારોને એ જ યાદ અપાવી રહી છે.

આ હઠ અને વિશ્વાસ જ ભારતની ખરી તાકાત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો