ગ્લોબલ કૉમ્પિટિટિવનેસ રિપોર્ટમાં દસ સ્થાન પાછળ રહેલું ભારત શું દર્શાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, વરિષ્ઠ અર્થશાસ્ત્રી
આપણે આજે વૈશ્વિકરણના જમાનામાં જીવી રહ્યા છીએ. રોકાણથી માંડી રોગો સુધી બધું જ હવે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવાય છે. મોટાભાગના દેશો પોતાની અર્થવ્યવસ્થા મજબૂત બને તે માટે રોકાણ આકર્ષવા પ્રયત્નશીલ રહે છે.
ચીન જેવો દેશ જે એક જમાનામાં સામ્યવાદી વિચારસરણી હેઠળ બંધિયાર અર્થવ્યવસ્થામાં જીવતો હતો તે દેશ પણ આજે વિશ્વભરમાંથી રોકાણો આકર્ષીને વિશ્વવ્યાપારના ક્ષેત્રે એક મોટા ખેલાડી તરીકે ઊપસ્યો છે.
વિશ્વભરમાંથી અને તેમાં પણ ખાસ કરીને અમેરિકા અને યુરોપમાંથી બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના એકમો ચીનમાં નાખી ત્યાં ઉત્પાદિત માલ અમેરિકા સમેત વિશ્વભરમાં ઠાલવે છે.
1991 બાદ ભારતે પણ ઉદારીકરણનો ઝંડો લહેરાવતાં વિશ્વભરના રોકાણકારો પોતાને ત્યાં રોકાણ કરવા આકર્ષાય તે માટે લાયસન્સિંગ, વિદેશી સહયોગ, ટેકનૉલૉજી ટ્રાન્સફર જેવાં ક્ષેત્રે વિદેશી રોકાણ આકર્ષી શકાય તે માટે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ ઍન્ડ રેગ્યુલેશન ઍક્ટ 1956થી શરૂઆત કરી.
ટેકનિકલ તેમજ ફાયનાન્સિયલ કૉલોબ્રેશન સંલગ્ન કાયદાઓ અને તે બધાને કડકાઈથી નાથી રાખતો ફોરેન એક્સચેન્જ રૅગ્યુલેશન ઍક્ટ (FERA) 1973 માં પણ ક્રાંતિકારી ફેરફારો કરી ફોરેન એક્સચેન્જ રૅગ્યુલેશન ઍન્ડ મૅનેજમૅન્ટ ઍક્ટ (FEMA) 1999 અમલમાં મૂક્યો.
સરળ રોકાણ આકર્ષવા માટેની વૈશ્વિક સ્પર્ધામાં ભારત જોડાયું છે.
વર્લ્ડ ટ્રૅડ ઑર્ગેનાઇઝેશન(WTO)ના સ્વીકારને કારણે ભારતીય બજારો પણ વિદેશી માલસામાન માટે ખુલ્લાં થયાં છે.
પહેલાં કોઈ વિદેશ જાય તો ટાઈ કે શર્ટથી માંડીને પરફ્યુમ, કૉસ્મેટિક, ઇલેક્ટ્રૉનિક્સ ગૂડ્ઝ જેવી કંઈને કોઈ વસ્તુ મગાવાતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજે આ જરૂરિયાત લગભગ નામશેષ થઈ ગઈ છે, કારણ કે આપણે ત્યાં હવે મોટા ભાગની વસ્તુઓ ઉપલબ્ધ બની ગઈ છે.
ઘડિયાળો, સિગારેટ, સિગારેટ લાઇટર, કૅલ્ક્યુલેટર અને જાપાનની સાડી કે શર્ટિંગ-સૂટિંગ માટેનું કાપડ હવે આ દેશમાં દાણચોરીથી ઘુસાડાતું નથી.

સોના પરની કસ્ટમ ડ્યૂટી 2.5 ટકાની 12.5 ટકા કરાઈ

ઇમેજ સ્રોત, Getty Images
રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર શ્રી વાય. વી. રેડ્ડીના અહેવાલને પગલે ભારત સરકારે સોના ઉપરની કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરી પણ એ ફરીથી દાખલ કરી દેવાઈ છે.
નિર્મલા સીતારમણે નાણામંત્રીએ તરીકે રજૂ કરેલા પ્રથમ બજેટમાં 5 જુલાઈ 2019ના રોજ એમાં 2.5 ટકા વધારો કરી સોના ઉપરની કસ્ટમ ડ્યૂટી 12.5 ટકાની કરી દેવાઈ છે.
ભારત દુનિયામાં સૌથી વધારે સોનું ખરીદતો દેશ છે (એક અંદાજ મુજબ સરેરાશ 1000 ટન પ્રતિ વર્ષ). આ કારણથી ભારતમાં વળી પાછી સોનું દાણચોરીથી ઘુસાડનાર સિન્ડિકેટ અને ચેનલો સક્રિય બની છે.

Ease of Doing Business અને The Global Competitiveness Report શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આવીએ રોકાણની વાત પર. કોઈ પણ દેશ પોતાને ત્યાંની રોકાણ માટેની નીતિઓ ગમે તેટલી હળવી બનાવે પણ તેની પાસે ઉપલબ્ધ આંતરમાળખાકીય સવલતો અને જુદાજુદા કાયદાઓની અમલવારી કરનાર સરકારી તંત્ર જો વૈશ્વિકકક્ષાનાં ન હોય તો રોકાણ આકર્ષવાની વૈશ્વિક સ્પર્ધામાં જે તે દેશ ઝાઝું કાઠું કાઢી શકતો નથી.
આ ક્ષેત્રે રોકાણકારોને માર્ગદર્શન મળે તે માટે પરિસ્થિતીનું સમગ્રતયા અવલોકન કરી વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવતો "Ease of Doing Business" તેમજ જીનીવા સ્થિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવતો The Global Competitiveness Report ખૂબ મહત્વનો સંદર્ભ પૂરો પાડે છે.
Ease of Doing Business એટલે કે વ્યાપાર-ધંધા કરવાની સરળતાના ઇન્ડેક્સમાં ભારતે મોટી છલાંગ લગાવી.
2019ના વર્ષના અહેવાલમાં જણાવ્યા મુજબ તળિયાના 100 ક્રમાંકથી 23 સ્થાનોનો કૂદકો મારી 77 ક્રમાંક મેળવ્યો છે.
આમ ભારતમાં લાયસન્સિંગથી માંડી અન્ય ક્ષેત્રોમાં સરકારની જે દખલગીરી હતી અને ઇન્સ્પેક્ટર-રાજ ચાલતું હતું તેને નાથવાનો નરેન્દ્ર મોદીની સરકારે પ્રયત્ન કર્યો છે અને તેમાં મોટી સફળતા પણ મેળવી છે.
જોકે આજે 77મા નંબરે છીએ એટલે સુધારા માટે ઘણો મોટો અવકાશ છે એમ કહેવું વાજબી ગણાશે. આ વાતની ચર્ચા અત્યારે અહીં જ મૂકી દઈએ.
વિશ્વના આર્થિક સમુદાયનું પ્રતિનિધિત્વ કરતું જીનીવા સ્થિત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ દ્વારા હાલમાં જ ગ્લોબલ કૉમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2019નો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.
2018માં જાહેર કરવામાં આવેલા આ અહેવાલ મુજબ વિશ્વમાં ભારત 58મા સ્થાને હતું, જે 2019ના અહેવાલમાં સીધું 10 સ્થાન ગબડીને 68મા સ્થાને પહોચ્યું છે.
ગ્લોબલ કૉમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ એટલે કે વૈશ્વિક સ્પર્ધાત્મકતા આંક 2019 મુજબ ટોચના દસ સ્થાને રહેલા દેશો નીચે મુજબ છે.
(સ્રોત : વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ, ગ્લોબલ કૉમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ રિપોર્ટ 2019)
આ વિગતોમાં જરા ઊંડા ઉતરીએ તો કેટલાક અપસેટ પણ સર્જાયા છે.
કોઈ એક રાષ્ટ્રએ પોતાની અર્થવ્યવસ્થા બીજા રાષ્ટ્રની અર્થવ્યવસ્થા કરતાં વધુ સ્પર્ધાત્મકતા બનાવી છે, જેમાં યુનાઈટેડ સ્ટેટ્સ જે 2018માં પ્રથમ ક્રમે હતું તેને ગબડાવીને સિંગાપુરે પહેલો ક્રમાંક હાંસલ કર્યો છે.
આ અહેવાલમાં હૉંગકૉંગ 3જા ક્રમે, તાઇવાન 12મા ક્રમે અને ચીન 28મા ક્રમે રહેવા પામ્યું છે. કુલ 98 મુદ્દાઓ ઉપર આધારિત ગ્લોબલ કૉમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 140 દેશોની સ્પર્ધાત્મકતાની ક્ષમતા મુજબ રેંકિંગ આપે છે.

ગ્લોબલ કૉમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ કેવી રીતે મપાય છે?

ઇમેજ સ્રોત, Reuters
આ 19 ઇન્ડિકેટરને 12 જૂથમાં વહેચવામાં આવે છે, જેમાં આંતરમાળખાકીય સવલતો (ઇન્ફ્રાસ્ટ્રકચર), સંસ્થાઓ (ઇન્સ્ટિટ્યૂટશન) પછી ઇન્ફર્મેશન ઍન્ડ કૉમ્યુનિકેશન ટેક્નૉલૉજી (ICT) ઍડોપ્શન, મેક્રો ઇકૉનૉમિક સ્થિરતા, આરોગ્ય, સ્કીલ્સ (કૌશલ્ય), પ્રોડક્ટમાર્કેટ, લેબરમાર્કેટ, ફાયનાન્સિયલ સિસ્ટમ, માર્કેટસાઇઝ, બિઝનેસ ડાયનેમિઝમ અને નવું કાંઈ કરવાની સશોધન ક્ષમતા (innovation capability).
ચાલુ સાલે જે અહેવાલ બહાર પડ્યો છે તેમાં ભારતનો આર્થિક ક્ષેત્રે દેખાવ અને સ્પર્ધાત્મકતા ખૂબ નીચે ઊતરી ગયાં અને બ્રિક્સ(BRICS) દેશોના જૂથમાં માત્ર બ્રાઝિલ જ 71મા નંબર સાથે આપણા કરતાં ત્રણ સ્થાન પાછળ છે.
ભારતે જે ક્ષેત્રે પ્રમાણમાં સારું કર્યું છે એમાં શૅરહોલ્ડર ગવર્નન્સ (2જો ક્રમાંક), બજારનું કદ-માર્કેટસાઇઝ (3જો ક્રમાંક), રિન્યુએબલ ઍનર્જી ઇમ્યુલેશન (3જો ક્રમાંક), કૉર્પોરેટ ગવર્નન્સ (15મો ક્રમાંક), મેક્રો ઇકૉનૉમિક સ્ટેબિલિટી (૪૩મો ક્રમાંક)નો સમાવેશ થાય છે.
ભારતની જે નબળાઈઓ આ અહેવાલમાં બહાર આવી છે તેમાં માહિતીની ઉપલબ્ધિ અને ટેક્નૉલૉજીનો સ્વીકાર (120 ક્રમાંક), આરોગ્ય (110 ક્રમાંક), સ્કીલ્સ - કૌશલ્ય(107 ક્રમાંક), પ્રોડક્ટમાર્કેટ (101 ક્રમાંક), લેબરમાર્કેટ (103 ક્રમાંક) અને સ્થિરતા (103 ક્રમાંક)નો સમાવેશ થાય છે.
લાઈફ ઍકસ્પેક્ટ્ન્સી એટલે કે દીર્ઘાયુ જીવનમાં 141 દેશોમાં ભારતનો ક્રમાંક 109 અને મૅરિટૉક્રેટ ઍન્ડ ઇન્સેન્ટીવાઇઝેશન એટલે કે વ્યક્તિની ગુણવતા મુજબ એને તક મળે તેમાં 118મો ક્રમ (મજૂરીના નીચા દર અને તેમાંય ખાસ કરીને પુરુષની સરખામણીમાં સ્ત્રીને મળતી મજબૂરીના નીચા દરને કારણે).
પાડોશી રાષ્ટ્રોની વાત કરીએતો ભારતનો ક્રમ શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળ કરતાં ઉપર છે. માત્ર ચીન ૨૮મા ક્રમ સાથે ભારત કરતાં આગળ છે.
"આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વતઃ" દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવો, એ ભારતીય સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત છે.
ગ્લોબલ કૉમ્પિટિટિવનેસ રિપોર્ટ 2019 પ્રમાણે આપણા માટે જે ક્ષેત્રોમાં ધ્યાન આપવાની જરૂર છે તે ક્ષેત્રો તરફ અંગુલિનિર્દેશ કરતો અહેવાલ છે.
ભલે વર્લ્ડ ઈકૉનૉમિક ફોરમના 2019ના અહેવાલમાં સ્પર્ધાત્મકતાની દ્રષ્ટિએ 2018ની સરખામણીમાં 10 ક્રમ ગુમાવીને આપણે પાછળ પડ્યા પણ જેને કારણે આપણે સ્પર્ધાત્મકતા ગુમાવી છે એ ક્ષેત્રો ઉપર ધ્યાન આપીને 2020માં વળી પાછી મોટી છલાંગ લગાવીએ તો આ અહેવાલનાં તારણો ઉપકારકને બોધદાયક નીવડ્યાં તેમ ગણાશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












