You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : ગુજરાતમાં બિનસચિવાલય કલાર્કની પરીક્ષા હવે 17 નવેમ્બર લેવાશે, 12 પાસ પણ આપી શકશે
ગુજરાતમાં રદ કરાયેલી બિનસચિવાલય કલાર્કની પરીક્ષા હવે 17 નવેમ્બરે લેવાશે અને ધોરણ 12 પાસ પણ પરીક્ષા આપી શકશે એવી જાહેરાત નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કરી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી બિનસચિવાલય કલાર્ક અને ઑફિસ આસિસ્ટંટ વર્ગ-3ની પરીક્ષા 20 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી જેને અચાનક રદ કરી દેવાઈ હતી.
નાયબ મુખ્ય મંત્રીએ પત્રકારપરિષદમાં કહ્યું કે ચૂંટણી આચારસંહિતાને લઈને પરીક્ષા રદ કરવામાં આવી હતી.
3053 જગ્યાઓ માટેની આ પરીક્ષામાં વિરોધપક્ષના કહેવા મુજબ 10 લાખથી વધારે યુવાનોએ ઉમેદવારી નોંધાવી છે..
કુલ 3053 જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાશે. મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરીઓ માટે કારકૂન વર્ગ-3ની કુલ 2824 જગ્યા માટે ભરતી થઈ રહી છે.
જ્યારે સચિવાલયના વિભાગો માટે "ઑફિસ આસિસ્ટંટ"ની વર્ગ-3ની 229 જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે.
પી. ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ
કૉંગ્રેસના નેતા અને દેશના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાઈ છે.
ઍન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટોરેટની ત્રણ સભ્યોની ટીમે દિલ્હીની તિહાડ જેલમાં ચિદમ્બરમની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈડીએ આઈએનએક્સ મીડિયા કેસ મામલે તેમની પૂછપરછ કરી હતી.
ચિદમ્બરમ્ 5 સપ્ટેમ્બરથી મની લોન્ડરિંગના કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.
મંગળવારે સ્પેશિયલ કોર્ટે ઈડીને આ કેસ સંદર્ભે પી. ચિદમ્બરમની પૂછપરછ કરવા માટે મંજૂરી આપી હતી.
જીએચઈમાં ભારત 102મા નંબરે
ગ્લોબલ ઇન્ડેક્સમાં નીચે હોવાનો મતલબ કે ભારતમાં લોકોને ભરપેટ ખાવાનું નથી મળતું, બાળમૃત્યુદર વધુ છે, બાળકોનું ઊંચાઈ પ્રમાણે વજન નથી, તેઓ કુપોષણનો શિકાર છે.
ભારત એશિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા છે અને દક્ષિણ એશિયાની સૌથી મોટી, પરંતુ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત દક્ષિણ એશિયામાં સૌથી નીચે છે.
તેનો મતલબ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળના લોકો પોષણ મામલે ભારતીય લોકોથી આગળ છે. ભારત આ મામલે બ્રિક્સના દેશોથી પણ નીચે છે.
પાકિસ્તાન 94મા નંબર, બાંગ્લાદેશ 88મા, નેપાળ 73મા અને શ્રીલંકા 66મા નંબરે છે.
ભારત 2010માં 95મા નંબરે હતું અને 2019 તેનું સ્થાન 102મા નંબરે પહોંચ્યું છે.
બેલારૂસ, યુક્રેન, તુર્કી, ક્યુબા અને કુવૈત જીએચઈ રૅન્કમાં અવ્વલ છે. એટલે સુધી કે રવાન્ડા અને ઇથિયોપિયા જેવા દેશના જીએચઈ રૅન્કમાં પણ સુધારો આવ્યો છે.
દિવાળી પર 25,000 હોમગાર્ડની નોકરી જશે?
ઉત્તરપ્રદેશમાં 25 હજાર હોમગાર્ડ જવાનોના ઘરે દિવાળી પહેલાં અંધારું છવાઈ ગયું છે. સરકારે એક આદેશ કરીને આ જવાનોની સેવા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
પોલીસ મહાનિદેશક બીપી જોગદંડે આ સંબંધમાં આદેશ કર્યો છે.
જોકે આ મામલે રોષની શક્યતા જોતાં રાજ્યના હોમગાર્ડમંત્રી ચેતન ચૌહાણે વિશ્વાસ અપાવ્યો છે કે કોઈ પણ જવાન બેરોજગાર નહીં થાય અને સરકાર કોઈને કોઈ રસ્તો ચોક્કસ કાઢશે.
આ 25 હજાર હોમગાર્ડ જવાનો જિલ્લા મુખ્યાલયોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની મદદ કરતા હતા.
એડીજી બીપી જોગદંડે બીબીસીને જણાવ્યું કે આ શાસનનો આદેશ છે, પરંતુ કારણ શું છે એ અંગે યુપીના કોઈ જવાબદાર અધિકારી જવાબ આપવા તૈયાર નથી. માનવામાં આવે છે કે આની પાછળ અપૂરતું બજેટ કારણભૂત છે.
તેમણે કહ્યું કે હોમગાર્ડ કોઈ સ્થાયી પોલીસકર્મી નથી. તેઓ એક સ્વયંસેવકના રૂપમાં કામ કરે છે અને સરકાર તેમને પૈસા ચૂકવે છે.
'પાકિસ્તાનમાં જતું પાણી હરિયાણા તરફ વળાશે'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ચૂંટણીસભા સંબોધી હતી. તેમણે મતદારોને વિધાનસભામાં કૉંગ્રેસને 'સજા' કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે કલમ 370 રદ કર્યા બાદ કાશ્મીર વિશે અફવા ફેલાવવામાં આવી રહી છે.
કુરુક્ષેત્ર અને ચરખી દાદરીમાં રેલીઓને સંબોધન કરતાં મોદી બોલ્યા કે રાષ્ટ્રીય સુરક્ષાના હિત માટે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી જરૂરી હતી.
તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર પાકિસ્તાનમાં જતું પાણી રોકશે અને તેને હરિયાણા તરફ વાળશે.
છેલ્લાં 70 વર્ષથી જે પાણી હરિયાણાના ખેડૂતોનું હતું, આપણું હતું એ પાકિસ્તાનમાં વહી જતું હતું, પણ આ મોદી તે પાણી બંધ કરશે. તેને તમારા ઘરમાં લાવશે.
તેમણે કહ્યું કે મેં તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
પ્રફુલ્લ પટેલને ઈડીએ પૂછપરછ માટે હાજર થવા નિર્દેશ આપ્યો
પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રફુલ્લ પટેલને ઈડીએ શુક્રવારે પૂછપરછ માટે હાજર થવા નિર્દેશ આપ્યો છે.
પ્રફુલ્લ પટેલ પર એક કંપની અને ઇકબાલ મેમણ મિર્ચીના પરિવાર વચ્ચે નાણાકીય ડીલ કરવાનો આરોપ છે.
તેમના પર આરોપ છે કે આ કંપનીના પ્રમોટર પ્રફુલ્લ પટેલના પરિવારજનો છે.
ઇકબાલ મિર્ચીનો સંબંધ અન્ડરવર્લ્ડ દાઉદ ઇબ્રાહીમ સાથે રહ્યો છે.
જોકે પ્રફુલ્લ પટેલે આ તમામ આરોપો નકાર્યા હતા.
ગુજરાતમાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે છેલ્લાં ચાર અઠવાડિયામાં ડેન્ગ્યુ અને ડેન્ગ્યુના શંકાસ્પદ કેસમાં વધારો થયો છે.
ગુજરાતમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો 26 ઑગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી 2,291 શંકાસ્પદ કેસ આવ્યા હતા, જેમાંથી 581 કેસ લૅબમાં પુષ્ટિ થઈ હતી.
સિનિયર હેલ્થ ઑફિસરે જણાવ્યું કે છેલ્લા અઠવાડિયામાં કેસમાં વધારો થયો છે. કેસનો આંકડો 2,291થી વધીને 4,919 થઈ ગયો છે. આ કેસમાં જિલ્લાની ખાનગી હૉસ્પિટલના રિપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુના કેસમાં 35 ટકાનો વધારો થયો છે. જ્યારે ચિકનગુનિયાના કેસમાં 36 ટકાનો વધારો થયો છે.
અમદાવાદ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં 522 કેસ નોંધાયા છે. જ્યારે જામનગરમાં 206 અને વડોદરામાં 128 કેસ નોંધાયા છે.
તો દાહોદ, ડાંગ, આણંદ અને નડિયાદમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો