You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીએ ચૂંટણીમાં મેળવેલી સફળતા પર આર્થિક સુસ્તીની અસર કેટલી થઈ?
- લેેખક, શિવમ વીજ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે
આ વર્ષના મે મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારે બહુમતી સાથે બીજી વાર સત્તામાં આવ્યા. મોદીને આ જનાદેશ મળ્યો ત્યારે દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષમાં સૌથી ઊંચાસ્તરે હતો. આથી ઘણા લોકોના મનમાં એ સવાલ થાય કે શું ભાજપે ચૂંટણીને આર્થિક ક્ષેત્રના પ્રદર્શનથી અલગ કરવામાં સફળતા મેળવી લીધી છે.
મે 2019માં મળેલી જીત શાનદાર હતી, કેમ કે મોદીએ 2014 કરતાં આ વખતે વધુ બેઠકો જીતી હતી. 2014ની ચૂંટણીમાં તેઓ વિપક્ષમાં હોવાથી રસ્તો સરળ હતો.
2019ની ચૂંટણીમાં મોદીની જીતમાં કાશ્મીરમાં એક ઉગ્રવાદી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલી ઍરસ્ટ્રાઇકે મોટો ભાગ ભજવ્યો હતો. સવાલ એ ઊઠ્યો કે શું ભારતીય મતદારો માટે રોજીરોટી કરતાં રાષ્ટ્રવાદનો મુદ્દો મહત્ત્વનો છે?
કેટલાક લોકોએ એવો પણ તર્ક આપ્યો કે 2019માં નરેન્દ્ર મોદીની જીતનું મોટું કારણ તેમની કલ્યાણકારી યોજનાઓ હતી. તેમણે ઘર અને શૌચાલયો બનાવ્યાં હતાં અને ગરીબોને ગૅસ કનેક્શન આપ્યાં હતાં.
પરંતુ હવે આપણે કહી શકીએ કે રાષ્ટ્રવાદ અને જનકલ્યાણના ફેલાવાની આગવી સીમા છે.
સેન્ટર ફોર ધ મૉનિટરિંગ ઑફ ઇન્ડિયન ઇકૉનૉમીના ગત મહિનાના એક રિપોર્ટમાં કહેવાયું છે કે હરિયાણામાં બેરોજગારીનો દર દેશમાં સૌથી વધુ એટલે કે 28.7 ટકા છે. હરિયાણાનાં આવેલાં ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપે 2019ની લોકસભા ચૂંટણી કરતાં વિધાનસભા ચૂંટણીમાં 22 ટકા મત ગુમાવ્યા છે.
ભાજપે એલાન કર્યું હતું કે તેમનું લક્ષ્ય રાજ્યની 90માંથી 75 સીટ જીતવાનું છે. પરંતુ પાર્ટી માત્ર 40 સીટ જ જીતી શકી, જે બહુમતીથી 6 સીટ દૂર છે.
જોકે બહુમતી ન મળી હોવા છતાં ભાજપ હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. એ સ્પષ્ટ છે કે જો મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસે જીત માટે આ ચૂંટણી લડી હોત તો ભાજપના હાથમાંથી હરિયાણા પણ નીકળી ગયું હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અર્થવ્યવસ્થા સામે રાષ્ટ્રવાદનો મુદ્દો
હરિયાણામાં લોકોની નોકરી ગઈ, તેમાં ગુરુગ્રામ પાસેની ઑટોમોબાઇલ કંપનીઓનાં કેન્દ્રમાંથી પણ છટણી થઈ હતી. હરિયાણામાં કૃષિક્ષેત્રની સમસ્યા પણ છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી પાકની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પદાધિકારીએ નામ ન છાપવાની શરતે હિંદુસ્તાન ટાઇમ્સને કહ્યું કે હરિયાણાનાં નબળાં પરિણામો પાછળનું એક મોટું કારણ આર્થિક સુસ્તી પણ છે.
આ પદાધિકારીના જણાવ્યા પ્રમાણે, "સરકાર સુસ્તીના ઉકેલ માટે સતત ઘણાં પગલાં ભરી રહી છે, પરંતુ લોકો આજે આર્થિક સુસ્તીને કારણે ચિંતામાં છે."
મહારાષ્ટ્રમાં ભાજપ સરળતાથી સરકાર બનાવવા જઈ રહી છે. પરંતુ તેમની સીટોમાં ઘટાડો થયો છે. હવે ભાજપ તેની સહયોગી પાર્ટી શિવસેના પર વધુ નિર્ભર રહેશે. ભાજપ અને શિવસેનાના ગઠબંધનને સામાન્ય નુકસાન થયું છે.
સામાન્ય રીતે આને સારું પ્રદર્શન કહેવું જોઈએ, કેમ કે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ બહુ ઓછી સરકાર ફરી વાર સત્તામાં આવે છે. પરંતુ હવે વિપક્ષ નબળો છે અને તમારી પાસે નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસ જેવા નેતાઓ છે, તો આશા એ સેવાઈ રહી છે કે તેમના ગઠબંધનની સીટો વધશે.
અર્થવ્યવસ્થાની ખરાબ હાલતથી બચવા માટે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપે પોતાનો ચૂંટણીપ્રચાર જમ્મુ-કાશ્મીરની કલમ 370 સુધી સીમિત રાખ્યો.
આ વર્ષે પાંચ ઑગસ્ટે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી જોગવાઈ રદ કરી દીધી હતી.
ભાજપને આશા હતી કે તેઓ રાષ્ટ્રવાદની લહેરના જોરે આ બંને રાજ્યમાં જીત મેળવી શકશે. લોકો આર્થિક પડકારોને નજરઅંદાજ કરીને તેમને સમર્થન આપશે. બીજા શબ્દોમાં કહીએ તો ભાજપને લોકસભા ચૂંટણીનાં પરિણામોને રિપીટ કરવાની અપેક્ષા હતી.
ભાજપ પાસે કહેવા માટે કશું નહોતું
આ બંને રાજ્યોની ચૂંટણી આ વખતે કદાચ કંઈક આવું થયું હતું. જો ભાજપે અનુચ્છેદ 370 હઠાવવાનો, પાકિસ્તાનની નિંદા કરવાનો, વિપક્ષને દેશદ્રોહી જાહેર કરવાનો અને ગેરદાયદે ઘૂણસખોરોને દેશમાંથી કાઢવાને લઈને બૂમો ન પાડી હોત તો ભાજપ પાસે આ ચૂંટણીમાં કહેવા માટે કશું જ નહોતું.
ભાજપનો બંધારણની કલમ 370ને હઠાવવાનો પ્રચારનો મુખ્ય મુદ્દો હતો. આવું કરીને ભાજપ એ દર્શાવવાની કોશિશ કરતો હતો કે પ્રચાર દરમિયાન તેને આર્થિક સુસ્તીને લઈને બૅકફૂટ પર આવવું ન પડે.
પરંતુ એ વાત પર કોઈ બેમત નથી કે આર્થિક મુદ્દો પણ ચૂંટણીમાં મહત્ત્વનો છે. મોદીના સત્તામાં આવ્યા બાદ આર્થિક સ્થિતિ કથળતી રહી છે.
આજની તારીખે ભારતની અર્થવ્યવસ્થા 2013-14 બાદ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.
આ એ વર્ષ હતું જ્યારે ખરાબ આર્થિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને નરેન્દ્ર મોદી 1984 બાદ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવનારા પ્રથમ વડા પ્રધાન બન્યા હતા.
મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં છેલ્લાં ઘણાં વર્ષોથી સતત દુકાળ પડી રહ્યો છે. દેવામાફીનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી.
વિધાનસભા ચૂંટણી અગાઉ ફડણવીસ સરકારના એક મંત્રી સ્વીકાર્યું હતું કે આ એક સમસ્યા છે અને તેની અસર ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધન પર પડી શકે છે.
હરિયાણા અને મહારાષ્ટ્રના મતદારોએ એ પણ સંદેશ આપ્યો છે કે અર્થવ્યવસ્થાનો મુદ્દો પણ તેમના માટે અગત્યનો છે.
મોદી સરકાર મોટા ભાગે આર્થિક સુસ્તીનો ઇન્કાર કરી રહી છે. ઘણી વાર તેની વિરુદ્ધમાં સરકારના મોટા મંત્રીઓએ હાસ્યાસ્પદ નિવેદનો પણ આપ્યાં છે.
જેમ કે ભારતના લોકો બહુ ફિલ્મો જોઈ રહ્યા છે. આઇન્સ્ટાઇનને ગુરુત્વાકર્ષણની શોધમાં ગણિતે કોઈ મદદ નહોતી કરી અને નવી પેઢી કાર ખરીદવાનું પસંદ કરતી નથી.
અર્થવ્યવસ્થાના આંકડાને સાચા ઠેરવવા માટે મોદી સરકારના મંત્રીઓએ આવાં જ નિવેદનો આપ્યાં છે.
પરંતુ હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે તેઓ આર્થિક સુસ્તીને સુધારવા માટે નક્કર પગલાં ભરે.
આ વર્ષના એપ્રિલ મહિનામાં વિશ્વ બૅન્કે કહ્યું હતું કે તેને આશા છે કે ભારતની અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2019-20માં 7.5 ટકાના દરથી વધશે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં વિશ્વ બૅન્કે ભારતનો સંભવિત વિકાસદર 6 ટકા રાખ્યો હતો.
મોદી સરકારના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે એક લેખમાં તર્ક આપ્યો હતો કે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસદરનું અનુમાન 2.5 ટકા વધારીને દર્શાવવામાં આવી રહ્યું છે.
બીજા શબ્દોમાં કહીએ તો ભારતની અર્થવ્યવસ્થા છેલ્લાં પાંચ વર્ષમાં 5 ટકાના વિકાસદરથી વધી રહી છે. આવું ઘણાં વર્ષો પછી થઈ રહ્યું છે.
આર્થિક સુસ્તી માટે ખાનગી રોકાણની કમી સિવાય ગ્રાહકોની માગમાં થયેલો ઘટાડો પણ કારણભૂત છે. ભારતીયોને સારી અને નવી નોકરીઓ મળતી નથી. પણ ઘણા લોકોની નોકરી જઈ રહી છે.
લોકોનો પગાર ઘટી રહ્યો છે અથવા તેમાં કોઈ વૃદ્ધિ થતી નથી. મોંઘવારીનો દર ઓછો હોવા છતાં લોકો મોંઘવારીનો બોજ વેઠી રહ્યા છે. સ્થિતિ એવી છે કે બિસ્કિટ અને અન્ડરવેર જેવી જરૂરી વસ્તુઓના વેચાણમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
કૉંગ્રેસે ચૂંટણી જીતવાની કોશિશ ન કરી
આવી સ્થિતિમાં કૉંગ્રેસ પાસે એ અપેક્ષા હતી કે તે હરિયાણા અને મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી સામે મોટા પાયે પ્રચાર કરે. કૉંગ્રેસે સરકાર સામે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જરૂર હતી.
કૉંગ્રેસે સપ્ટેમ્બરમાં એલાન કર્યું હતું કે તે ઑક્ટોબર મહિનામાં આર્થિક સુસ્તીને લઈને દેશભરમાં અભિયાન શરૂ કરશે. પરંતુ ઑક્ટોબર મહિનામાં પાર્ટીએ કહ્યું કે તે આ અભિયાન નવેમ્બરમાં શરૂ કરશે.
હરિયાણામાં કૉંગ્રેસે મતદારોને વાયદો કર્યો હતો કે તે તેમને બેરોજગારી ભથ્થું આપશે, પરંતુ પાર્ટીએ સ્થાનિક સ્તરે તેનો પ્રચાર ન કર્યો. હરિયાણામાં કૉંગ્રેસ પાસે નેતૃત્વનું સંકટ હતું.
લોકપ્રિય અને તાકાતવર નેતા ભૂપિન્દરસિંહ હુડ્ડાને ચૂંટણીના થોડા દિવસો પહેલાં જ પાર્ટીએ પ્રચારનું સુકાન સોંપ્યું હતું. સોનિયા અને પ્રિયંકા ગાંધીએ હરિયાણામાં ચૂંટણીપ્રચાર ન કર્યો. રાહુલ ગાંધીએ પણ હરિયાણામાં બહુ ઓછી રેલીઓ કરી. આ રેલીઓમાં રાહુલ ગાંધીએ બેરોજગારીનો મુદ્દાનો પણ બહુ ઓછો ઉલ્લેખ કર્યો.
મુંબઈની એક જનસભામાં રાહુલ ગાંધીએ કો-ઑપરેટિવ બૅન્કમાં થયેલા ગોટાળાનો ઉલ્લેખ પણ ન કર્યો. ન તો તેણે લોકોના પૈસા ડૂબ્યા એ મુદ્દો ઉઠાવ્યો. બીજી શબ્દોમાં કહીએ તો કૉંગ્રેસે આ રાજ્યોમાં ચૂંટણી જીતવાની કોશિશ જ કરી નહીં.
આવી સ્થિતિમાં ભાજપે આર્થિક સુસ્તી હોવા છતાં મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભામાં જીત મેળવી છે. એનો મતલબ કે કૉંગ્રેસને એ ખબર નહોતી કે તે આ મુદ્દાઓને કઈ રીતે ઉઠાવે.
પરંતુ હવે ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ છે કે મતદારોને ભાજપનો મોહભંગ થયો છે. તેનાથી કદાચ વિપક્ષને સરકાર સામે અભિયાન ચલાવવાનું બળ મળે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો