IND Vs SL T20 : ભારત અને શ્રીલંકા વચ્ચેની મૅચ વરસાદને લીધે અટકી

શિખર ધવન

ઇમેજ સ્રોત, Getty Images

નવા વર્ષ 2020ની શરૂઆતમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટી-20 મૅચ આજે ગુવાહાટીમાં રમાવાની છે. જોકે વરસાદને કારણે હાલ મૅચ રોકાઈ છે.

સિરીઝની પહેલી મૅચમાં ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે મૅચ અગાઉ શનિવારે ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ વર્તમાન નાગરિકતા સંશોધન કાયદા પરના વિવાદ અંગે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.

દેશમાં નાગરિકતા સંશોધન કાયદા, એનઆરસીને લઈને વિભાજિત મત પ્રવર્તી રહ્યો છે ત્યારે આસામમાં આને લઈને ઘણો વિરોધ થયો હતો.

આસામમાં લાગુ કરાયેલ નેશનલ સિટીઝન રજિસ્ટ્રીને લઈને પણ ઘણો વિરોધ થયો હતો.

આ મૅચમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને મીડિયા અહેવાલો મુજબ લોકોને સ્ટેડિયમમાં ટુવાલ, બૅનરો વગેરે લાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ભારતીય ટીમે છેલ્લી ટી-20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝને 2-1થી હરાવ્યું હતું.

ભારત શ્રીલંકા સામે અત્યાર સુધીમાં 16 ટી-20માંથી 11 મૅચ જીત્યું છે અને પાંચમાં હાર મળી છે.

આ મૅચમાં ઘણી સમયથી ટીમમાંથી બહાર રહેલા બૉલર જસપ્રિત બુમરાહ અને બૅટ્સમૅન શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

line

શિખર ધવન અને બુમરાહ પર નજર

જસપ્રિત બુમહાર

ઇમેજ સ્રોત, Getty Images

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં ઓપનર બૅટ્સમૅન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.

જોકે કૅપ્ટન વિરાટ કોહલી, શિખર ધવન, કેએલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ ઐય્યર, શિવમ દુબે અને રવીન્દ્ર જાડેજા વગેરે બૅટ્સમૅન ભારતીય ટીમનું મજબૂત પાસું છે.

શ્રીલંકા સામેની આ સિરીઝમાં ફાસ્ટ બૉલર જસપ્રિત બુમરાહની વાપસી થઈ છે. બુમરાહ ઈજાને કારણે ત્રણ મહિનાથી ટીમમાંથી બહાર હતા.

તેઓએ વર્ષ 2018માં 14 એક દિવસીય મૅચમાં 25 વિકેટ લીધી હતી.

શિખર ધવને વર્ષ 2019માં બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ રમી હતી. જેમાં તેઓએ 41, 31 અને 19 રન કર્યા હતા.

શિખર ધવનની ગેરહાજરીમાં છેલ્લી કેટલીક મૅચના પ્રદર્શનથી કેએલ રાહુલે ટીમમાં પોતાની જગ્યા જમાવી લીધી છે.

રાહુલે અત્યાર સુધીમાં 34 ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં બે સદીના મદદથી 1138 રન બનાવ્યા છે.

કેએલ રાહુલે છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં અનુક્રમ 62, 11 અને 91 રન ફટકાર્યા હતા.

શ્રીલંકન ટીમ

ઇમેજ સ્રોત, ICC

આ સિવાય ભારતીય ટીમમાં શાર્દૂલ ઠાકુર અને નવદીપ સૈનીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 75 ટી-20 મૅચ રમી છે, જેમાં તેઓએ 24 અર્ધસદીની મદદથી 2633 રન બનાવ્યા છે.

તો કૅપ્ટન લસિથ મલિંગના નેતૃત્વમાં શ્રીલંકાની ટીમમાં ધનંજય ડી સિલ્વા, દનુષ્કા ગુણાથિલકા, એન્જલો મૅથ્યુઝ, કુશલ મેન્ડિસ, કુશલ પરેરા અને દાસુન શનાકા જેવા જાણીતા ક્રિકેટર છે.

શ્રીલંકાએ છેલ્લી ટી-20 સિરીઝ વર્ષ 2019માં પાકિસ્તાન સામે રમી હતી.

એક રીતે શ્રીલંકાની વર્તમાન ટીમ અને ભારતીય ટીમનું અગાઉનું પ્રદર્શન જોતાં ભારતીય ટીમનું પલ્લું ભારે જણાઈ રહ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો