ગુજરાતમાં જ્ઞાતિ આધારિત બિઝનેસ સમિટ કેમ યોજાઈ રહી છે?

પાટીદાર સમિટ

ઇમેજ સ્રોત, Twitter/Jayesh Radadiya

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં શુક્રવારથી 'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ' અને 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2'નો આરંભ થયો છે.

પાટીદારોના સામાજિક સંગઠન સરદારધામ દ્વારા ગાંધીનગરના હેલિપૅડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વેપારને લગતા વિવિધ વિષયો પર વ્યાખ્યાન યોજાશે. આ ઉપરાંત 'બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ' યોજાશે. જેમાં સમાજના વેપારીઓ આંતરિક 'ટાઇઅપ' કરશે.

તો બ્રાહ્મણોના 'શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા' દ્વારા 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2'નું આયોજન અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલા ત્રિમંદિર ખાતે કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાલના વડા પ્રધાન અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં અનેક વાઇબ્રન્ટ સમિટો યોજાઈ હતી.

જેમાં વિદેશી-ભારતીય રોકાણકારો ગુજરાતમાં રોકાણ અંગેની સહમતી દર્શાવતા હતા અને વેપારીઓ તથા કંપનીઓ વિવિધ પ્રકારનાં 'ટાઈ-અપ' કરતાં હતાં.

જોકે, હવે જ્ઞાતિઆધારિત બિઝનેસ સમિટો યોજાઈ રહી છે.

line

'સ્નેહમિલન કરવાનોસમય પૂર્ણ થઈ ગયો'

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ'નું આયોજન કરનારી સંસ્થા સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ કહ્યું કે હવે ભાષણો અને સ્નેહમિલનનો સમય પૂર્ણ થઈ ગયો છે અને યુવાનો સ્વરોજગાર ઝંખે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "આજનો યુવાન રોજગારી ઇચ્છે છે, રોજગારની, વેપારની વાત ક્યાં છે? તેને ધ્યાને રાખી અમે આ પ્રકારની સમિટ કરવાનું વિચાર્યું."

"રાષ્ટ્રનિર્માણનું કામ હવે સરકાર, એનજીઓ અને ઉદ્યોગકારો સાથે મળીને કરી શકશે."

'ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ' દ્વારા પોતાની વેબસાઇટ પર મૂકવામાં આવેલી માહિતી અનુસાર આ સમિટ થકી સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો વચ્ચે આંતરિક તથા વૈશ્વિક જોડાણ અને યુવાનોને રોજગાર માટેની તાલીમ આપવાનોઉદ્દેશ સેવવામાં આવ્યો છે.

બિઝનેસ સમિટ શરૂ કરવાનું એક પરિબળ પાટીદાર અનામત આંદોલનને ગણાવતા તેઓ જણાવે છે, "આ સમિટ આયોજિત કરવાનો વિચાર વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન બાદ કેટલાંક પરિબળોને કારણે આવ્યો હતો."

કંઈક આવા જ ઉદ્દેશ સાથે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2'નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

'શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા'ના મીડિયા-સેલના ઇન્ચાર્જ દિનેશ રાવલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "કોઈ પણ સારી વસ્તુનું અનુકરણ થવું જોઈએ એટલે અમે બિઝનેસ સમિટનું અનુકરણ કર્યું."

"સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણએ અમારો મંત્ર છે. એટલે બ્રાહ્મણોનો વિકાસ થશે તો રાષ્ટ્રનિર્માણમાં મદદરૂપ થશે."

દિનેશ રાવલ કહે છે, "યુવાનોને રોજગારી મળે અને બ્રાહ્મણોની અંદર વેપાર વધે તે હેતુથી અને પૈસા સમાજની બહાર ન જાય તે માટે આ પ્રકારની સમિટનું આયોજન કરીએ છીએ."

line

'સમાજનિર્માણથી રાષ્ટ્રનિર્માણ અમારો મંત્ર'

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જોકે સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ આયોજકોની વાત સાથે સહમત નથી થતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "આ પ્રકારની બિઝનેસ સમિટમાં સમાજનિર્માણથી રાષ્ટ્રના નિર્માણના હેતુનો દાવો કરાય છે કે પણ મારા મનમાં આને લઈને એક સંઘર્ષ છે. આમાં એક તરફ સંકુચિતતા દેખાઈ રહી છે અને બીજી બાજુ રાષ્ટ્રનિર્માણની વાતો ચાલી રહી છે."

તેઓ પૂછે છે, "રાષ્ટ્રનિર્માણ તો તમામ લોકોને સાથે લઈને જ કરી શકાયને? આમાં સંકુચિતતા વધારે છે"

અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ પણ આને વિચિત્ર ઘટના ગણાવતાં કહે છે, "ઉદ્યોગસાહસિકોમાં આ પ્રકારના ભાગલા અજોડ છે અને અત્યંત શરમજનક છે. આનાથી જ્ઞાતિ વધારે મજબૂત થાય છે."

તો અર્થશાસ્ત્રી રોહિત શુક્લ કહે છે, "આપણી પાસે લાંબું વિચારવાનો સમય નથી માટે આપણે જે સળંગ સમાજ બનાવવો હતો તેનાથી આપણે વિખૂટા પડી રહ્યા છીએ. જેનો ખ્યાલ લાંબા ગાળે આપણને આવશે."

આવી જ્ઞાતિઆધારિત સમિટોથી વેપાર સમાજ પૂરતો સીમિત થઈ જશે? એવા સવાલના જવાબમાં ગગજી પણ કહે છે, "આમાં જો વેપારીને વધારે નફો મળશે તો તે બીજા સમાજના લોકો પાસે જશે.આ વર્ષે અમે પાટીદાર બિઝનેસ સમિટમાં તમામ સમાજના લોકોને સ્થાન આપ્યું છે."

જોકે, પ્રાધ્યાપક હેમંતકુમાર શાહ પણ કહે છે, "વેપારી માત્ર નફો જુએ છે. માત્ર તે સમાજની બિઝનેસ સમિટમાં આવશે પરંતુ વ્યવસાય તો સમાજની બહાર પણ કરશે."

line

મંદીના સમયમાં કોણ રોજગારી આપશે?

આર્થિક મંદી

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉ પણ બ્રહ્મસમાજ અને પાટીદાર સમાજ દ્વારા બિઝનેસ સમિટ યોજવામાં આવી હતી અને તેમાં સમાજના યુવાનોને રોજગારી મળી હોવાનો દાવો પણ કરાયો છે.

બ્રહ્મસમાજના દિનેશ સુતરિયા કહે છે, "વર્ષ 2017-18માં મહાત્મામંદિર ખાતે જે સમિટનું આયોજન કરાયું હતું તેમાં 4500 યુવાનોને રોજગારી મળી હતી."

સરદારધામના ગગજી સુતરિયા પણ કહે છે, "વર્ષ 2018માં 12 હજારથી વધુ યુવાનોનો નોકરી માટે ડેટા આવ્યો હતો. તેમાંથી 2976ને નોકરી અપાવવામાં સરદારધામ મદદરૂપ બન્યું હતું."

જોકે, 2976 યુવાનોને નોકરી આપવાનો દાવો કરતા ગગજી સુતરિયા સંબંધિત સમિટ થકી કેટલા યુવાનો રોકાણ મેળવી શક્યા એ અંગે માહિતી ન હોવાનું જણાવે છે.

આ અંગે વાત કરતા ગગજીભાઈ કહે છે, "અમારી પાસે રેકર્ડ નથી. અમે નિશાળ ખોલી છે. અમે કોણ-શું બન્યું તેનો રેકર્ડ રાખ્યો નથી."

"આમાં એવું છે કે લગ્નમેળામાં 500 છોકરા-છોકરીઓ આવે તો તેમાંથી એકબીજા સાથે મુલાકાત કરાવીએ. જેનું થાય એનું ખરું. કોઈનું કામ કેટલાંક કારણોસર ન થાય તો શું કરી શકાય?"

અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ એમ કહે છે, "આમાં ભાવના સારી દેખાય છે પરંતુ મંદીના સમયમાં કોણ રોજગારી આપશે? ફેકટરી ચાલતી નથી તો ક્યાં રોજગારી આપીશું?"

સુતરિયાના જણાવ્યા અનુસાર 'વર્ષ 2018ની સરખામણીએ આ વર્ષે સાત ગણી મોટી બિઝનેસ સમિટ'નું આયોજન કરાયું છે.

અર્થશાસ્ત્રી રોહિત શુક્લ કહે છે, "મોટાં સંમેલનો થકી કેટલું આઉટકમ નીકળે તે પ્રશ્ન છે."

line

આંદોલનમાંથી યુવાનોનું ધ્યાન ભટકાવવા?

પાટીદાર અનામત આંદોલન

ઇમેજ સ્રોત, Getty Images

આ પ્રકારની સમિટ પર આરોપ મૂકવામાં આવે છે કે તેનું આયોજન જ્ઞાતિઆધારિત આંદોલનોમાંથી યુવાનોનું ધ્યાન બીજે વાળવા અને સરકારને લાભ પહોંચાડવા કરાતું હોય છે.

ગગજીભાઈ કહે છે, "અમારી બિઝનેસ સમિટમાં અમે તમામ લોકોને આવકારીએ છીએ. એમાં સત્તાપક્ષના લોકો પણ હોય અને વિપક્ષના લોકો પણ હોય."

"આંદોલન કરીને કાંઈ ખાસ મળતું નથી. અમારે ત્યાં પરેશ ધાનાણી (ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા) અને સિદ્ધાર્થ પટેલ (કૉંગ્રેસના નેતા) આવે છે, મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી પણ આવે છે"

ગગજીભાઈએ કહ્યું, "વેપાર-ધંધા અને રોજગાર દ્વારા સર્વ સમાજનો ઉદ્ધાર થઈ શકે છે. એટલે અમે આ કાર્ય કરવાનું વિચાર્યું અને શરૂઆત કરી."

અર્થશાસ્ત્રી રોહિત શુક્લ કહે છે, "રાજકારણીઓ બહુ ટૂંકા ગાળાનું વિચારીને ચાલતા હોય છે. સમાજ વિખૂટો પડશે તેના અંગે કોઈ હાલ વિચારશે નહીં."

"વિચારવાનો આપણી પાસે સમય નથી. લાંબે ગાળે ખ્યાલ આવશે પરંતુ આ પ્રકારના મેળાવડાથી જે મતમાં ગાબડાં પડે તે ભરાઈ જાય છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો