You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય સંસદના નવીનીકરણનો કૉન્ટ્રેક્ટ ગુજરાતની કંપનીને મળ્યો
- લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતની સંસદને નવા ભારતનાં મૂલ્યો અને અભિલાષાના વિચાર સાથે નવું સ્વરૂપ આપવામાં આવશે.
પીટીઆઈના અહેવાલ અનુસાર શહેરી બાબતોના મંત્રી હરદીપ પુરીના જણાવ્યા અનુસાર નવીનીકરણનો પ્રોજેક્ટ ગુજરાતની એચસીપી કંપનીને સોંપવામાં આવ્યો છે.
ગુજરાતની 'એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ અને મૅનેજમૅન્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની સંસદનું નવીનીકરણ કરશે.
સપ્ટેમ્બર મહિનામાં દેશની 15 આર્કિટેક્ચર કંપનીઓ આ પ્રોજેક્ટના 24 પ્રસ્તાવ સાથે સરકારી અધિકારીઓને મળી હતી.
સેન્ટ્ર્લ પબ્લિક વર્ક્સના ડારેક્ટર જનરલ પ્રભાકર સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે આ કંપનીએ ભૂતકાળમાં પણ આવા કેટલાક પ્રોજેક્ટ પર કામ કરેલું છે.
આ પ્રોજેક્ટની સોંપણીમાં 80 ટકા ભાર કામની ગુણવત્તા પર મુકાયો હતો અને બાકીનો ખર્ચ પર.
આ માટે 2 સપ્ટેમ્બરે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ આવતા સૅન્ટ્રલ પબ્લિક વર્ક્સ દ્વારા ટૅન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
જેમાં રાષ્ટ્રપતિ ભવનના દરવાજાઓથી લઈને ઇન્ડિયા ગેટ અને સંસદના સમગ્ર વિસ્તાર (સૅન્ટ્રલ વિસ્ટા)ના નવીનીકરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૅન્ટ્રલ વિસ્ટા ત્રણ કિલોમીટરનો વિસ્તાર છે. નવા આયોજન મુજબ આ પ્રોજેક્ટ નવેમ્બર 2020 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય છે.
અહેવાલ અનુસાર એ બાદના ચાર વર્ષના સમયગાળમાં વિવિધ મંત્રાલયો અને સંસદમાં ફેરફાર કરવામાં આવશે.
આ ટૅન્ડરમાં સંસદની બહારના ભાગમાં અથવા તો કોઈ નજીકના વિસ્તારમાં નવી ડિઝાઇન તૈયાર કરવાની વાત છે. જેમાં સારો વહીવટ, કાર્યક્ષમતા, પારદર્શિતા, જવાબદેહી અને નિષ્પક્ષતા જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
આર્કિટેક્ટ ઍડવિન લ્યૂટીયન્સ અને હર્બર્ટ બૅકરે દિલ્હીની સંસદ ડિઝાઇન કરી હતી, તેમજ વર્ષ 1911થી વર્ષ 1931 વચ્ચે આ ઇમારતો બની હતી.
મીડિયાના અહેવાલો અનુસાર 75મા સ્વાતંત્ર્યદિન પહેલાં 2022 સુધીમાં નવી સંસદ મળે તેવું આયોજન છે.
તે ઉપરાંત શાસ્ત્રીભવન, ઉદ્યોગભવન અને કૃષિભવન સાથે એક કૉમન સેક્રેટેરિયેટ તૈયાર કરવાનો પ્લાન છે, જેમાં 30 ઇમારતોમાં 70,000 કર્મચારીઓનો સમાવેશ થશે.
એચસીપીએ બનાવેલી ઇમારતો
અમદાવાદમાં વર્ષ 1960માં હસમુખ સી. પટેલે એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ અને મૅનેજમૅન્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની સ્થાપી હતી.
કંપનીની વેબસાઇટ અનુસાર તેણે અમદાવાદની જાણીતી ઇમારતો બનાવી છે.
જેમાં સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા, રીઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી, પતંગ હોટલ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ મૅનેજમૅન્ટ ઍસોસિયેશન, અમદાવાદ યુનિવર્સિટી, આઈઆઈએમ અમદાવાદનું નવું કૅમ્પસ, આઈઆઈટી ગાંધીનગરની કેટલીક ઇમારતો, ગાંધીનગરનું સ્વર્ણિમ સંકુલ, સાબરમતી રિવરફ્ર્ન્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કાંકરિયા અને સીજી રોડના રીડેવલપમૅન્ટ જેવા પ્રોજેક્ટ પર પણ તેણે કામ કર્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો