ગુજરાતમાં કલમ 144 કાયદો અને વ્યવસ્થા માટે છે કે વિરોધને દબાવવા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લાં ત્રણ વર્ષ અને સાત મહિનામાં અમદાવાદના પોલીસ કમિશનર ઓછામાં ઓછા 64 વખત કલમ 144ને લાગુ કરવા માટેનું જાહેરનામું બહાર પાડી ચૂક્યા છે.
આ જાહેરનામું દર 15 દિવસે મૂકવામાં આવે છે.
હાલમાં જ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી થઈ છે, જેમાં કલમ 144ના સતત અમલને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યો છે.
જોકે, સરકારનું માનવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ કલમના સતત અમલની જરૂર છે.
ગુજરાતભરમાં CAA અને NRCનાં વિરોધપ્રદર્શનો વચ્ચે કલમ 144ના અમલ ઉપર પણ એક ચર્ચા શરૂ થઈ ચૂકી છે.
એક તરફ લોકોનું માનવું છે કે આ કલમને કારણે તેમના મૂળભૂત હકોનું હનન થાય છે. ત્યાં બીજી બાજુ સરકાર આ કલમના અમલની તરફેણમાં છે.
ગુજરાત હાઈકોર્ટમાં હાલમાં જ થયેલી એક પિટિશન પ્રમાણે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ કે પોલીસવડાને આ કલમ સતત અમલમાં રાખવાની સત્તા નથી.
કારણ કે તે ગેરબંધારણીય છે, તેને કારણે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અને ભેગા થવાના અધિકારોનું હનન થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પિટિશન અમદાવાદ IIMના પ્રોફેસર તેમજ અન્ય બુદ્ધિજીવીઓએ કરી છે.

શું છે કલમ 144?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે આ જાહેરનામું દર 15 દિવસ માટે હોય છે અને પોલીસવડા તેને દર 15 દિવસ બાદ ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને ગુજરાત પોલીસ ઍક્ટ પ્રમાણે તેમને મળેલી સત્તા પ્રમાણે ફરીથી બહાર પાડે છે.
ગુજરાત પોલીસ ઍક્ટ અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) પ્રમાણે પોલસવડા કે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટને સત્તા છે કે તેઓ ચાર કે તેથી વધુ લોકોને કોઈ જાહેરસ્થળ પર ભેગા થવાથી રોકી શકે છે.
કોઈ બેનર, પોસ્ટર, કે લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાદી શકે છે.
જોકે, પોલીસવડાની પરવાનગી બાદ જ લોકો કોઈ પણ જુલૂસ, મિટિંગ કે જાહેરપ્રદર્શન કરી શકે છે.
કલમ 144 પર વાત કરતા બંધારણીય બાબતોના નિષ્ણાત વકીલ ગૌતમ ભાટિયા કહે છે :
"1898માં બ્રિટિશ સરકારના રાજ વખતે આઝાદીની લડાઈ માટે લોકો ભેગા ન થાય અને સરકાર સામે કોઈ વિરોધ ન કરે તે હેતુથી આ કલમ લાગુ કરાઈ હતી."
"પરંતુ આઝાદી મળ્યા બાદ પણ આ કલમ યથાવત્ રહી હતી."
ભાટિયાએ વધુમાં કહ્યું હતું કે 60ના દાયકામાં CrPCમાં ફેરફાર થયા હતા, પરંતુ કલમ 144માં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નહોતા. માટે આ કલમ 1898થી હજુ સુધી અસ્તિત્વમાં છે.

કલમ 144નો વિરોધ કેમ?
મોટા ભાગના લોકો કલમ 144ને ગેરબંધારણીય ગણીને તેનો વિરોધ કરે છે.
સ્નેહ ભાવસાર અમદાવાદના એક યુવાન છે અને CAAના વિરોધમાં ભાગ લેવા માટે તેમની કલમ 144 હેઠળ બે વખત અટકાયત થઈ છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "ઘણા લોકોને એ ખબર જ નથી કે આપણા સમાજમાં આવો એક ગેરબંધારણીય કાયદો પ્રવર્તે છે. જે જાહેરસ્થળે ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે."
તેઓ માને છે કે આ કલમને કારણે સામાન્ય લોકોમાં પણ પોલીસનો ભય વધી ગયો છે.
ભાવસાર વધુમાં કહે છે, "આ કાયદો ઘણા સમયથી લાગુ થયેલો છે, માટે લોકો પોલીસને સવાલ કરવાને બદલે તેમની દરેક વાતને માની લે છે. જેને કારણે સામાન્ય માણસ વધુ ને વધુ પરેશાન થઈ રહ્યો છે."
રાજકીય વિશેષજ્ઞ ઘનશ્યામ શાહનું માનવું છે કે દિવસે ને દિવસે લોકોના વિરોધ કરવા માટેની જગ્યા ઓછી થતી જાય છે.
"જે લોકો વિરોધ કરે છે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિરોધનો કાર્યક્રમ કોઈ જાહેરસ્થળ પર હોય કે પછી કોઈ હૉલમાં, બધી જગ્યાએ પોલીસ પરવાનગી જરૂરી બની જાય છે."
તેઓ માને છે કે જ્યાં સુધી એક પબ્લિક મૂવમૅન્ટ શરૂ નહીં થાય ત્યાં સુધી કલમ 144 દૂર નહીં થાય.

કલમ 144 મુદ્દે પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
કલમ 144 સતત પ્રયોગમાં રહેવા પર અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું :
"કોઈ પણ પ્રકારનું જુલૂસ જ્યારે જાહેરમાર્ગ પર આવે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિસ્તારની પોલીસની બની જાય છે."
"વિરોધપ્રદર્શન થઈ શકે છે, પરંતુ તેને કારણે ટ્રાફિકની સમસ્યા, સામાન્ય લોકોને તકલીફ તેમજ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી ન થવી જોઈએ. માટે આ પ્રકારના કાયદાની જરૂર છે."
જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ કાયદાની સતત જરૂરિયાત કેમ છે, તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "હાલમાં CAAના કારણે આ વાત ચર્ચામાં આવી છે, પરંતુ અમે દરરોજની આશરે 20 પરવાનગી આપીએ છીએ, જેમાં લોકો ભેગા થતા હોય છે."
"ધારો કે આ કાયદો અમલમાં ન હોય તો આ 20 સ્થળો ઉપર જે લોકો ભેગા થાય છે, તેના કારણે થતી અડચણ વગેરે માટે તમે કોને જવાબદાર ઠેરવશો?"
તેમણે વધુમાં કહ્યું કે "શરૂઆતમાં જ્યારે CAAનો વિરોધ થયો ત્યારે અમે પરવાનગીઓ આપી જ હતી, પરંતુ જ્યારે કાયદો અને વ્યવસ્થા પર અસર થવા માંડી ત્યારે અમે આ વાતને ધ્યાનમાં લઈને પરવાનગીઓ આપવાનું ટાળ્યું છે."

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વધુમાં જણાવ્યું કે દરેક અરજીને અલગથી મૂલવવામાં આવે છે.
"CAA વિરોધી રેલીની ભીડમાં અજાણ્યા શખ્સો ભળી જાય તેવી શક્યતા વધુ હોય છે એટલે હિંસાની સંભાવના પણ વધુ હોય છે."
"આયોજક કોણ છે, કેટલા લોકો જોડાશે તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર તેની શું અસર ઊભી થશે તે તમામ બાબતોને ધ્યાને રાખીને રેલી માટે મંજૂરી આપવી કે નહીં, તે વિશે નિર્ણય લેવામાં આવે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













