You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીએ કેવડિયામાં કહ્યું કે 370 હઠાવી, સરદારનું સપનું પૂર્ણ થયું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે ગુજરાતમાં કેવડિયા ખાતે છે.
મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સવારે કેવડિયા પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ આપી હતી.
જે બાદ તેમણે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પરિસરમાં યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
અહીં જ મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસ પર એકતાના શપથ લેવડાવ્યા હતા.
મોદી સામે જવાનોએ એકતા દિવસના પ્રસંગે મોક ડ્રીલ કરી હતી, જેમાં જવાનોએ વિવિધ કરતબો કર્યાં હતાં.
એક મોક ડ્રિલમાં આતંકીઓનો સામનો, તો બીજીમાં ધરતીકંપ બાદ બચાવ કામગીરી દર્શાવાઈ હતી.
આ પરિસરમાં મોદીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
મોદીએ શું કહ્યું?
વડા પ્રધાન મોદીએ અહીં લોકોને સંબોધન કરતાં કહ્યું કે સરદાર પટેલના વિચારોમાં દેશની એકતાને દરેક વ્યક્તિ મહેસૂસ કરી રહી છે. આજે આપણે તેમનો અવાજ સૌથી ઊંચી પ્રતિમા નીચે સાંભળી શકીએ છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદીએ કહ્યું કે ભારતની વિવિધતામાં એકતાનું આપણે ગૌરવ છે. આપણે ભારતની વિવધ બોલીઓનું ગૌરવ છે.
તેમણે કહ્યું, " સરદાર પટેલના અધૂરા સપનાને પૂર્ણ કરવાનું સૌભાગ્ય મળ્યું તેનો આનંદ છે. સરદારના જન્મદિવસે જ લદ્દાખ, જમ્મુ-કાશ્મીર ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે."
"આતંકવાદે 40 હજાર લોકોનો ભોગ લીધો, આજે કલમ 370ની દીવાલને હટાવી દેવાઈ છે. હવે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સ્થિરતા આવશે."
"370ની કલમ દૂર થતાં સરદારના આત્માને શાંતિ મળશે. સરદાર પટેલે કાશ્મીર એકીકરણનું સપનું જોયું હતું."
"વ્યક્તિગત સ્વાર્થ માટે સરકારો બનાવવાનો કે પાડવાનો ખેલ બંધ થશે. હવે જમ્મુ-કાશ્મીરના લોકો સાથે થતો ભેદભાવ દૂર થશે."
"દેશની એકતા અને તેના પર થનારા દરેક હુમલાને અમે હરાવીશું, જડબાતોડ જવાબ આપીશું."
સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં કાર્યક્રમ, આદિવાસીઓનો વિરોધ
નરેન્દ્ર મોદી આજે દિવસભર કેવડિયા કૉલોનીમાં થનારા કાર્યક્રમોમાં હાજરી આપશે. વિવિધ વિકાસકામોને ખુલ્લાં મૂકશે.
જોકે, બીજી તરફ આ કાર્યક્રમનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યાં છે. આદિવાસીઓ રોજગારી અને જમીન મામલે વિરોધ કરી રહ્યાં છે.
આદિવાસીઓ અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓ આને 'બ્લેક ડે' ગણાવી રહ્યા છે.
ભારે સુરક્ષા બંદોબસ્તને કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ કોઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં નથી. પરંતુ આદિવાસીઓ ગામડાંમાં તેનો વિરોધ કરી રહ્યાં છે.
આદિવાસીઓનું કહેવું છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી માટે તેમની જમીન લઈ લેવાઈ પરંતુ તેમને યોગ્ય નોકરી અપાઈ નથી.
પહેલાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે તેમને લારીગલ્લા રાખવા દેવાયા હતા પરંતુ હવે તેમને પણ હઠાવી દેવાયા છે.
નર્મદા કિનારે વડા પ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરી રહેલાં આદિવાસીઓની પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં.
આ પહેલાંના કાર્યક્રમો દરમિયાન પણ આદિવાસીઓએ આ રીતે જ વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં.
બીબીસીની ટીમે મંગળવારે આદિવાસી ગામનો મુલાકાત લીધી હતી ત્યારે સ્થાનિક પીનલ તડવીએ કહ્યું, "અમને જ્યારે વનબંધુ યોજના હેઠળ લારીગલ્લા આપવામાં આવ્યાં ત્યારે લોકો અમારી પાસે આવતા હતા."
"અમારો ધંધો પણ સારો ચાલતો હતો. મને હતું કે બે પૈસા કમાઈને મારાં બાળકોને સારું શિક્ષણ આપી શકીશ."
"પણ અચાનક અમારા લારીગલ્લા ખસેડી દેવાયાં. અમારો રોજગાર છીનવાઈ ગયો. મારાં બધાં સપનાં રોળાઈ ગયાં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો