TOP NEWS : મહેસાણામાં દલિતની મૂછો મૂંડાવીને માફી મગાવી

મહેસાણામાં એક દલિત યુવાનને 'સવર્ણ સમાજ'ના કેટલાક લોકોએ કથિત ધમકી આપી, મૂછો મૂંડાવીને માફી મગાવવાની ઘટના ઘટી છે. પીડિત યુવાન પાસે માફી મગાવાઈ રહી છે તેવો વીડિયો વાઇરલ પણ થયો છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર મહેસાણા જિલ્લાના મોટા કોઠાસણા ગામમાં આ ઘટના ઘટી છે.

અખબાર અનુસાર સંજય પરમાર નામના યુવકના ઘરની બહાર શુક્રવારે કેટલાક લોકો કથિત રીતે ભેગા થઈ ગયા હતા અને 'દરબાર જેવી' મૂછો રાખવા બદલ સંજયને ધાકધમકી આપવા લાગ્યા હતા.

આરોપીઓએ સંજયને માર મારીને તેની મૂછો મૂંડાવી દીધી હતી અને માફી માગતો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર મહેસાણાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મનીષ સિંહના જણાવ્યા અનુસાર આ મામલે આઈપીસી, એસસી/એસટી (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી) ઍક્ટ અને ઇન્ફર્મેશન ઍન્ડ ટેકનૉલૉજી ઍક્ટની વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું છે, "પીડિત અને આરોપીઓ એક જ ગામના છે. અમે જે પણ માહિતી ભેગી કરી છે, એ પરથી એવું જણાઈ રહ્યું છે કે આરોપીઓએ પીડિતને મૂછ મૂંડાવવા ફરજ પાડી હતી."

જોકે શનિવાર સુધી આ મામલે કોઈની ધરપકડ ન થઈ હોવાનું અખબાર જણાવે છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર પીડિતે સોશિયલ મીડિયા પર બનાવેલા એક વીડિયોથી ગુસ્સે ભરાયેલા સવર્ણ સમાજના કેટલાક લોકોએ તેને મૂછો મૂંડાવવાની ફરજ પાડી હતી અને જ્ઞાતિને લઈને અપમાન પણ કર્યું હતું.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં જણાવ્યા અનુસાર આ ઘટના 6 ડિસેમ્બરે ઘટી હતી. નોંધનીય છે કે 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે.

ગાય પાળનારા કેદીઓની ગુનાહિત પ્રવૃત્તિ ઘટે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે ગાય પાળતા કેદીઓમાં ઝડપથી સુધારો આવવા લાગે છે.

'NDTV'ના અહેવાલ અનુસાર મોહન ભાગવતે કહ્યું "એવું જોવા મળ્યું છે કે જેલમાં બંધ કેદીઓને જ્યારે ગાયની દેખરેખનું કામ સોંપવામાં આવે ત્યારે એમની ગુનાહિત પ્રવૃતિમાં ઘટાડો જોવા મળે છે."

'ગાય-વિજ્ઞાન સંસોધન સંસ્થા' દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કરી હતી. તેમણે એવું પણ ઉમેર્યું, "ગાય બ્રહ્માંડની માતા છે. તે માટી, પશુ, પક્ષી અને મનુષ્યને પોષિત કરે છે અને તેમને રોગોથી બચાવે છે."

અમેરિકા અને ઈરાન વચ્ચે કેદીઓની અદલાબદલી

અમેરિકા અને ઈરાને લાંબા સમયથી ચાલી રહેલા પોતાના તણાવમય સંબંધોને બાજુ પર મૂકીને એકબીજાના કેદીઓની અદલાબદલી કરી છે.

બન્ને દેશોએ જે કેદીઓને મુક્ત કર્યા છે, એમાં ચાઇનીઝ મૂળના એક અમેરિકન રિસર્ચર અને ઈરાનના એક વૈજ્ઞાનિકનો સમાવેશ થાય છે.

અમેરિકન રિસર્ચરને ઈરાને જાસૂસી માટે કસૂરવાર ઠેરવ્યા હતા. બીજી તરફ ઈરાનના વૈજ્ઞાનિકને 'પ્રતિબંધના ઉલ્લંઘન' બદલ જેલ થઈ હતી. મુક્ત કરાયેલી બન્ને વ્યક્તિ કોઈ પણ પ્રકારનું ખોટું કામ કર્યું હોવાનો ઇન્કાર કરી રહી છે.

ઈરાનના વિદેશમંત્રી જવ્વાદ ઝરીફે કહ્યું છે કે તેઓ આ 'અદલાબદલી'થી ખુશ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું, "એક સ્વચ્છ સમજૂતી બદલ ઈરાન આપનો આભાર. જુઓ, આપણે એકબીજા સાથે સમજૂતી કરી શકીએ એમ છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો