કરાચીમાં એક રૂમનું તાળું ખોલ્યું તો નામ-તારીખ લખેલાં અનેક અસ્થિકુંભ દેખાયા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શુમાઇલા જાફરી
- પદ, બીબીસી સંવાદદાતા, કરાચી
ડૉક્ટર શ્રીવાસ્તવ ચાવલાના રૂમમાં એમનો પરિવાર નજીકનાં સંબંધી દિવંગત આશા ચાવલાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિશાળ તસવીર સામે ભેગો થયો છે. તસવીર પર ફૂલનો હાર ચડાવવામાં આવ્યો છે.
આશા ચાવલાના અચાનક મૃત્યુથી પરિવાર હચમચી ગયો છે.
આ પ્રાર્થના કાર્યક્રમમાં આશા ચાવલાની જોડિયાં દીકરીઓ સહિત કેટલાંક બાળકો પણ ઉપસ્થિત હતાં. પરિવારે પ્રાર્થના, આરતી વગેરે કર્યા અને પછી સૌ લોકો વિખેરાઈ ગયા.
ડૉક્ટર શ્રીવાસ્તવ સિંધ પ્રાંતના કાશમોર ક્ષેત્રના છે. લાંબા સમયથી એમનો પરિવાર કરાચીમાં રહે છે અને સફળ ધંધાદારી છે.

ડૉક્ટર શ્રીવાસ્તવે કહ્યું કે ''બે વર્ષમાં અમે ત્રણ વાર વિઝા માટે અરજી કરી, પરંતુ અમારી અરજી ભારતીય અધિકારીઓએ નકારી કાઢી.''
આશાની અંતિમવિધિ માટે પરિવાર હરિદ્વાર જવા માગતો હતો, જેથી એમને સાંત્વના મળે, પરંતુ વિઝાની સમસ્યાને લીધે તેઓ એમ ન કરી શક્યા.
ડૉક્ટર શ્રીવાસ્તવે કહ્યું કે, એમની વિઝા અરજી રદ કરી દેવાઈ, પરંતુ કારણ ક્યારેય ન જણાવવામાં આવ્યું.
એમણે કહ્યું કે ''અમે વિઝાની અરજી સાથે મૃત્યુનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું. અમે એમને કહ્યું કે અમે અસ્થિકળશ ભારત લઈ જવા માગીએ છીએ. કર્મકાંડ કરાવનાર સંભવિત પંડિતનું વિઝિટિંગ કાર્ડ પણ અમે રજૂ કર્યું, પરંતુ અમને ફરી અરજી કરવા માટે કહેવામાં આવ્યું.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ એક જ આશા ચાવલાના અસ્થિવિસર્જનની વાત નથી.

અનેક પરિવારો ઇંતેજારમાં

આશા ચાવલાના અસ્થિકળશની જેમ જ સેંકડો પાકિસ્તાની હિંદુઓના અસ્થિકળશ ગંગામાં વિસર્જનની રાહ જોઈ રહ્યા છે.
અંતિમસંસ્કાર કરવા માટે ભારતમાં વિઝા મળવું કાયમ મુશ્કેલ રહ્યું છે, પરંતુ પુલવામાની ઘટના પછી તો પ્રિયજનોની અંતિમ ઇચ્છા પૂરી કરવું લગભગ અશક્ય થઈ ગયું છે.
ડૉક્ટર શ્રીવાસ્તવે કહ્યું કે આખા પાકિસ્તાનમાં મંદિરોમાં સેંકડો હિંદુઓના અસ્થિકળશ રાખવામાં આવેલા છે.

કરાચીમાં મુસ્લિમ કરે છે અસ્થિકળશની દેખભાળ

કરાચીમાં એકમાત્ર સ્મશાનઘાટ ખાતે મોહમ્મદ પરવેઝ દૈનિક સફાઈ-કામમાં વ્યસ્ત છે.
તેઓ મુસ્લિમ છે અને એમનો પરિવાર અનેક પેઢીઓથી સ્મશાનની દેખરેખ કરતો આવ્યો છે.
મોહમ્મદ પરવેઝે સ્મશાનમાં એક રૂમનું તાળું ખોલ્યું અને અંદર પ્રવેશ કર્યો. એમના હાથમાં અગરબત્તીઓ હતી.
રૂમની અંદર ચારે તરફ કબાટો છે અને આ કબાટો પર અનેક નાના મોટા કળશ કે વાસણ રાખવામાં આવેલા છે. કેટલાકને કપડાંમાં વીંટીને પણ રાખવામાં આવેલા છે અને કેટલાક પર નામ અને તારીખો લખેલી છે.
જે હિંદુઓએ એમના અસ્થિને ગંગામાં વિસર્જિત કરવામાં આવે એવી અંતિમ ઇચ્છા રાખી હતી એમના આ અસ્થિકળશો છે.
મોહમ્મદ પરવેઝે કબાટોને સાફ કર્યા પછી અગરબત્તી પેટાવી અને થોડી વાર ત્યાં મૌન ઊભા રહ્યા.
પરવેઝે બીબીસીને કહ્યું ''આ દિવસોમાં વિઝા મળવા ખૂબ મુશ્કેલ છે. પરિવારો ખૂબ તણાવમાં હોય છે અને તેઓ પોતાના પ્રિયજનોના અસ્થિકળશ અહીં જમા કરાવે છે.''
''લગભગ 200 હિંદુઓના અસ્થિકળશો અહીં એ આશાએ રાખવામાં આવ્યા છે કે એક દિવસ તેમને હરિદ્વાર લઈ જવાશે.''
મોહમ્મદ પરવેઝ કહે છે ''અસ્થિકળશ મૂકનારા લોકો પૈકી કેટલાક પખવાડિયે કે મહિને એકાદ વાર આવે છે. તેઓ મને પ્રિયજનોના અસ્થિકળશ સંભાળીને રાખવાનો આગ્રહ કરે છે અને કહે છે કે જેવો વિઝા મળશે કે તરત જ તેઓ આવીને લઈ જશે.''
કરાચીના સ્મશાનઘાટનું ચૅમ્બર કે જ્યાં આ અસ્થિકળશો મૂકવામાં આવે છે તે કેટલાંક વર્ષો અગાઉ એક અસ્થાયી ઓરડો હતો.
આની દેખરેખ કરનારાઓનું કહેવું છે કે અગાઉ ભારે વરસાદને પગલે અનેક હિંદુઓના અસ્થિકળશ નષ્ટ પણ થઈ ગયા હતા.

અસ્થિ-વિસર્જન એક મૌલિક અધિકાર

વ્યવસાયી સની ઘનશ્યામ એક સામાજિક કાર્યકર્તા છે. એમનું માનવું છે કે પોતાના દિવંગત પ્રિયજનોની અંતિમ ઇચ્છા પૂરી કરે એ પાકિસ્તાની નાગરિકોનો મૌલિક અધિકાર છે.
એમણે કહ્યું ''ધર્મ રાજનીતિ અને વિભાજન અગાઉથી છે અને મને લાગે છે કે અંતિમ સંસ્કાર માટે હિંદુઓને ગંગા સુધી જવામાં કોઈ સમસ્યા ન થવી જોઈએ. એમનો આ મૌલિક અધિકાર છે અને તેનો ઇન્કાર ન થઈ શકે.''
સની ઘનશ્યામ ભારતીય દૂતાવાસ સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કરવા માગે છે.
એમણે કહ્યું કે ''હું ભારતીય દૂતાવાસને પાકિસ્તાની હિંદુઓ માટે વિઝા પ્રક્રિયાને અધિક સરળ કરવા માટે વિનંતી કરું છું. આના માટે એક અલગ વિઝા કૅટેગરી બનાવવી જોઈએ.''
''તેનાથી સરહદને પાર રહેતા હિંદુઓને સુગમતા થશે કેમ કે વિઝા મળવાની સંભાવના વધી જશે અને પાકિસ્તાનના હિંદુઓ તીર્થયાત્રા માટે પણ ભારત જઈ શકશે.''
કેટલા હિંદુઓના અસ્થિકળશ હરિદ્વાર જવાની રાહ જોઈ રહ્યા છે એ કોઈ નથી જાણતું, પરંતુ સની ઘનશ્યામ કહે છે કે આવા અસ્થિકળશોની સંખ્યા હજારોમાં છે.
વિઝાની સમસ્યાનો ભારતીય દૂતાવાસ ઇન્કાર કરે છે. બીબીસીને આપેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે ''પરિવારના સભ્યના અંતિમ સંસ્કાર માટે હરિદ્વાર જવાની ઇચ્છા રાખનાર લોકોની વિઝા અરજીઓને તેઓ પ્રાથમિકતા આપે છે, પરંતુ તેની સાથે સંલગ્ન દસ્તાવેજો પણ જરૂરી છે.''
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ''પરિવારજનના અંતિમ સંસ્કાર માટે ભારતની યાત્રા કરવા માગનારે જેમનાં અસ્થિનું વિસર્જન કરવાનું છે તેનું મૃત્યુ પ્રમાણપત્ર આપવું પડે. એ સિવાય એનએડીઆરએ કાર્ડની નકલ, વીજળી કે ગૅસનું બિલ અને પોલિયો પ્રમાણપત્રની નકલ પણ આપવી પડે.''
જોકે, ડૉક્ટર શ્રીવાસ્તવ કહે છે કે એમણે એમની અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા હતા તે છતાં તેમની વિઝા અરજી નકારી કાઢવામાં આવી.
તેઓ કહે છે ''મારો પરિવાર આ પ્રકરણ બંધ કરવા ઇચ્છે છે, પરંતુ જ્યાં સુધી આશાની રાખને ગંગામાં ન વહાવી દઈએ ત્યાં સુધી તે સંભવ નથી.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












