SC-STને અનામત માટે તથા CAAના સમર્થન માટે 10મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત સરકારના સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કૉન્ફરન્સ કરી કહ્યું કે સીએએનું સમર્થન કરતો પ્રસ્તાવ 10મી જાન્યુઆરીએ વિધાનસભાના એક-દિવસીય સત્રમાં મૂકવામાં આવશે.
આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતનો હક આપતી બંધારણની કલમ 126માં જે સુધારો કરતો ખરડો સંસદે પસાર કર્યો છે.
તે અંગેનો ખરડો વિધાનસભામાં પસાર કરવા અંગે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું, તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી માટે 50 ટકા રાજ્યોનું સમર્થન જોઈશે માટે અમે તેને પણ વિધાનસભામાં રજૂ કરીશું, જેથી અનામતનો અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિને લાભ મળે.
આ ઉપરાંત વર્ષનું પહેલું વિધાનસભાનું સત્ર હોવાથી રાજ્યપાલ વિધાનસભાને સંબોધન કરશે.
નાગરિકતા સુધારા કાયદાને લઈને દેશભરમાં વિવિધ સ્થળે વિરોધ ચાલી રહ્યો છે.

CAAના વિરોધમાં વિપક્ષ

ઇમેજ સ્રોત, Getty Images
કેરળની વિધાનસભામાં CAA વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. પિનરાયી વિજયને (સીપીઆઈ,એમ) ચાલુ સપ્તાહે ગૃહમાં આ મતલબનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કૉંગ્રેસ શાસિત રાજસ્થાનની અશોક ગહેલોત સરકારે રાજ્યની વિધાનસભામાં CAA વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવાની વાત કહી છે.
આ સિવાય કૉંગ્રેસ શાસિત પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંહ, છત્તીસગઢના ભૂપેન્દ્રસિંહ બઘેલ અને મધ્ય પ્રદેશના કમલનાથે પણ પોત-પોતાના રાજ્યમાં CAAને લાગુ નહીં કરવાની જાહેરાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી (તૃણમુલ કૉંગ્રેસ) પણ CAAને નહીં લાગુ કરવાની વાત કરી ચૂક્યા છે.
ભાજપ ચલાવી રહ્યું છે સમર્થનમાં અભિયાન

ઇમેજ સ્રોત, Getty Images
નાગરિકતા સંશોધન કાયદો-એનઆરસીને લઈને દેશમાં વિરોધ-સમર્થનનો દોર ચાલી રહ્યો છે.
દરમિયાન ભાજપે અભિયાન આદર્યું છે, જે હેઠળ તેઓ સભા-રેલીઓને કરીને લોકોને આ કાયદાના ફાયદા ગણાવશે.
આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓની સભાઓ યોજાનાર છે.
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ભાજપ આ અભિયાન ચલાવી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર સીએએના સમર્થનમાં એક અભિયાનની શરૂઆત કરાવી છે.
વડા પ્રધાને ટ્વિટર પર લખ્યું કે 'ભારત CAAનું સમર્થન કરે છે, કેમ કે CAA ઉત્પીડનનો શિકાર થયેલા શરણાર્થીઓને નાગરિકત્વ આપવા સાથે જોડાયેલો છે.'
'આ કોઈની નાગરિકતા છીનવવા મામલે નથી. નરેન્દ્ર મોદીએ લોકોને કહ્યું કે તેઓ NaMo App પર મોજૂદ સામગ્રી, ગ્રાફિક્સ અને વીડિયો શૅર કરે અને પોતાનું સમર્થન દર્શાવે.'
ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન અને એનઆરસી મામલે અભિયાન ચલાવવાની અને 250થી વધુ સ્થળોએ પત્રકારપરિષદ યોજવાની જાહેરાત કરાઈ છે.
અગાઉ ભાજપના જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવે પત્રકારપરિષદમાં કહ્યું હતું, "આંદોલનમાં થયેલી હિંસા માટે કૉંગ્રેસ જવાબદાર છે."
"કૉંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો દ્વારા અફવા અને ભ્રમની રાજનીતિ કરાઈ રહી છે."
પત્રકારપરિષદમાં તેમણે કહ્યું હતું, "એનઆરસી મામલે જે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે એ દૂર કરવામાં આવશે અને આ માટે ભાજપ અભિયાન ચલાવશે."
તેમણે એવું પણ જણાવ્યું હતું કે "ભાજપ ત્રણ કરોડથી વધારે લોકોનો સંપર્ક કરીને સીએએના સમર્થમાં જનમત એકઠો કરશે."
'ભાજપલોકોનું ધ્યાન ભટકાવવી રહ્યો છે'

ઇમેજ સ્રોત, Getty Images
તો ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ભાજપ પર આરોપ લગાવતાં કહે છે કે દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી, મહિલા પરના અત્યાચારને રોકવામાં નિષ્ફળ ભાજપ સરકાર મૂળ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારનું ધર્મ આધારિત વિભાજન ઊભું કરવા જઈ રહી છે. પોતાની સત્તા ટકાવવા માટે દેશને નુકસાની તરફ લઈ જઈ રહી છે.
ભાજપને અગાઉનાં ચૂંટણીવચનો યાદ અપાવતાં મનીષ દોશી કહે છે, "ભાજપ સરકાર વર્ષ 2014માં જે વચનો આપીને સત્તામાં આવી હતી એને પૂરાં કરવાં જોઈએ."
"નોટબંધી અને જીએસટીને લીધે લોકોને નુકસાન થયું, દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત થઈ હતી, ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ હતી- આ બધા મુદ્દાઓ પર વાત કરે તો એ દેશ માટે સારું ગણાશે."
ભાજપ ધર્મ આધારિત વિભાજન કરીને દેશની એકતા અને અંખડિતતાને સૌથી મોટું નુકસાન કરી રહ્યો હોવાનો તેઓ આરોપ પણ મૂકે છે.
તેમણે એમ પણ કહ્યું કે નાગરિકતા કાયદાને લઈને કૉંગ્રેસ વિરોધ કરી રહી છે અને આગામી દિવસોમાં પણ કૉંગ્રેસ બંધારણ બચાવોના નારા સાથે આગળ વધશે.
"ભાજપે અગાઉથી અભિયાન ચલાવવાની જરૂરિયાત હતી"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસી સંવાદદાતા બ્રજેશ મિશ્ર સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી જણાવે છે કે ભાજપથી ભૂલ થઈ ગઈ છે. જો તેમણે અગાઉથી જ અભિયાન ચલાવ્યું હોત તો કદાય લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડી શકત. અન્ય પક્ષોને મનાવી શકત અને વિરોધ આ હદે વધ્યો ન હોત.
તેઓ એમ પણ કહે છે કે વિપક્ષને પણ અંદાજ નહોતો કે દેશના યુવાનો અને મુસલમાનો આ રીતે રસ્તે ઊતરીને વિરોધ કરશે અને સરકાર પણ તેને કળી ન શકી.
તો વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે સમર્થન કરનારા અને વિરોધ કરનારા કયા મુદ્દે વિરોધ અને સમર્થન કરે છે એ પણ મોટા ભાગે ખ્યાલ નથી. આ મામલે એક મોટો કૉમ્યુનિકેશન ગૅપ પ્રવર્તે છે.
તેઓ કહે છે, "મોટા ભાગના આંદોલનકારીઓ આ કાયદાની જોગવાઈથી કદાચ પરિચિત પણ નથી કે આ નાગરિકતા આપવાનો છે કે ખૂંચવવાનો છે. આવા સંજોગોમાં ભાજપ આ કૉમ્યુનિકેશન ગૅપ ઘટાડવાનું અભિયાન જો છેડે તો એ એક સારી વાત છે."
ઉમટ આ મામલે સામાજિક તાણાવાણાને જોડતાં ઉમેરે છે, "પણ તકેદારી એ રાખવી જોઈએ કે આ સમગ્ર પ્રક્રિયામાં સામાજિક અને રાજકીય ધ્રુવીકરણ ન થાય."
"આપણે આજે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ એ જોતાં સામાજિક તાણાવાણા છિન્નભિન્ન ન થાય એ એક જાગૃત પ્રહરી તરીકે જોવાની આપણી અને બધાની ફરજ છે. આથી ભાજપે પણ એ મુદ્દે સચેત રહેવું જોઈએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












