કાશ્મીર મુદ્દે મલેશિયા અને ભારત વચ્ચે તણાવ વધ્યો

ઇમરાન ખાન ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા બાદ નવેમ્બરમાં મલેશિયાની યાત્રા પર ગયા હતા.

ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા એના ત્રણ મહિના પહેલાં જ વર્ષ 2018માં 92 વર્ષના મહાતિર મોહમ્મદ ફરીથી મલેશિયાના વડા પ્રધાન બન્યા હતા.

ઇમરાન અને મહાતિર બંનેના ચૂંટણીઅભિયાનમાં ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો હતો. આ સાથે જ બંને દેશ ચીનનાં ભારેખમ દેવાના બોજા નીચે સતત દબાતા જઈ રહ્યા હતા.

મહાતિર કુશળ રાજનેતા છે. આ પહેલાં પણ તેઓ સતત 1981 થી 2003 સુધી સત્તામાં રહી ચૂક્યા હતા. તેમજ ઇમરાન આ પહેલાં ક્રિકેટના એક ખેલાડી માત્ર હતા.

મહાતિરે આવતાની સાથે ચીનની 22 અબજ ડૉલરની પરિયોજના પર પ્રતિબંધ લાદી દીધો અને કહ્યું કે આ પરિયોજના બિલકુલ બિનજરૂરી હતી.

બીજી તરફ ઇમરાન ખાને વન બેલ્ટ વન રોડ હેઠળ પાકિસ્તાનમાં ચીનની 60 અબજ ડૉલરની પરિયોજના અંગે એટલી જ ઉતાવળ કરી જેટલી કે નવાઝ શરીફે કરી હતી.

નવેમ્બર 2018માં જ્યારે ઇમરાન ખાન ક્વાલાલંપુર પહોંચ્યા ત્યારે તેમનું એક રૉકસ્ટાર જેવું સ્વાગત કરાયું.

ઇમરાન ખાને કહ્યું હતું કે મલેશિયા અને પાકિસ્તાન બંને એક પથ પર ઊભાં છે.

ઇમરાન અને મહાતિરની જુગલબંદી

ઇમરાન ખાને કહ્યું હતું, "મારા અને મહાતિરના હાથમાં સત્તા ભ્રષ્ટાચારથી કંટાળેલી જનતાએ સોંપી છે. અમે બંને દેવાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છીએ. અમે અમારી સમસ્યાઓનો એકસાથે મળીને ઉકેલ લાવી શકીએ છીએ."

"મહાતિર જ મલેશિયાને પ્રગતિના પથ પર લાવ્યા છે. અમને આશા છે કે અમે તેમના અનુભવો પરથી શીખીશું."

ઇમરાન ખાન અને મલેશિયાની નિકટતાની આ શરૂઆત હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે ઇમરાન ખાને મહાતિર મોહમ્મદને ફોન કર્યો.

કહેવાય છે કે ઇમરાન ખાનના શરૂઆતના તબક્કાના વિદેશી પ્રવાસો પૈકી એકમાત્ર મલેશિયાના પ્રવાસ દરમિયાન જ તેમણે દેવું નહોતું માગ્યું.

મહાતિર મોહમ્મદના શાસનકાળમાં પાકિસ્તાન અને મલેશિયાની નિકટતા વધી. પાકિસ્તાન અને મલેશિયા વચ્ચે વર્ષ 2007માં જ ઇકોનૉમિક પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટ થયું હતું.

ઇમરાન ખાનના આ પ્રવાસ દરમિયાન મહાતિરે પાકિસ્તાનને ઊર્જા સુરક્ષામાં મદદ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

5 ઑગસ્ટના રોજ જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જો નાબૂદ કરવાની જાહેરાત કરી ત્યારે મહાતિરનો સમાવેશ એવા કેટલાક રાષ્ટ્રપ્રમુખોમાં થતો હતો જેમને ફોન કરીને ઇમરાન ખાને સમર્થન માગ્યું અને સમર્થન મળ્યું પણ ખરું.

જ્યારે કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ગયો ત્યારે પણ મલેશિયાએ પાકિસ્તાનનો જ સાથ આપ્યો.

ગયા મહિને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં પણ મલેશિયાના વડા પ્રધાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારતને ઘેરવાનું કામ કર્યું. ભારત માટે આ વાત એક આંચકા સમાન હતી.

મલેશિયા અને પાકિસ્તાન સાથે કેમ છે?

આખરે મલેશિયા પાકિસ્તાનનો સાથ કેમ આપી રહ્યું છે?

સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટને નેશનલ યુનિવર્સિટી ઑફ મલેશિયામાં સ્ટ્રેટેજિક સ્ટડિઝના નિષ્ણાત રવિચંદ્રન દક્ષિણમૂર્તિએ જણાવ્યું હતું, "મલેશિયા અને પાકિસ્તાન વચ્ચે ઘણા લાંબા સમયથી સારા સંબંધો રહ્યા છે."

"1957માં મલેશિયાની સ્વતંત્રતા બાદ, પાકિસ્તાન એવા દેશોમાં સામેલ હતું કે જેમણે મલેશિયાના સાર્વભૌમત્વને માન્યતા આપી હતી."

રવિચંદ્રને કહ્યું, "પાકિસ્તાન અને મલેશિયા બંને ઘણાં ઇસ્લામિક સંગઠનો અને સહયોગો સાથે જોડાયેલાં છે. આ બંનેના સંબંધમાં ચીનની બાબત એકદમ અલગ છે."

