CAB : અમેરિકન આયોગની ટિપ્પણી બિનજરુરી, વિદેશ મંત્રાલય

અમેરિકાના આયોગે દાવો કર્યો છે કે નાગરિકતા વિધેયક બિલ "ખોટી દિશાનું ખતરનાક" પગલું છે અને જો આ વિધેયક બંને સદનમાં પાસ થઈ જાય તો ગૃહમંત્રી અમિત શાહ સામે પ્રતિબંધની કાર્યવાહી પર વિચાર કરવો જોઈએ.

સોમવારે એક નિવેદનમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)એ કહ્યું કે આ બિલ લોકસભા પાસ થવું વધુ ચિંતાજનક છે.

આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે અને આ ટિપ્પણીને 'બિનજરૂરી' ગણાવી હતી.

આયોગે સલાહ આપી કે "જો નાગરિકતા સંશોધન બિલ (CAB) બંને સદનમાં પાસ થઈ જાય, તો અમેરિકાની સરકારે ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય પ્રમુખ નેતૃત્વ સામે પ્રતિબંધનો વિચાર કરવો જોઈએ."

અમેરિકન આયોગનું કહેવું છે કે ભારતનો ઇતિહાસ બિનસાંપ્રદાયિક રહ્યો છે અને તેમાં કોઈપણ સાથે ધર્મના આધારે ભેદભાવની જોગવાઈ નથી.

ભારતનું બંધારણ કોઈપણ પ્રકારના ધાર્મિક ભેદભાવ વગર સમાનતાની ખાતરી આપે છે.

જેની ઉપર પ્રતિક્રિયા આપતું નિવેદન ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાના આયોગની ટિપ્પણી બિનજરુરી તથા બરાબર નથી.

રવીશ કુમારના કહેવા મુજબ, "આ મુદ્દે USCIRFને કંઈ કહેવાનો અધિકાર નથી, ત્યારે પક્ષપાતપૂર્ણ વલણની વાત કરવી ખેદજનક છે."

ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ધર્મના આધારે કોઈનું નાગરિકત્વ સમાપ્ત નથી થવાનું.

ગૃહમંત્રી અમિત શાહે બિલ લોકસભામાં રજૂ કરતાં કહ્યું હતું કે આ બિલ કોઈ પણ રીતે મુસ્લિમવિરોધી નથી.

કેન્દ્રીય કૅબિનેટમાં આ બિલને મંજૂરી મળી ગઈ છે અને સોમવારે મોડી રાત્રે લોકસભામાં પણ 311-80 મતોથી પાસ થઈ ગયું હતું.

આ બિલમાં પડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

ડુંગળીએ રડાવ્યા બાદ હવે પેટ્રોલના ભાવ પણ આસમાને

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં લોકોએ મોંઘવારીમાં વધુ એક માર સહન કરવાનો વારો આવશે.

સોમવારે પેટ્રોલની કિંમત રાજધાની દિલ્હીમાં 75 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી હતી, છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં પેટ્રોલની આ સર્વોચ્ચ કિંમત છે.

તેલ કંપનીઓએ ઉત્પાદનના વધતા ખર્ચને પહોંચી વળવા માટે ઈંધણમાં વધારો કર્યો છે.

9 નવેમ્બરથી પેટ્રોલની કિંમતમાં સતત વધારો થતો જોવા મળ્યો છે, જેની પાછળ કારણ ડૉલરની તુલનામાં ભારતીય રૂપિયાનો વિનિમય દર જવાબદાર હોવાનું મનાય છે.

સપ્ટેમ્બર મહિનામાં સાઉદી અરબમાં થયેલા હુમલાઓ બાદ પણ ઈંધણની કિંમતો વધતી જોવા મળી હતી, એ વખતે તો બે જ સપ્તાહમાં પેટ્રોલની કિંમતમાં 2.5 રૂપિયા જેટલો વધારો થયો હતો.

સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓના દૈનિક મૂલ્ય અધિસૂચના અનુસાર સોમવારે પેટ્રોલ 5 પૈસા પ્રતિલિટર અને ડીઝલ 10 પૈસા પ્રતિલિટર વધ્યું છે.

આ વૃદ્ધિ બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 75 રૂપિયા અને ડીઝલ 66.04 રૂપિયા લિટરે પહોંચ્યું છે.

અનુચ્છેદ 370ની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈ દૂર કર્યા બાદ કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી પર 10 ડિસેમ્બરે એટલે કે આજથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે.

ન્યાયાધીશ એન. વી. રમણની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેન્ચ મંગળવારથી વકીલો, કાર્યકરો અને માકપા નેતા મોહમ્મદ યુસૂફ તારીગામીની અરજીઓ પર સુનાવણી કરશે.

આ બેન્ચમાં ન્યાયાધીશ એસ.કે. કૌલ, ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી, ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ સૂર્યકાંત સામેલ છે.

15માંથી 12 સીટ ભાજપના ખાતામાં

કર્ણાટક પેટાચૂંટણીમાં ભાજપે 15માંથી 12 સીટ પર વિજય મેળવ્યો છે. જ્યારે કૉંગ્રેસ માત્ર બે સીટ જીતી શકી છે.

તો એક સીટ ભાજપના બળવાખોર ઉમેદવારે જીતી છે. જ્યારે જનતાદળ સેક્યુલરને કોઈ સીટ મળી નથી.

એક સમયે પક્ષપલટાવિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠરેલા ભાજપના ડઝનેક ઉમેદવારોએ 8થી લઈને 54 હજાર સુધીના અંતરથી જીત મેળવી છે.

વિધાનસભામાં હવે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 105થી વધીને 117 થઈ ગઈ છે.

જો સહયોગીઓની વાત કરવામાં આવે તો ભાજપ પાસે સદનમાં હવે 122 ધારાસભ્યોનું સમર્થન છે.

સાત માછીમારો દરિયામાં લાપતા

દેવભૂમિ દ્વારકાના દરિયામાં સાત જેટલા માછીમારો ડૂબ્યા હોવાની માહિતી મળી છે.

એનડીટીવીના અહેવાલ અનુસાર સોમવારે કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે અરબ સાગરમાં નાવ ડૂબતાં સાત માછીમારો લાપતા થઈ ગયા છે.

તેઓએ કહ્યું કે 3 ડિસેમ્બરે મોઇન નામની બોટને ઓખાના દરિયામાં માછલી પકડવા માટે રાખી હતી. જોકે કોઈ કારણસર બોટ દરિયામાં ડૂબવા લાગી હતી.

આ અંગેની જાણકારી પોલીસ અને મત્સ્ય વિભાગે બોટના માલિક ઇસ્માઇલ ઇશુબ ભરાચને આપી હતી. બાદમાં ડૂબતી બોટ ગીર સોમનાથના દરિયામાં દેખાઈ હતી.

ઇન્ડિયન કોસ્ટગાર્ડે શોધ અને બચાવ અભિયાન શરૂ કર્યું છે, પરંતુ હજુ સુધી સાતમાંથી એક પણ માછીમારની ભાળ મળી નથી.

ગુમ થયેલા માછીમારોમાં ભરત ચૂડાસમા, દિનેશ સોલંકી, કછારા સોલંકી, જેસા વંશ, અરવિંદ ચૂડાસમા અને જેન્તી મકવાણા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો