એ મુસલમાન જેમણે દિલ્હીમાં ગાયની કુરબાની બંધ કરાવી હતી

    • લેેખક, આર. વી. સ્મિથ
    • પદ, ઈતિહાસકાર

સમગ્ર વિશ્વમાંના ઈસ્લામના અનુયાયીઓ બકરી ઈદ મનાવતા હોય છે ત્યારે મક્કામાં હજ યાત્રા કરવામાં આવતી હોય છે. મક્કામાં ઈબ્રાહમે 4,000થી વધુ વર્ષ પહેલાં પોતાના પવિત્ર કાળા પથ્થર સાથે અલ્લાનું ઘર બનાવ્યું હતું.

યહૂદી અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ઈબ્રાહિમના બલિદાનને કોઈ કારણસર ઈદની માફક મનાવતા નથી. ઇસ્લામ ઈસુખ્રિસ્તના જન્મનાં 600 વર્ષ પછી અસ્તિત્વમાં આવ્યો હતો, પણ માત્ર ઈસ્લામે જ એ બલિદાનને અપનાવ્યું છે.

અલબત, યહૂદીઓ અને ખ્રિસ્તીઓએ ઈબ્રાહિમને અલગ-અલગ રીતે આદર આપવાનું ચાલુ રાખ્યું છે. તેઓ તેમને ધર્મમાં એક પિતાનો દરજ્જો આપે છે.

ભારતના વિભાજન પહેલાંના દિવસોમાં તમામ સમૃદ્ધ ઘરોમાં બકરી ઈદના દિવસે કુરબાની આપવામાં આવતી હતી. માત્ર ગરીબ લોકો જ નાણાં એકઠા કરી, સાથે મળીને બકરી કે ઘેટાંની કુરબાની આપતા હતા. એ સમયે બકરી અને ઘેંટા આટલા મોંઘા ભાવે મળતાં નહોતાં.

એ સમયે મોટાં જાનવરોની કુરબાની પર પ્રતિબંધ ન હતો. ગાય તથા ભેંસોને કુરબાની માટે પસંદ કરવામાં આવતી હતી.

છેલ્લા મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના શાસનનાં અંતિમ વર્ષોમાં તેમણે તેમના પૂર્વજ અકબરની માફક ગાયની કુરબાની પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો.

નાનાં ગામડાંઓમાં આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય એ શક્ય છે, પણ 1857ના વિદ્રોહ પહેલાંનાં વર્ષોમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત બનાવવાના હેતુસર તમામ શહેરી વિસ્તારોમાં એ પ્રતિબંધનો ચૂસ્ત અમલ કરાવવામાં આવતો હતો.

બહાદુરશાહ ઝફરે કદાચ એવી અફવા સાંભળી હતી કે 1857ના વિદ્રોહનું તોફાન ઉત્તર ભારતમાંથી શરૂ થવાનું છે, પણ તેમની પ્રજા એ વિશે વધુ સારી રીતે માહિતગાર હતી.

જામા મસ્જિદના સંરક્ષક મુનશી તુરાબ અલીના જણાવ્યા મુજબ, હાકિમ અહસાનુલ્લાહ ખાને બાદશાહને ચેતવણી આપી હતી કે માહોલ અનુભવાય છે એટલો શાંત નથી. તેમણે કદાચ એવું કહ્યું હતું કે "ફિઝા ખરાબ હે."

લેફટનન્ટ વિલિયમ હડસને મોગલ બાદશાહના પુત્ર અને પૌત્રની હત્યા પછી તેમના સંબંધી મૌલવી રજબ અલીને બદનામ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે 21 સપ્ટેમ્બર 1857ના રોજ બાદશાહ બહાદુરશાહ ઝફર હુમાયુના મકબરામાં હશે એ જાણકારી તેમને મૌલવી રજબ અલી પાસેથી મળી હતી.

મૌલવી અને મુનશીના વંશજોએ આ વાતને નકારી કાઢી હતી, પણ જાનવરોની કુરબાની ચાલુ રહી હતી.

બહાદુરશાહ ઝફરનો 160 વર્ષ પહેલાં દેશનિકાલ કર્યા બાદ બ્રિટિશ શાસકોએ દિલ્હીને ફરી એકવાર પોતાના નિયંત્રણમાં લીધું હતું.

બકરી ઈદ વખતે તેમના જાસૂસોએ તેમને જણાવ્યું હતું કે અનેક પ્રસિદ્ધ મુસલમાનો શહેર છોડીને ગ્રામિણ વિસ્તારોમાં ચાલ્યા ગયા છે અને તેઓ અત્યંત ગુસ્સે થયેલા છે.

બ્રિટિશ શાસકોને જાસૂસોએ એ પણ જણાવ્યું હતું કે સાંપ્રદાયિક હિંસા રોકવા માટે માત્ર ઘેટાં અને બકરીની કુરબાનીની પરવાનગી આપવી જોઈએ. તેનું કારણ એ હતું કે દિલ્હીમાં અનેક હિન્દુ પરિવારોને વસવાટની પરવાનગી આપવામાં આવી હતી અને દિલ્હીમાં તેનો પ્રતિભાવ જોવા મળે એ શક્ય હતું.

ડૉ. નારાયણી ગુપ્તાએ જણાવ્યું હતું કે 1869 સુધી દિલ્હીમાં રહેતા હિન્દુ શાહુકાર પરિવારોની સરખામણીએ પોતાના જેવા મુસ્લિમ વેપારી પરિવારોની સંખ્યા ત્રણથી વધુ ન હોવા બાબતે ગાલિબે રોષ વ્યક્ત કર્યો હતો.

બકરી ઈદનો દિવસ પહેલાંથી જ આટલો ઉત્સાહભર્યો ન હતો. અલબત, કેટલાક પારસીઓ અને અન્યોની દુકાનો ઘણી સમૃદ્ધ હતી.

તત્કાલીન લેખોમાં જણાવ્યા મુજબ, એ દિવસોમાં બકરી ઈદના પ્રસંગે તહેવાર જેવો માહોલ દિલ્હીના નિઝામુદ્દીન, કુતુબમીનાર અને પુરાના કિલ્લા જેવા વિસ્તારો પૂરતો જ સીમિત રહેતો હતો.

પંજાબી મુસ્લિમોના કટરા વિસ્તારને રેલવે સ્ટેશન બનાવવા માટે જમીનદોસ્ત કરવામાં આવ્યો હતો અને ત્યાંના લોકોને કિશનગંજમાં વસાવવામાં આવ્યા હતા.

જોકે, જાનવરોની ચામડી અને માંસની દુકાનો ત્યાં સુધી દિલ્હીમાં જ કેન્દ્રીત હતી. એ પછી પણ મોટા પ્રમાણમાં જાનવરોની હત્યા કરવામાં આવી હોય એ શક્ય છે.

લાલા ચુન્નામલ સૌથી શ્રીમંત વેપારી હતા, પણ તેમણે મોટા ભાગની કમાણી કપડાંના વેપારમાંથી કરી હતી.

વિવાદાસ્પદ લેખક ભોલેનાથ ચૂંદરે કમસેકમ આ વાત જગજાહેર કરી દીધી હતી. જોકે, એમાં હકીકતને બદલે સામાન્યીકરણ જેવું વધારે હતું.

એ સમયે એક પંજાબી મુસ્લિમ વેપારી કુર્બાન અલીએ લાલા ચુન્નામલને ફતેહપુરી મસ્જિદ પરનો પોતાનો અધિકાર છોડવાની વિનતી કરી હતી, જેથી બકરી ઈદની ઉજવણી ફરી એકવાર મોટા પાયે કરી શકાય.

કુર્બાન અલીની વિનતી અનુસાર લાલા ચુન્નામલ ફતેહપુરી મસ્જિદ છોડવા તૈયાર તો થઈ ગયા, પણ તેમણે કુર્બાન અલી પાસે વચન માગ્યું હતું કે મસ્જિદમાં ગાય કાપવામાં આવે નહીં.

એ પછી 1877માં એકવાર ફતેહપુરી મસ્જિદમાં ઈદની નમાઝ પઢવામાં આવી હતી.

કુર્બાન અલી વેપારમાં થયેલા નુકસાન અને તેમના પરિવારજનોનાં મહેણાંને કારણે વહેલા મૃત્યુ પામ્યા હતા. કુર્બાન અલી સંબંધે બલિદાનની જે માહિતી ઉપલબ્ધ છે તે મોટા ભાગે લોકઈતિહાસમાં સામેલ છે. તેની પુષ્ટિ કરતી કોઈ નોંધ નથી.

દિલ્હીના પુરાણા શાહજહાંબાદમાં 50 વર્ષ પહેલાં સુધી ઘણા લોકો માનતા હતા કે કુર્બાન અલીએ તેમના નામને સાર્થક કર્યું હતું.

હિન્દુ-મુસ્લિમ સમુદાયમાં તંગદિલી

1880ના મધ્યમાં હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે પ્રતિસ્પર્ધાને કારણે અથડામણ થઈ પછી કિશનદાસ ગુરવાલા બાગમાં 'તારવાલા ઈદમિલન મેળો' યોજવાનું બંધ કરી દેવાયું હતું, પણ બન્ને પક્ષો વચ્ચે શાંતિ સ્થપાયા બાદ એ મેળો ફરી યોજાવા લાગ્યો હતો.

એ ઘટનાનાં 40 વર્ષ પછી 1920માં બન્ને સમુદાય વચ્ચેના સાંપ્રદાયિક સૌહાર્દ પર ફરી જોખમ સર્જાયું હતું. જામિયા મિલિયા યુનિવર્સિટીના સંસ્થાપકો પૈકીના એક હાકિમ અજમલ ખાનના પ્રયાસ પણ નિષ્ફળ રહ્યા હતા.

મહાન ચિકિત્સક હાકિમ અજમલ ખાનનું મૃત્યુ 1926માં થયું હતું. કેટલાક લોકો માને છે કે તેમના મૃત્યુનું કારણ એ હતું કે સુલેહના પ્રયાસોમાં તેમની પ્રતિષ્ઠાને જે નુકસાન થયું એ તેઓ સહન કરી શક્યા ન હતા.

બકરી ઈદ અને ઈદ-ઉલ-અઝહા સાથે જોડાયેલી વધુ એક વાત એ છે કે ઔરંગઝેબના સમયમાં ઊચા સ્થાને બનેલી ઈદગાહની આસપાસ સૌથી વધુ જાનવરોની કુરબાની આપવામાં આવી હતી.

કેટલાક લોકો આજે પણ કહે છે કે રાજધાની દિલ્હીમાં કોઈ ગાયની કુરબાની આપવામાં આવતી નથી એ જાણીને કુર્બાન અલીના આત્માને શાંતિ થતી હશે.

વિધિની વક્રતા એ છે કે લાલા ચુન્નામલનું નામ આજે પણ જીવંત છે, જ્યારે કુર્બાન અલીને લગભગ ભૂલાવી દેવામાં આવ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો