ઇરફાન પઠાણની નિવૃત્તિ : જ્યારે ઇરફાને મિયાંદાદના ટોણાનો હૅટ્રિકથી જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા વડોદરાના આ ઑલરાઉન્ડર ખેલાડીની કૉમેન્ટરીમાં પણ દિલ જીતી લે છે.
2003ની આસપાસ વસિમ અકરમ ભારતની મુલાકાતે આવ્યા હતા.
પાકિસ્તાનના આ મહાન ઝડપી બૉલરને આજેય સ્વિંગના સુલતાન માનવામાં આવે છે અને એમ કહેવાય છે કે આજેય તેમની બરોબરી કરી શકે તેવા ડાબોડી ઝડપી બૉલર મળ્યા નથી.
પણ, એ જમાનામાં એવી અપેક્ષા રખાતી હતી કે ભારત પાસે એવો એક બૉલર છે જે વસિમ અકરમની તોલે આવી શકે તેમ છે. એ બૉલર એટલે વડોદરાના ઇરફાન પઠાણ.
વસિમ અકરમે એ વખતે ખાતરી આપી હતી કે ઇરફાન મારી પાસે આવશે તો તેને હું ચોક્કસ સલાહ આપીશ અને સ્વિંગનો સુલતાન બનવામાં મદદ કરીશ.

જ્યારે મિયાંદાદને જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, FB/OFFICIALIRFANPATHAN
હવે બીજી વાત... 2003માં ઇરફાન પઠાણ પહેલી વાર પાકિસ્તાનના પ્રવાસે ગયા ત્યારે મહાન ક્રિકેટર હોવાની સાથે વિવાદ પેદા કરવામાં માહેર એવા જાવેદ મિયાંદાદે જાહેરમાં કહ્યું હતું કે ઇરફાન પઠાણથી ડરવાની જરૂર નથી, કેમ કે ઇરફાન જેવા બૉલર તો પાકિસ્તાનની ગલીગલીમાં પેદા થતાં હોય છે.
આ વાત ગુજરાતી ઇરફાનને ખટકી ગઈ. પણ હંમેશાં હસતા રહેતા અને હસમુખા સ્વભાવ માટે જાણીતા ઇરફાન પઠાણે નાના મોઢે મોટી વાત નહીં કરીને મેદાન પર જવાબ આપી દીધો.
ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમ ફરીથી પાકિસ્તાન ગઈ ત્યારે જાન્યુઆરી 2006માં ઇરફાને જે વેધક બૉલિંગ કરી હતી તેનો પરચો યુનૂસ ખાનની પાકિસ્તાનની ટીમને મળી ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટીમમાં શોએબ અખ્તર જેવા ખતરનાક બૉલર પણ હતા અને ખુદ યુનૂસ ખાન, મોહમ્મદ યુસૂફ અને શાહીદ આફ્રિદી જેવા ખેલાડીઓ પણ હતા.
કરાચીમાં રમાયેલી ટેસ્ટમાં હજી પાકિસ્તાનના ઓપનર કાંઈ વિચારે તે પહેલાં તો ઇરફાને સળંગ ત્રણ બૉલમાં સલમાન બટ્ટ, યુનૂસ ખાન અને મોહમ્મદ યુસૂફ (યોહાના)ને પૅવેલિયન ભેગા કરી દીધા.
તેમણે મૅચની પહેલી જ ઓવરમાં હૅટ્રિક લીધી હતી.

બે પઠાણભાઈઓએ ક્રિકેટમાં ધૂમ મચાવી

ઇમેજ સ્રોત, Huw Evans picture agency
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એલન ડેવિડસન, ફઝલ મહેમૂદ અને વસિમ અકરમ બાદ કોઈ ડાબોડી બૉલર આટલી વેધકતાથી સ્વિંગ કરાવી શકતા હોય તો તે ઇરફાન પઠાણ હતા.
એ વાત અલગ છે કે અન્ય મહાન બૉલર જેટલી વિકેટ તેમણે ઝડપી નથી કે તેમના જેટલી ટેસ્ટ રમવાની ઇરફાનને તક મળી નથી.
વડોદરામાં 1984માં ઑક્ટોબરમાં જન્મેલા ઇરફાન પઠાણ તેમના પિતાની સાથે મસ્જિદમાં રહીને જ મોટા થયા છે.
તેમના ભાઈ છે યુસૂફ પઠાણ. બે પઠાણભાઈઓએ મળીને વડોદરાના ક્રિકેટમાં ધૂમ મચાવી હતી અને પછી બંને સાથેસાથે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ રમ્યા અને આઈપીએલમાં પણ રમ્યા.
બરોડાના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર મહેદી શેખે બંનેને તાલીમ આપી તેમાં ઇરફાન જરા વહેલા નિખરી આવ્યા.
સોહામણા ઇરફાન પઠાણ બૉલિંગ કરે ત્યારે બૅટ્સમૅનને એટલા સોહામણા લાગતા નથી પણ ખતરનાક લાગતા હોય છે.
જેનો પરચો માત્ર પાકિસ્તાનને જ નહીં પરંતુ ભારતની તમામ રણજી ટ્રૉફી ટીમને થઈ ગયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર ઉદાહરણ તરીકે 2015ના નવેમ્બરની ગુજરાત સામેની વલસાડની મૅચ લઈએ તો એ મૅચમાં ગુજરાતની ટીમમાં જસપ્રિત બુમરાહ જેવા બૉલર હતા જે એ વખતે હજી ઇન્ટરનેશનલ સ્ટાર બન્યા નહોતા.
પણ એ ટીમમાં પાર્થિવ પટેલ અને પ્રિયાંક પંચાલ જેવા બૅટ્સમૅન હતા જેઓ રનના ઢગલા ખડકી શકે તેમ હતા.
મૅચના બીજા દિવસે ઇરફાન પઠાણ ત્રાટક્યા હતા અને 47 રનમાં છ વિકેટ ઝડપી હતી.
એ વાત અલગ છે કે બરોડા મૅચ જીતી શક્યું ન હતું, પરંતુ ગુજરાતના 505 રનના સ્કોરમાં ઇરફાને માત્ર 47 રન આપ્યા હતા અને સામે છ બૅટ્સમૅનને આઉટ કર્યા હતા.
ઇરફાન શા માટે અલગ તરી આવ્યા હતા તે જાણીએ તો એ મૅચમાં તેમના ભાઈ યુસૂફે 128 રન આપ્યા હતા.
તો હજી સ્ટાર તરીકે બહાર નહીં આવેલા પરંતુ પ્રતિભાશાળી એવા હાર્દિક પંડ્યાએ પણ 100થી વધુ રન આપી દીધા હતા. જેની સરખામણીએ ઇરફાને બીજે દિવસે સવારના એક જ સ્પેલમાં છ વિકેટ ખેરવી દીધી હતી.

ભારતના મોખરાના ઑલરાઉન્ડરમાં સ્થાન

ઇમેજ સ્રોત, Getty Images
કપિલદેવ બાદ ભારતને એક સારા ઑલરાઉન્ડર મળ્યા નથી તેવી ફરિયાદ તો બે ત્રણ દાયકાથી થતી રહે છે, પરંતુ કમસે કમ ઇરફાને એવી ખાતરી કરાવી હતી કે તેમનામાં શ્રેષ્ઠ ઑલરાઉન્ડર બનવાની કાબેલિયત હતી.
2007માં પાકિસ્તાન સામેની બેંગલુરુ ખાતેની ટેસ્ટમાં ભારતના ત્રણ ડાબોડી બૅટ્સમૅને સદી ફટકારી હતી. સૌરવ ગાંગુલી, યુવરાજ અને ઇરફાન.
ગાંગુલી અને યુવરાજ પાસેથી તો સદીની અપેક્ષા હોય પણ ઇરફાને પણ એ દિવસે બેટિંગનો જાદુ દાખવ્યો હતો.
ટેસ્ટ મૅચમાં 1000 રન અને 100 વિકેટની બેવડી સિદ્ધિ પણ તેમના નામે લખાયેલી છે, તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 4500થી વધુ રન અને 384 વિકેટ સાથે તેઓ ભારતના મોખરાના ઑલરાઉન્ડરમાં સ્થાન ધરાવે છે.
ઇરફાન ઘણાં વર્ષો સુધી બરોડા માટે રણજી ટ્રૉફી રમ્યા, કારકિર્દીના અંતિમ ચરણમાં તેઓ કાશ્મીરની ટીમ માટે રમ્યા અને પછી તે જ ટીમના મેન્ટર પણ બન્યા.
હવે તેમણે જ્યારે નિવૃત્તિ લઈ લીધી છે ત્યારે સમગ્ર કારકિર્દીમાં હંમેશાં નિર્વિવાદ રહેલા આ ક્રિકેટરે કૉમેન્ટરીમાં પણ કમાલ કરી નાખી છે.
અત્યારે ભારતીય કૉમેન્ટેટરોમાં તેમણે પોતાની એક આગવી ઓળખ પેદા કરી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












