ગુજરાતમાં બાળકોનાં મૃત્યુ : "એક તરફ 'બેટી બચાવો'ની ઝુંબેશ અને બીજી તરફ બાળકો મરે છે" ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"એક તરફ બેટી બચાવો...બેટી બચાવો...ની ઝુંબેશો ચાલે છે અને બીજી તરફ હૉસ્પિટલમાં કોઈ સરખો જવાબ આપતું નથી. આટઆટલાં બાળકો મરી રહ્યાં છે. આ સ્થિતિ ખૂબ દુ:ખદ છે."
આ શબ્દો નાથાભાઈ ગઢવીના છે. નાથાભાઈ તાલાળાના છે. તેમની ભાણેજ એક અઠવાડિયાથી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં દાખલ છે.
રાજકોટની સરકારી હૉસ્પિટલમાં છેલ્લાં 3 મહિનામાં 269 બાળકોનાં મોત થયાં છે. ગત ડિસેમ્બર માસમાં જ 111 બાળકો હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યાં હતાં.
આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને લઈને લોકો ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

દર્દીઓનાં સગાંની વ્યથા
નાથાભાઈએ હૉસ્પિટલની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતાં કહ્યું હતું કે "અમને સારવાર મળી છે. નથી મળી એવું નથી. મુદ્દો એ છે કે જ્યારે ડૉક્ટરો આવે છે ત્યારે ખૂબ કડક બંદોબસ્ત ગોઠવાઈ જાય છે અને દરદીનાં સગાંસંબંધી તરીકે અમે ડૉક્ટરને મળી શકતા નથી. તેથી અમને કેમ ખબર પડે કે અમારા દરદીની શું હાલત છે?"
"બીજી વાત એ પણ છે કે દરદીઓની સંખ્યા ઝાઝી હોવાથી ડૉક્ટર પણ દરેક દરદીનાં સગાંસંબંધી સાથે વાત કરી શકતા નથી, પણ એ તો કેમ ચાલે?"
"અંદર ભાણેજની સાથે તેમના બા હૉસ્પિટલમાં છે, પરંતુ તેઓ ડૉક્ટરની કોઈ વાત સમજી શકતા નથી. તેથી દરદીનાં કોઈ સગાં ડૉક્ટરને મળવા માગતાં હોય તો તેમને મળવા દેવાની વ્યવસ્થા થવી જોઈએ."
'પત્નીને ઓટલા ઉપર સૂવડાવી'

મૂળ મધ્યપ્રદેશના અને સુરેન્દ્રનગરમાં મજૂરી કામ કરતાં કરણ કિરડિયાનાં પત્ની રમિલા કિરડિયાએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કરણ કિરડિયાનાં બે સંતાનમાંથી એકનું રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ થયું છે અને બીજું બાળક જીવન-મરણ વચ્ચે હૉસ્પિટલમાં ઝોલાં ખાય રહ્યા છે.
કરણભાઈ જણાવે છે કે "અમે સુરેન્દ્રનગરના ટીકર ગામથી હળવદ સુધી રિક્ષામાં મારી પત્નીને લઈ જતા હતા, ત્યારે રસ્તામાં પ્રસૂતિપીડા ઊપડતાં બન્ને બાળકોનો જન્મ થયો હતો. "
"એ પછી બન્ને બાળકોને અને તેની માતાને હળવદ ત્રણ કલાક અને ત્યાર બાદ મોરબીમાં અઢી કલાક સારવાર આપ્યા બાદ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં 30 તારીખે લઈને આવ્યાં હતાં."
"રાજકોટ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા, ત્યારે બન્ને બાળકોને સારવારમાં લઈ લેવામાં આવ્યાં હતાં, પરંતુ મારી પત્નીને તરત સારવાર મળી નહોતી."
"એ વખતે મારી પત્નીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. રમિલા બે કલાક હૉસ્પિટલની બહાર ઓટલા પર સૂતી રહી એ પછી તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી."
"મારાં બન્ને બાળકોની બે દિવસ સારવાર બાદ એક નવજાત શિશુને મૃત જાહેર કરાયું હતું. અમારું બીજું બાળક અત્યારે હૉસ્પિટલમાં છે, પરંતુ એ બચશે કે કેમ એ સવાલ અમારા કાળજાને કોરી રહ્યો છે."

'ડૉક્ટરોને મળવા દેવાતા નથી'

રાજકોટના જ વતની મેરાભાઈ લાલરિયાના એક સંબંધીનું બાળક રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં દસ દિવસથી સારવાર હેઠળ છે.
તેમણે કહ્યું હતું કે "111 શિશુઓનાં મોતનો મામલો બહાર આવ્યો અને ઊહાપોહ થયા બાદ રાજકોટની આ બાળકોની હૉસ્પિટલમાં ડૉક્ટરો દોડતા થયા છે. આ મામલો બહાર નહોતો આવ્યો, ત્યાં સુધી તો ડૉક્ટરો જોવા જ મળતા નહોતા."
"હું ત્રણ દિવસથી ડૉક્ટરને મળવા પ્રયાસ કરું છું, તો સિક્યૉરિટી ગાર્ડ અંદર જવા દેતા જ નહોતા. નાગરિક તરીકે સુવિધાનો અમને જે હક મળવો જોઈએ એ આ સરકારી હૉસ્પિટલમાં મળતો જ નથી."
"અમારા દરદીને તપાસ્યા બાદ ડૉક્ટરનાં શું સલાહ સૂચનો છે કે અમારે ડૉક્ટરને બે વાત કહેવી હોય તો એનો કોઈ મોકો જ મળતો નથી."
"હું જ્યારે પણ દરદીની ખબર કાઢવા જાઉં ત્યારે મને તો નર્સિંગ સ્ટાફ જ જોવા મળતો હતો. કોઈ જવાબદાર ડૉક્ટર તો મળવા જોઈએ ને? અમે જ્યારે નર્સિંગ સ્ટાફને પૂછીએ કે 'ડૉક્ટર ક્યારે આવશે?' તો 'હમણાં આવશે' એવો જવાબ મળતો."
"અમને તો આટલા દિવસોમાં ડૉક્ટરને મળવાનો કોઈ મોકો જ મળ્યો નથી. હવે શિશુમૃત્યુને લીધે જે હોબાળો થયો એટલે ત્રણેક દિવસથી ડૉક્ટરો દેખાવા મંડ્યા છે."

શું હૉસ્પિટલમાં સ્ટાફની તાણ છે?

રાજકોટ સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ મનીષ મહેતાએ જણાવ્યું હતું કે "શિશુઓનાં જે મોત થયાં છે એના માટે હૉસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સ્ટાફને જવાબદાર ન ગણી શકાય. અમારી પાસે પૂરતો સ્ટાફ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે."
"દરદીઓ ઘણી વખત એ પરિસ્થિતિમાં આવતા હોય છે કે તેમને બચાવવા મુશ્કેલ બનતા હોય છે. તેથી એવી સ્થિતિ જોવા મળે છે કે મૃત્યુનો આંક ઊંચે જતો હોય છે. સરખામણી કરશો તો 2018ની તુલનામાં રાજકોટની આ હૉસ્પિટલમાં શિશુમૃત્યુદર 2019માં નીચો જોવા મળ્યો છે."
શું શિશુઓના મોતને માત્ર આંકડા સાથે સરખાવીને આપણે સંતોષ માની શકીએ?

એ સવાલના જવાબમાં મહેતાએ કહ્યું હતું કે "ના, સરખાવવાની વાત નથી. મુદ્દો એ છે કે કોઈ પણ એક મહિનો લઈને આપણે મૃત્યુદરની સરખામણી ન કરી શકીએ."
"આખરે ડૉક્ટરોના મોરલને બૂસ્ટઅપ કરવાનો પણ સવાલ છે. હૉસ્પિટલ પર લોકોનો જે વિશ્વાસ છે એ ટકાવવાનો પણ સવાલ છે."
"ફક્ત ને ફક્ત આંકડાની આ કોઈ રમત નથી, પરંતુ જ્યારે પણ ગંભીર પ્રકારના કેસો વધારે આવે. રિફર કેસો વધારે હોય. મલ્ટિપલ કન્જેનિટલએનોમલિસના કેસ વધારે આવે, તો આવા કેસો રીફર થવાનો ચાન્સ પણ વધી જાય અને જેને લીધે મૃત્યુદર વધી જતો હોય છે."
વ્યવસ્થા છે પણ...

તમે કહો છો કે ડૉક્ટરો કે ઇન્ફ્રાસ્ટ્રક્ટરની પૂરતી વ્યવસ્થા છે તો પછી બાળકોનાં મોત પાછળનાં કારણો કયાં છે?
એ સવાલના જવાબમાં મનીષ મહેતાએ કહ્યું હતું, "અહીં દરદી ઘણી વખત ગંભીર અવસ્થામાં આવે છે. જેમ કે, ગઈ કાલે અમારી પાસે ચોટીલાથી એક કેસ આવ્યો હતો એ પાંચમે દિવસે રીફર થયો હતો. પાંચમે દિવસે એ કેસ ડચકા ખાતો હતો. આ જ કેસ જો પહેલે દિવસે અમારી પાસે રીફર થઈ ગયો હોય તો તેમને અમે કદાચ બચાવી પણ શકીએ."
"અમારી પાસે પૂરતો સ્ટાફ છે, પણ ડૉક્ટરોની જે ખાલી પડેલી જગ્યા છે એ ભરવા માટે પ્રયાસ કરીશું. અમે ખાસ કરીને નિયોનેટોલૉજિસ્ટની જરૂરિયાત છે એવી રજૂઆત મૂકી છે."
"અત્યારે આ હૉસ્પિટલમાં કન્સલ્ટન્ટ લેવલે 6 જેટલા ડૉક્ટરો ઉપલબ્ધ છે. 6 જેટલા ડૉક્ટરોની ફેકલ્ટીમાં ઘટ છે. મેડિકલ ઑફિસરોનો 10નો સ્ટાફ છે જે રાઉન્ડ ધ ક્લૉક ફરજ પર હોય છે. દરેક જગ્યાએ 24 કલાક ડૉક્ટરો ઉપલબ્ધ હોય છે."

કૉંગ્રેસનાં ધરણાં અને ભાજપના આરોપ

કૉંગ્રેસે રાજકોટ સિવિલ હૉસ્પિટલની બહાર ધરણાં પણ કર્યાં હતાં.
તેમજ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજકોટ સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.
અમિત ચાવડાએ મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું, "સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દરદીઓને સારવાર માટે અહીં લાવવામાં આવે છે, પરંતુ ડૉક્ટરોની અછત અને ઇન્ફ્રાસ્ટ્રક્ટરનો સ્પષ્ટ અભાવ છે. સરકારની આ ગંભીર બેદરકારીને કારણે બાળકોનાં મોત થયાં છે."

ચાવડા ઉમેરે છે, "સમગ્ર રાજ્યમાં જો બાળકોના મૃત્યુનો આંકડો દર વર્ષે 25,000 જેટલો છે. બે દાયકા કરતાં વધારે સમયથી રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં રાજ્યમાં 33000 જેટલા ડૉક્ટરોની જગ્યા ખાલી છે. બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. શું આ ગુજરાત મૉડલ છે? "
"બાળકોના મોટી સંખ્યામાં મૃત્યુ થતાં હોય તો મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીને શાસન કરવાનો કોઈ અધિકાર નથી. બંનેએ રાજીનામાં આપી દેવાં જોઈએ."
તો ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે કૉંગ્રેસના આ ઉપક્રમને પિકનિક સાથે સરખાવ્યો હતો.
નીતિન પટેલે કહ્યું હતું કે "કોઈ પણ ગંભીરતા વગર કૉંગ્રેસના નેતાઓએ હૉસ્પિટલમાં હસતાંહસતાં સૅલ્ફીઓ લીધી હતી. આ અશોભનીય છે. અમારી સરકાર કુપોષણને નાથવા તેમજ બાળમૃત્યુદર ઘટાડવા સતત પ્રયત્નશીલ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