"મલેશિયા અને ચીનના સંબંધો એકદમ સામાન્ય છે, પરંતુ પાકિસ્તાન અને ચીનના સંબંધો અત્યંત ખાસ છે. ચીન પાકિસ્તાનમાં હથિયારોની સપ્લાય કરતો સૌથી મોટો દેશ છે અને આ બંને દેશોના ભારત સાથેના સંબંધો સારા નથી."

"જ્યાં સુધી મહાતિર સત્તામાં રહ્યા ત્યાં સુધી તો પાકિસ્તાન સાથે મલેશિયાના સંબંધો સારા જ રહ્યા છે."

ભારતે કાશ્મીર પર મલેશિયાના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે એવું કહેવાઈ રહ્યું છે કે આ કારણે બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે મહાતિર મોહમ્મદે કહ્યું છે કે તેમની સરકાર ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે.

રૉયટર્સના રિપોર્ટ પ્રમાણે ભારત મલેશિયા પાસેથી પામ ઑઇલની આયાતને સીમિત કરી શકે છે. તેમજ મલેશિયા પાસેથી આયાત કરાતી અન્ય વસ્તુઓ અંગે પણ વિચાર કરી શકે છે.

મહાતિરે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં કહ્યું હતું કે ભારતે કાશ્મીરને પોતાના કબજામાં રાખ્યું છે. જોકે, સરકાર તરફથી આ અંગે કોઈ પણ ટિપ્પણી નથી આવી.

આયાત જકાત વધવાની આશંકાને કારણે ખરીદી અટકી

રૉયટર્સ પ્રમાણે ભારતીય રિફાઇનર્સે નવેમ્બર અને ડિસેમ્બરમાં શિપમેન્ટ માટે મલેશિયા પાસેથી પામ ઑઇલની ખરીદી બંધ કરી દીધી છે.

એજન્સી પ્રમાણે તેમને એ વાતની બીક છે કે ભારત સરકાર આયાત જકાત વધારી શકે છે. તેમજ એ વાતની પણ બીક છે કે ભારત સરકાર મલેશિયા પાસેથી થતી આયાતો રોકવા માટે અન્ય પગલાં પણ ઉઠાવી શકે છે.

સોમવારે રૉયટર્સને 5 ટ્રેડરોએ કહ્યું કે તેમણે નવેમ્બર-ડિસેમ્બરના શિપમેંટ માટે પામ ઑઇલની ખરીદી કરવાનું બંધ કરી દીધું છે. ભારત મલેશિયાના પામ ઑઇલનું મોટું ખરીદદાર હતું.

ભારતના આ વલણને કારણે મલેશિયાની પામ ઑઇલ ઇન્ડસ્ટ્રી પર વિપરીત અસર પડી શકે છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતના આ નિર્ણયના કારણે ઇન્ડોનેશિયાને પણ લાભ થઈ શકે છે.

રૉયટર્સે ભારતના વાણિજ્ય મંત્રાલયનો આ અંગે સંપર્ક સાધ્યો, પરંતુ તેમને કોઈ જવાબ ન મળ્યો.

મુંબઈના એક વેપારીએ રૉયટર્સને કહ્યું, "મલેશિયા સાથે વેપાર કરતા પહેલાં અમારે સ્પષ્ટીકરણ જોઈએ. જો સરકારની તરફથી કોઈ પણ જાતનું સ્પષ્ટીકરણ ન આવ્યું તો અમે ઇન્ડોનેશિયા સાથે વેપાર કરવાનું શરૂ કરી દઈશું."

મુંબઈના વેજિટેબલ ઑઇલ કંપનીના સીઈઓ સંદીપ બજોરિયાએ કહ્યું, "બંને દેશોના વેપારીઓ અસમંજસમાં છે. અમને બિલકુલ નથી ખબર કે શું થવાનું છે."

પામ ઑઇલનો ભારતમાં વિપુલ ઉપભોગ

ભારતમાં ભોજન બનાવવા માટે વપરાતાં તેલોમાં પામ ઑઇલનું પ્રમાણ બે તૃતિયાંશ છે. ભારત દર વર્ષે લગભગ 90 લાખ ટન પામ ઑઇલની આયાત કરે છે. જેમાં મુખ્યત્વે મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આવતું તેલ સામેલ છે.

વર્ષ 2019ના પ્રથમ 9 મહિનામાં ભારતે મલેશિયા પાસેથી 30.9 લાખ ટન પામ ઑઇલની આયાત કરી હતી. મલેશિયન પામ ઑઇલ બોર્ડના ડેટા અનુસાર ભારત મલેશિયા પાસેથી માસિક 4,33,000 ટન તેલની આયાત કરે છે.

ભારત ભોજનમાં વપરાતાં તેલની આયાત કરનાર સૌથી મોટો દેશ છે. ભારતના વલણને જોતાં મલેશિયાના વડા પ્રધાને રવિવાર કહ્યું હતું કે ભારત સાથે દ્વિપક્ષીય કારોબારી સંબંધોની સમીક્ષા કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે ભારત પણ મલેશિયામાં નિકાસ કરે છે અને બંનેના કારોબારી સંબંધો દ્વિપક્ષીય છે ન કે એકતરફી.

મહાતિર જ્યાં સુધી સત્તામાં રહ્યા ત્યાં સુધી મલેશિયા અને પાકિસ્તાનના સંબંધો સારા રહ્યા. વર્ષ 2003માં તેઓ નિવૃત થયા અને ત્યાર બાદ ભારત અને મલેશિયાના સંબંધો સુધર્યા હતા.

પરંતુ ગયા વર્ષે જ્યારે એક વાર ફરીથી મહાતિર સત્તા પર આવ્યા ત્યારથી ફરી વાર મલેશિયા અને પાકિસ્તાનના સંબંધો ઘનિષ્ઠ બનવા લાગ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો