જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હઠ્યા બાદ શું-શું બદલાઈ જશે?

    • લેેખક, રિયાઝ મસરૂર
    • પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગર

પાંચ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 અને 35A હઠાવ્યા બાદ 31 ઑક્ટોબરથી જમ્મુ-કાશ્મીરની ઘણી બાબતો હવે ઇતિહાસ બની જશે.

અનુચ્છેદ 370 અને 35A ભારતનાં અન્ય રાજ્યોથી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા હતા.

આ કલમ દૂર થતાં જ રાજ્યને મળેલો વિશેષ દરજ્જો ખતમ થઈ ગયો છે.

સાથે જ રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે ભાગમાં વહેંચીને બંનેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા છે, જે વ્યવસ્થા આજથી લાગુ થઈ રહી છે.

65 વર્ષથી જમ્મુ અને કાશ્મીર ભારત અંતર્ગત એક સ્વાયત્ત રાજ્ય હતું. તેને કારણે તેનું અલગ પ્રશાસન, અલગ નાણાકીય અને અલગ કાયદાપ્રણાલિ હતી જે રાજ્યના બહારના લોકોને ત્યાંની જમીન કે સંપત્તિ ખરીદવાથી રોકતી હતી.

સાથે જ દરેક સરકારી સ્થળો અને ગાડીઓમાં રાજ્યનો એક લાલ ઝંડો (ત્રણ સફેદ પટ્ટી અને હળનું નિશાનવાળો) ભારતીય તિરંગા સાથે લહેરાતો હતો.

મોદી સરકારનું માનવું છે કે આ બંધારણીય જોગવાઈ ન માત્ર જમ્મુ-કાશ્મીરને એક પર્યટન અને રોકાણસ્થળ તરીકે વિકસિત થવામાં અવરોધ પેદા કરે છે, પરંતુ અલગાવવાદી ભાવના પણ ભડકાવે છે.

તેમજ પાકિસ્તાનને છદ્મયુદ્ધના માધ્યમથી આ ભાવનાઓનો ઉપયોગ કરવાનો મોકો આપતી હતી.

આ વર્ષે પાંચ ઑગસ્ટે સંસદમાં એક પ્રસ્તાવના માધ્યમથી આ જોગવાઈઓને ખતમ કરી દેવાઈ અને હવે રાજ્ય બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચાઈ ગયું છે.

હવે એ લાલ ઝંડો નહીં લાગે, માત્ર ભારતીય તિરંગો લહેરાશે. પરંતુ એ સવાલ છે કે શું આ નિર્ણય ભારત પ્રશાસિત કાશ્મીરની સમસ્યાને હંમેશાં માટે ઉકેલી નાખશે?

શું થશે ફેરફાર?

ભારતના કોઈ પણ રાજ્યને ક્યારેય કેન્દ્ર શાસિત પ્રદેશ નથી બનાવ્યું, પરંતુ કેટલાંક ભારતીય રાજ્યોને વિભાજિત કરાયાં છે.

બિહારમાંથી ઝારખંડ બન્યું, ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ અને આંધ્રપ્રદેશમાંથી તેલંગણા બન્યું છે. આ બધા ક્ષેત્રીય બદલાવ લોકોની માગ અને સ્થાનિક વિધાનસભાની સહમતીથી લાગુ કરાયા હતા.

શ્રીનગર હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ અને બંધારણીય વિશેષજ્ઞ રિયાઝ ખવાર કહે છે, "સંઘીય ભારતમાં જમ્મુ-કાશ્મીર પહેલું એવું રાજ્ય છે, જેને સ્થાનિક વિધાનસભાની સહમતી વિના બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધું છે."

"હવે લદ્દાખ વિધાનસભા વિનાનો અને જમ્મુ-કાશ્મીર પુડુચેરીની જેમ વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ હશે. જે નવા ફેરફાર થશે તેને લોકો હજુ સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી."

રિયાઝ ખવાર કહે છે કે નવી વ્યવસ્થામાં રાજ્યના 420 સ્થાનિક કાયદામાંથી માત્ર 136ને જ યથાવત્ રાખવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, "દરેક જગ્યાએ એક જેવા કાયદા છે. આપણી પાસે વધુ સારા કાયદા હતા, જેમ કે વક્ફ અધિનિયમ, જે મુસ્લિમ ધર્મસ્થાનોની આવકને મૌલવીઓમાં ફાળવવાની અનુમતિ આપે છે."

"પણ કેન્દ્રીય વક્ફ અધિનિયમ અલગ છે. આ મૌલવીને એક હિતધારકના રૂપમાં જુએ છે."

એક કૉલેજિએટ અને લેખક કુરત રહબર માટે આ પરિવર્તન ઘણાં ગૂંચવણભર્યાં છે.

કુરત રહબરનું કહેવું છે, "અમે માત્ર એટલું જાણીએ છીએ કે અમે હવે એ નથી રહ્યા જે 31 ઑક્ટોબર પહેલાં હતા."

"મને બહુ ખબર નથી, પણ મને લાગે છે કે અમારું અપમાન થયું છે અને અમારી પાસે જે પણ કાયદા અને રાજનીતિક તાકાત હતી એ હવે નહીં રહે."

નવા કાયદા અને કેન્દ્રનું નિયંત્રણ

અહીંના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે નવા કેન્દ્રશાસિત રાજ્યનું પુનર્ગઠન કરવાની એક લાંબી કવાયત છે.

રાજ્ય માનવાધિકાર આયોગ સહિત ઓછાંમાં ઓછાં અડધાં ડઝન આયોગ ખતમ કરાયાં છે અને તેના સ્ટાફને અન્ય વિભાગોમાં સામેલ કરાયા છે.

ગત દશકોમાં બનાવેલા 100થી વધુ કાયદાઓ ખતમ થઈ ચૂક્યા છે અને જમ્મુ-કાશ્મીરને હવે કેન્દ્રીય કાયદાથી ચલાવાશે.

રાજ્યપાલના સ્થાને હવે ઉપરાજ્યપાલ હશે અને કેન્દ્રીય કાયદો લાગુ કરવા માટે કેટલાક વિભાગ બનાવાયા છે. સ્થાનિક વિધાનસભા સીટની સંખ્યા 89થી વધારીને 114 કરાશે.

સ્થાનિક અધિકારી પણ આ અંગે બોલતા ગભરાઈ રહ્યા છે અને જેઓએ પણ વાત કરીએ એમણે નામ ન છાપવાની શરત રાખી હતી.

એક કાશ્મીરી અધિકારીએ કહ્યું, "સ્થાનિક અધિકારી અને કર્મચારીઓ હવે દિલ્હી નિયંત્રિત પ્રશાસનનાં મોટા પૈડામાં લાગેલા નાના પૈડાની જેમ કામ કરશે."

"કોઈના પગારમાં કપાત નથી થાય અને ન જબરજસ્તી સ્થાનાંતરણ કરાશે, પરંતુ તેમણે દશકોથી ઊભી કરેલી આ પ્રણાલિમાં મહત્ત્વહીન બનાવી દેવાશે."

આ સિવાય આખા ભારતમાં લાગુ મહિલાઓ અને બાળકો સંબંધિત કાયદા અને ત્રણ કલાક સાથે જોડાયેલા કાયદા આપોઆપ જમ્મુ-કાશ્મીરમાં લાગુ થઈ જશે.

અહીંના અધિકારીઓએ જણાવ્યું કે સ્થાસ્થ્ય, શિક્ષણ અને ઊર્જા સંબંધિત વિભિન્ન પરિયોજનાઓ માટે 5000 કરોડ રૂપિયાના રોકાણને પ્રસ્તાવને મંજૂરી અપાઈ રહી છે.

સરકાર વારંવાર લોકોને વિશ્વાસ અપાવે છે કે આ નિર્ણયથી સ્થાનિક સંસ્કૃતિ કે ઓળખ પ્રભાવિત નહીં થાય, પરંતુ લોકોમાં 'બહારિયા' આવવાનો ડર છે, જે ત્યાંનાં સંસાધનોનો ઉપયોગ કરશે.

નવું રાજકારણ

ગૃહમંત્રી અમિત શાહ લાંબા સમયથી આ વાત પર ભાર આપી રહ્યા છે કે કાશ્મીરમાં 'બે પરિવાર'ના અન્યાયપૂર્ણ શાસનને ખતમ કરવા માટે નવા ચહેરાની સાથેસાથે નવા રાજકારણની પણ જરૂર છે. તેમનો ઇશારો અબ્દુલ્લા અને મુફ્તી પરિવાર તરફ છે.

ત્રણ પૂર્વ મુખ્ય મંત્રીઓની સાથે અનેક નેતાઓ અને સામાજિક કાર્યકરોને જેલમાં નાખવામાં આવ્યા છે.

રાજકારણ જાણે કે મૌન થઈ ગયું છે અને કાશ્મીર મામલે નજર રાખી રહેલા ભાજપના મહાસચિવ રામ માધવે હાલમાં આ નેતાઓને એ કહેવા માટે શ્રીનગરની મુલાકાત લીધી હતી કે શાંતિભંગ કરવાવાળા માટે ભારતમાં જેલો પૂરતી છે.

પીપલ્લ ડેમૉક્રેટિક પાર્ટીના પ્રવક્તા તાહિર સૈયદ કહે છે, " રાજકીય દળો મરતાં નથી. ઉતારચઢાવ આવે છે, પરંતુ રાજનીતિક દળો મુશ્કેલ સમયને સંભાળી લે છે."

"દિલ્હી અમારો એજન્ડા નક્કી નથી કરી શકતી. લોકો અને તેમની આકાંક્ષાઓને નક્કી કરશે કે અમે ભવિષ્યમાં કેવું રાજકારણ રમીશું."

લગભગ બધા ભારત સમર્થિત નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા છે અથવા તો ઘરોમાં બંધ છે. ભારત પ્રશાસિત કાશ્મીરમાં રાજકારણ ગયા જમાનાની વાત લાગે છે.

સરકારે હાલમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બધા 22 જિલ્લાઓમાં વિકાસ આયોગનું ગઠન કર્યું છે.

આ આયોગના અધ્યક્ષ એક પોલના માધ્યમથી ચૂંટવામાં આવ્યા છે, જેમાં અગાઉથી ચૂંટાયેલા પંચાયતના સભ્યોએ ભાગ લીધો હતો.

તાહિર સૈયદ કહે છે, "નવી દિલ્હીને લાગે છે કે ગ્રામપ્રમુખ રાજકારણનું સ્થાન લઈ લેશે. તેમને આ પ્રયોગ કરવા દો. પણ જે સમસ્યાનો તેઓ ઉકેલ લાવવા માટે છે એ વધુ વકરી ગઈ છે."

"બધું જ ખતમ થયું નથી"

સેવાનિવૃત્ત ન્યાયાધીશ હસનૈન મસૂદી ગત વર્ષે નેશનલ કૉંન્ફ્રેસમાં સામેલ થયા હતા અને આ વર્ષે લોકસભા ચૂંટણામાં જીત મેળવી છે. તેઓ પાંચ ઑગસ્ટે લેવાયેલા આ નિર્ણયને 'સૌથી મોટો બંધારણીય ગોટાળો' માને છે.

હસનૈન મસૂદી કહે છે, "મામલો સુપ્રીમ કોર્ટમાં છે. માત્ર મુસ્લિમોએ જ નહીં પણ દરેક સમાજના લોકોએ અનુચ્છેદ 370ને ખતમ કરવા સામે પડકાર ફેંક્યો છે."

"મુખ્ય અદાલત આ મામલે 14 નવેમ્બરે સુનાવણી કરશે, પરંતુ કેન્દ્ર સરકાર આ મામલે ઉતાવળી દેખાઈ રહી છે."

"જો સુપ્રીમ કોર્ટ આ મામલાને પુનરાવલોકન યોગ્ય માને અને તે અંગે સુનાવણી માટે જજોની બેન્ચનું ગઠન કરે તો સરકાર કેવી રીતે સ્થાનિક પ્રશાસનિક ઢાંચાને ખતમ કરી શકે છે અને ઉપરાજ્યપાલની નિયુક્ત કરી શકે?"

મસૂદી આ નિર્ણય માટે આપવામાં આવેલાં કારણ પર સવાલો ઉઠાવે છે.

તેમણે કહ્યું, "તેઓ કહે છે વિકાસમાં અવરોધ આવતો હતો. પણ જો એવું હોય તો ભારતનાં બધાં રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર વિકાસ સૂચકાંકમાં સૌથી ઉપર છે."

"અહીં ભીખારી નથી, લોકો ફૂટપાથ પર નથી ઊંઘતા. બેરોજગારી છે પણ એ નવી દિલ્હીની વિભિન્ન યોજનાઓ પરની ઠંડી પ્રતિક્રિયાઓને કારણે છે."

સમૂદીનું કહેવું છે, "જો અશાંતિ પેદા કરનારા આ નિર્ણયનો ઇરાદો કાશ્મીરીઓને ભારતીય મુખ્યધારાની નજીક લાવવાનો છે તો મને ડર છે કે આ બંને વચ્ચેની ખાઈને વધારી દેશે."

કેન્દ્રશાસિત પ્રદેશ બનવાને લઈને મસૂદી કહે છે, "હજુ બધું ખતમ થયું નથી. 14 નવેમ્બરે થનારી અદાલતની સુનાવણીની રાહ જોઈએ છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો