CAA અને NRC પર શું કહી રહ્યા છે મુસ્લિમ ધર્મગુરુઓ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોહમ્મદ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
નાગરિકતા સંશોધન કાયદાની સામે દેશના મોટા ભાગના વિસ્તારોમાં લોકો રસ્તા પર છે. ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હિંસાની ઘટનાઓ પણ ઘટી છે.
નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, સીલમપુર પછી શુક્રવારે દિલ્હી ગેટ પર વિરોધપ્રદર્શન થયું. શનિવારે બિહાર બંધનું એલાન પણ આપવામાં આવ્યું.
અત્યાર સુધી વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં હોવાની ઘટના બની છે. ઉત્તર પ્રદેશમાં થયેલાં હિંસક વિરોધપ્રદર્શનોમાં 9 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
નાગરિકતા સંશોધન કાયદા સંદર્ભે કેન્દ્ર સરકાર મુસ્લિમ સમાજને ભરોસો આપી રહી છે કે આનો ભારતની કોઈ પણ વ્યક્તિ સાથે કંઈ પણ પ્રકારનો સંબંધ નથી.
પરંતુ મુસલમાનોનો એક મોટો સમુદાય ડરી રહ્યો છે કે નાગરિકતા સંશોધન કાયદા પછી કેન્દ્ર સરકાર એનઆરસી લાવશે અને પછી તેમને દેશમાંથી બહાર કાઢવામાં આવશે.
જોકે, કેન્દ્ર સરકારે જાહેરાત આપીને કહ્યું છે કે કોઈ પણ આ અફવા પર ધ્યાન ન આપે અને નાગરિકતા સંશોધન કાયદો માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી સમુદાયને નાગરિક્તા આપે છે, ભારતમાં કોઈની નાગરિકતા છીનવતો નથી.
લગભગ આખા દેશમાં થઈ રહેલું વિરોધપ્રદર્શન કોઈ એક દિશામાં જતું જોવા મળતું નથી અને ન કોઈ મોટું સંગઠન નેતૃત્વ કરતું દેખાઈ રહ્યું છે. જોકે, મુસ્લિમ સહિત દરેક સમુદાયના લોકો વિરોધપ્રદર્શમાં હિંસાની નિંદા કરે છે.

જામા મસ્જિદના શાહી ઇમામ શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની જામા મસ્જિદમાં શુક્રવારની નમાઝ પછી લોકોએ વિરોધ માર્ચ કાઢી હતી. આ પ્રદર્શનમાં ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પણ હાજર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે તેમની ધરપકડ કરી છે અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
વિરોધપ્રદર્શનને લઈને દેશભરમાં અનેક લોકની અટકાયત થઈ છે અને હિંસા અંગે પોલીસ ફરિયાદો પણ થઈ છે.
જામા મસ્જિદના વિરોધપ્રદર્શન અગાઉ શાહી ઇમામ અહમદ બુખારી મંગળવારે કહી ચૂક્યા હતા કે નાગરિકતા સંશોધન કાયદાને ભારતના મુસ્લિમ સાથે કોઈ સંબંધ નથી.
જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે, વિરોધપ્રદર્શન કરવું એક લોકતાંત્રિક અધિકાર છે અને કોઈને વિરોધ પ્રદર્શિત કરવાથી રોકી ન શકાય.
સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું, "વિરોધ કરવો ભારતના લોકોનો લોકતાંત્રિક અધિકાર છે, કોઈ પણ આપણને આ કરવાથી રોકી શકશે નહીં. જોકે, એ મહત્ત્વપૂર્ણ છે કે આપણે તેને નિયંત્રણમાં રહીને કરવો અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે આપણે આપણી ભાવનાઓને નિયંત્રણમાં રાખીને આ કરીએ."
તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)માં અંતર છે.
શાહી ઇમામે કહ્યું કે, સીએએ કાયદો બની ગયો છે જ્યારે એનઆરસીની માત્ર જાહેરાત થઈ છે, આ કાયદો બન્યો નથી.

"મુસ્લિમોની ધીરજ ખૂટી રહી છે"

ઇમેજ સ્રોત, Google
જામા મસ્જિદથી થોડેક દૂર આવેલી બીજી શાહી મસ્જિદ ફતેહપુરીના ઇમામ મુફ્તી મુકર્રમ અહમદ પણ સીએએ અને વિરોધપ્રદર્શનમાં હિંસાના વિરોધમાં છે.
તે કહે છે કે, આ વિરોધપ્રદર્શનોથી બે સમુદાયની વચ્ચે તણાવ ન ઊભો થવો જોઈએ.
ઇમામ મુફ્તી મુકર્રમે બીબીસીને કહ્યું કે "ભારતના મુસ્લિમોની ધીરજ હવે ખૂટી રહી છે, જેઓ પોતાના હકનો અવાજ ઉઠાવી રહ્યા છે, તેને દબાવી શકાય તેમ નથી."
તેઓ કહે છે, "સીએએ આપણા બંધારણના વિરુદ્ધ છે. બંધારણમાં દરેક વ્યક્તિને ન્યાય, સ્વાતંત્રતા અને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર આપ્યો છે."
એમનું માનવું છે કે "આ કાયદો હિંદુ-મુસ્લિમ વચ્ચેની નફરતને ફેલાવવા માટે લાવવામાં આવ્યો છે. કેટલાક લોકો ભારતની નીતિને બદલવા ઇચ્છે છે."
તેમણે એમ પણ કહ્યું કે "ભારત સરકારમાં કેટલાક એવા નીતિનિર્માતા ઘૂસી ગયા છે જેમણે આ અફરાતફરી ફેલાવી છે."
જોકે, તેમને વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટ સામે કોઈ ફરિયાદ નથી તે છતાં તેઓ એવું કહે છે કે, "કેટલાંક લોકો નીતિઓ બદલી રહ્યા છે અને દેશમાં ભાગલા ઇચ્છે છે, અમે તેમની સામે છીએ."
ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ અને કેન્દ્ર સરકારના મંત્રી સતત કહી રહ્યા છે કે CAA મુસ્લિમોની સામે નથી.
આ વિશે ઇમામ મુફ્તી મુકર્રમ કહે છે કે, જો આ મુસલમાનોની વિરુદ્ધ નથી તો આમાં મુસલમાનોને કેમ સામેલ કરવામાં નથી આવ્યા? અમારી માગ છે કે જ્યારે સરકારને મુસલમાનોથી નફરત નથી તો તે CAAમાં મુસ્લિમોને સામેલ કરે."
તેઓ સીએએ ઉપરાંત એનઆરસી અંગે પણ વાત કરે છે. તેમનું માનવું છે કે, "NRCને લાવવાની સરકારની યોજના છે. NRC દરમિયાન દેશમાં હિંદુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી તમામ લાઇનમાં લાગશે."
"સરકાર જો આની પર કાર્યવાહી નહીં કરે તો અમે આને આંતરરાષ્ટ્રીયસ્તરે લઈ જઈશું અને સરકારની નીતિઓ વિશે લોકોને જણાવીશું."
રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ છે. આ દરગાહ પર સૂફી પરંપરાને માનનારા મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો જાય છે.


ઇમેજ સ્રોત, Getty Images
દરગાહ સજ્જાદનશીં સૈયદ ઝૈનુલ આબેદીન અલી ખાન કહે છે, "ખ્વાજા ગરીબ નવાઝ (હઝરત મોઈનુદ્દીન ચિશ્તી)એ તમામ ધર્મના લોકોને ગળે લગાવ્યા તેમણે કોઈની સાથે કોઈ ભેદભાવ કર્યો નથી."
"એટલા માટે અમારો સંદેશ છે કે સરકાર પણ કોઈનો ધર્મ જોઈને તેને પોતાના ગળે ન લગાવે."
તેઓ કહે છે, "અમે નથી કહેતાં કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમોનો CAAમાં સમાવેશ કરવામાં આવે. પરંતુ અમારો સવાલ છે કે ભારત અને આસામમાં રહેતા મુસ્લિમોનું શું થશે."
"ભાવનાઓમાં કોઈ નિર્ણય લેવાવો જોઈએ, દેશના સામાજિક સંબંધોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે."
તેમનું માનવું છે કે, આ મુદ્દા પર સરકારે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવી જોઈએ. એ સમિતિએ આખા દેશમાં તમામ સાથે વાતચીત કરવી જોઈએ. સમિતિએ મુસ્લિમોના ભય અંગે પણ વાત કરવી જોઈએ અને તમામ લોકોની શંકાઓ પર સંવાદ કર્યા પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ.

'મુસ્લિમોને બેઇજ્જત કરવામાં આવ્યા'

ઇમેજ સ્રોત, Getty Images
સૈયદ જૈનુલ આબેદીન CAA પર તરત પ્રતિબંધ લગાવવાની માગ કરે છે. તે કહે છે કે, હિંદુઓ અને મુસ્લિમો પાસેથી માગ કરીએ છીએ કે તેઓ શાંતિ જાળવી રાખે અને કોઈની સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ.
લખનઉની એશબાગ ઈદગાહના ઇમામ અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના ખાલિદ રાશિદ ફિરંગી મહલી આ કાયદાનો વિરોધ કરે છે.
તેઓ કહે છે કે, "આમાં મુસ્લિમનો નામનો સમાવશે કરવામાં આવતો નથી, તે મુસ્લિમોની બેઇજ્જત કરવા બરાબર છે."
ફિરંગી મહલી કહે છે કે, આમાં મુસ્લિમોને સામેલ કરવા જોઈએ.
તે કહે છે, "વિરોધ કરવો લોકતાંત્રિક અધિકાર છે પરંતુ જે લોકો હિંસા કરે છે તેમની જગ્યા ક્યાંય નથી."
"એક તરફ આપણે કાયદો બનાવવાની વાત કરી રહ્યા છીએ. જ્યારે આપણે કાયદાને હાથમાં લઈ રહ્યા છીએ તો સ્વીકાર કરવામાં નહીં આવે."
દેશમાં થઈ રહેલા વિરોધપ્રદર્શનોમાં તમામ સમુદાયના લોકો સામેલ છે તેને તેઓ એક હકારાત્મક બાબત તરીકે જુએ છે.
તેમનું માનવું છે કે "સરકારે વિરોધ કરનારાઓ સાથે વાત કરવી જોઈએ."
"મુસ્લિમોનો શું વાંક છે. મુસ્લિમોનો શું ગુનો છે કે તેમને આ કાયદામાં સમાવવામાં આવ્યા નથી?"એવો સવાલ પણ તેઓ પૂછે છે.
ખાલિદ રાશિદ ફિરગી મહલીને પૂછવામાં આયું કે શું તે આગળના સમયમાં થનારા પ્રદર્શનમાં સામેલ થશે?
તો તેમણે કહ્યું કે તે, આજે જ ભારત પરત ફર્યા છે અને જલદી તે આ મુદ્દે સમાજના બીજા લોકો સાથે વાત કરીને પ્રદર્શનમાં સામેલ થશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














