Lunar Eclipse 2020 : વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ કેવું હશે અને કયાં દેખાશે?

ચંદ્ર ગ્રહણ

ઇમેજ સ્રોત, Press Association

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

10 જાન્યુઆરીના રોજ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળશે. ચંદ્રગ્રહણ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી અનુસાર આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે, જે પૂર્ણ-ચંદ્રગ્રહણ કરતાં ઘણું આછું હોય છે.

નોંધનીય છે આ વર્ષમાં 3 ચંદ્રગ્રહણ જોવા મળશે. 2020ના આગામી દિવસોમાં થનાર આ ત્રણેય ગ્રહણો પણ ઉપછાયા ચંદ્રગ્રહણ જ હશે.

line

ક્યાં અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણ?

ચંદ્ર

ચંદ્રગ્રહણ સમગ્ર ભારતની સાથોસાથ, આફ્રિકા, એશિયા, યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં પણ દેખાશે.

કુલ 4 કલાક અને 1 મિનિટ માટે આ ગ્રહણ પૃથ્વી પરથી જોઈ શકાશે.

ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી રાત્રે 10 વાગ્યા 37 મિનિટે શરૂ થશે અને 11 જાન્યુઆરીના રોજ 2 વાગ્યા અને 42 મિનિટે સમાપ્ત થશે.

line

કેવી રીતે જોઈ શકશો આ ગ્રહણ?

ટેલિસ્કોપ

ઇમેજ સ્રોત, Getty Images

ચંદ્રગ્રહણને જોવા માટે કોઈ ખાસ સાવધાની રાખવાની જરૂર હોતી નથી. ચંદ્રગ્રહણ જોવું સમગ્રપણે સુરક્ષિત માનવામાં આવે છે. તમે આ નજારો નરી આંખે પણ નિહાળી શકો છો.

જો ચંદ્રગ્રહણ જોવા માટે ટેલિસ્કોપની વ્યવસ્થા થઈ શકે તો ચંદ્રગ્રહણનું આ દૃશ્ય તમારા જીવનનો એક આહ્લાદક અનુભવ સાબિત થઈ શકે છે.

line

ચંદ્રગ્રહણ એટલે શું?

ચંદ્ર

ખરેખર આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે.

તે તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.

તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.

ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.

ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.

line

ગ્રહણ અંગેની ગેરમાન્યતાઓ

ગ્રહો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા-ગેરમાન્યતાઓ વણાયેલી છે.

અનેક માન્યતાઓ અનેક લોકો માટે શ્રદ્ધાનો વિષય હોય છે અને તેનું પાલન પણ કરાતું હોય છે.

ગ્રહણ અંગે ઘણા લોકોના મનમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેમ કે, ઘણા લોકો ગ્રહણની અસરથી ગર્ભવતી મહિલાને શારીરિક ખોડખાપણવાળું બાળક જન્મી શકે છે એવું માને છે.

તેમજ ગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાથી મહિલાઓને ગર્ભપાત થઈ શકે એવી ગંભીર પ્રકારની માન્યતાઓ પણ લોકોમાં જોવા મળે છે.

ખોરાક અને તેની કેટલીક સામગ્રીને ગ્રહણ દરમિયાન ઢાંકી દેવામાં આવે છે.

વળી ગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાનું નહીં અને ઉપવાસ કરવાની માન્યતા પણ પ્રવર્તે છે.

આ સમય દરમિયાન પૂજાપાઠ પણ કરવામાં આવે છે. કેમ કે માન્યતા અનુસાર આ સમયને ધાર્મિક ગણવામાં આવે છે.

લોકોમાં પ્રવર્તતી ગ્રહણને લગતી માન્યતાઓ શું ખરેખર સાચી છે અને તેને ગ્રહણ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે જાણવા બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહે ફિઝિક્સનાં પ્રોફેસર ડૉ. મીના તલાટી સાથે વાતચીત કરી.

ભરૂચની કે. જે. પોલિેટેકનિક કૉલેજનાં ફિઝિક્સનાં પ્રોફેસર ડૉ. મીના તલાટીના જણાવ્યા મુજબ ખરેખર વિજ્ઞાનમાં આવા કોઈ તારણો સંશોધન કે થિયરી નથી જે આ સંબંધિત માન્યતાઓ અને ગ્રહણ વચ્ચે સંબંધ હોવાનો પુરાવો આપે છે.

તેમણે આ વિશે જણાવતા કહ્યું, "ગ્રહણ એ એક અવકાશ વિજ્ઞાનની ખગોળીય ઘટના છે."

"તેની પૃથ્વી પર સામાન્ય લોકોના શારીરિક-માનસિક લક્ષણો પર સીધી અસર માટે તર્ક આપવામાં આવતા હોય છે.પરંતુ તેમાં કોઈ પુરવાર થયેલી થિયરી નથી."

"ખરેખર ગ્રહણ એક ઘટના છે, જે પૃથ્વી સંબંધે ઘણી દુર્લભ છે. તેને માણવું જોઈએ અને આ બધી ઘટનાઓ વિશે જાણવું સમજવું જોઈએ."

"રહી વાત ગ્રહણ સમયે જમવું નહીં અને બહાર નહીં જવાની માન્યતાની, તો જૂના જમાનામાં કાચાં મકાનો રહેતાં અને વીજળી નહોતી."

"આથી ગ્રહણ સમયે અંધારું હોવાથી ઘરમાં બનાવેલા ખોરાક કે તેની સામગ્રીમાં કોઈ જંતુ ન પડી જાય એટલા માટે લોકો ખાતાં ન હતા."

line

રેડિયેશનની માન્યતા

ગ્રહણ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. મીના તલાટી કહે છે, "વધુમાં માનવનો સ્વભાવ રહ્યો છે કે તે કોઈ પણ દુર્ઘટનાને એ દિવસના સંજોગો સાથે જોડી દે છે."

"આથી ગ્રહણ સમયે કંઈક નકારાત્મક ઘટના બની હોય, તો તેને હંમેશાં માટે અશુભ સમય માની લેવાય છે. જે તદ્દન ખોટી માન્યતા છે."

અત્રે નોંધવું રહ્યું કે, ગ્રહણ બાબતે લોકો એવી પણ માન્યતા ધરાવતા હોય છે કે તેની માનસિક અસર થવાથી પરિવારમાં કંકાસ થાય છે.

ઉપરાંત વ્યક્તિ પર ખોટા આક્ષેપો પણ થતા હોય છે. જો કે વિજ્ઞાનના જાણકારો આ તમામ માન્યતાઓને ખોટી ગણાવે છે.

આ સમગ્ર બાબત અંગે ડૉ. મીના તલાટીએ વધુમાં જણાવ્યું કે, ગ્રહણની ગુરુત્વાકર્ણ અને રેડિયેશન(કિરણોત્સર્ગી)ની અસર મામલે કોઈ ખાસ સંશોધન નથી થયાં.

"આ વિષયમાં સંશોધન ચાલુ છે. સાયન્સ આવી માન્યતાઓને ગ્રાહ્ય નથી રાખતું."

"ઉપરાંત આપણે પૃથ્વી પર રહીએ છીએ એટલે આપણને ગ્રહણો વારંવાર જોવા નથી મળતાં."

"જો મંગળ પર રહેતાં હોત તો વારંવાર આવાં સૂર્ય-ચંદ્રગ્રહણો જોવા મળતાં હોત."

ટૂંકમાં તેમનું કહેવું છે કે, જૂના જમાનામાં ગ્રહણ મામલે પ્રવર્તતી માન્યતાઓ કાં તો અંધશ્રદ્ધા અથવા તો દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ખલેલ ન આવે તે માટે વિકસાવવામાં આવેલી રીતો હતી.

અવકાશમાં થતી આવી ઘટનાઓની લોક માન્યતાઓ સાથે સીધો કોઈ વૈજ્ઞાનિક સંબંધ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો