You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીની ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થયું હોવાની જાહેરાતમાં સત્ય કેટલું?
- લેેખક, પ્રશાંત ચાહલ
- પદ, બીબીસી સંવાદદાતા, બનિયાની ગામ (રોહતક)થી
મહાત્મા ગાંધીની 150મી જયંતી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ પરથી દેશને ઓડીએફ જાહેર કરી દીધો છે. ઓડીએફ એટલે એવો દેશ જ્યાં ખુલ્લામાં શૌચ કરવામાં આવતું નથી.
ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના સ્વચ્છ ભારત મિશનની અધિકારિક વેબસાઇટ પ્રમાણે 2 ઑક્ટોબરે 2014થી અત્યાર સુધી ભારતમાં 10,07,51,312 ( 10 કરોડથી વધારે) ટૉઇલેટ બનાવાયાં છે જેના આધારે ભારતને 100 ટકા ઓડીએફ જાહેર કરવામાં આવી રહ્યું છે.
સરકારના દાવા અનુસાર ભારતનાં કેટલાંક રાજ્યો ઓડીએફ શ્રેણીમાં સામેલ છે.
જેમાં હરિયાણા એક એવું રાજ્ય છે જ્યાં મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર કહી ચૂક્યા છે કે તેમના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને ઓડીએફ જાહેર કરી દેવામા આવ્યા છે અને હવે હરિયાણા ઓડીએફ પ્લસની તરફ વધી રહ્યું છે.
સાથે જ ગામમાં સઘન અને પ્રવાહી કચરાના પ્રબંધનની વ્યવસ્થા કરવામાં આવશે.
લોકો હજી ખુલ્લામાં શૌચ કરે છે
રાજ્યમાં સ્વચ્છ ભારત મિશનની કથિત સફળતા અને રાજ્યને મળેલા ઓડીએફ સ્ટેટસને હરિયાણાની આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર માટે ગણાવવા લાયક ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.
આને ધ્યાનમાં રાખીને બીબીસીએ મનોહર લાલ ખટ્ટરના ગામની મુલાકાત લીધી અને જાણ્યું કે ગામમાં 200થી વધારે લોકો દરરોજ ખુલ્લામાં શૌચ કરે છે.
આમાંથી કેટલાક લોકો તો તેમની ટેવને કારણે ખુલ્લામાં શૌચ માટે જાય છે પરંતુ એવા લોકોની પણ મોટી સંખ્યા છે જે આવું કરવા માટે મજબૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ઘરમાં ગંદગી ન થાય એટલે બહાર શૌચ'
મનોહર લાલ ખટ્ટર હરિયાણાના કરનાલ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડે છે. મુખ્ય મંત્રી બન્યા બાદ તેઓ ચંડીગઢમાં મુખ્ય મંત્રી નિવાસમાં રહે છે.
પરંતુ રોહતક જિલ્લામાં કલાનૌર વિધાનસભા ક્ષેત્રમાં આવતા બનિયાની ગામમાં તેમનું ઘર છે.
મનોહરલાલ ખટ્ટરના નામાંકનપત્ર પ્રમાણે બનિયાની ગામમાં તેમની આશરે છ વીઘા જમીન છે.
બુધવાર સવારે જ્યારે બીબીસીની ટીમ બનિયાની ગામમાં પહોંચી તો ખુલ્લામાં શૌચ કરીને પરત ફરી રહેલા આશરે 50 લોકો સાથે ગામની ઉત્તર દિશા સ્થિત તળાવ પાસે ચર્ચા થઈ.
આ લોકોએ જણાવ્યું કે તેઓ રોજ સવારે ગામના સ્મશાન ઘાટ પાસે આવેલાં ખાલી ખેતરોમાં શૌચ માટે જતા હોય છે.
80 વર્ષના એક વયોવૃદ્ધ વ્યક્તિએ કહ્યું, "ખુલ્લામાં શૌચ માટે જવાના કેટલાક ફાયદા છે."
"સવારે હરવા-ફરવાનું બહાનું મળી જાય. ઘરે જે ટૉઇલેટ છે, તેને બસ રાત્રે વાપરીએ છીએ. ગામના સીમાડાએ ખાલી ખેતરો છે, જ્યાં લોકો શૌચ માટે આવતા હોય છે."
લોકોએ અમને કહ્યું કે ખુલ્લામાં શૌચ માટે જનારાઓમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ અને બાળકો પણ છે.
દરેક ઘરમાં શૌચાલય- તે દાવાને પડકાર
માર્ચ 2018માં મુખ્ય મંત્રી ખટ્ટરના બનિયાની ગામને ઓડીએફ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. બીબીસીએ આ બાબતે ગામના સરપંચ બંસીલાલ વિજે સાથે વાત કરી હતી.
તેમણે દાવો કર્યો કે ગામનાં બધાં ઘરોમાં શૌચાલય છે જેને આધારે તેમના ગામને ગત વર્ષે જિલ્લા પ્રશાસન તરફથી ઓડીએફ સર્ટિફિટેકટ મળ્યું હતું.
બુધવારે સાબરમતી આશ્રમમાં દેશનાં અલગ-અલગ રાજ્યોથી આવેલા સરપંચોને પોતાના ગામને ખુલ્લામાં શૌચથી મુક્તિ અપાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. જેના માટે સરપંચ બંસી લાલ પણ ગુજરાત પહોંચ્યા હતા.
વર્ષ 2016માં ગામના સરપંચ બનેલા બંસીલાલે બીબીસીને કહ્યું, "બનિયાની ગામમાં આશરે આઠ હજાર લોકો રહે છે. દલિત બહુમતીવાળા આ ગામમાં પ્રજાપતિ, પંજાબી, રાજપૂત અને અન્ય જ્ઞાતિના લોકો પણ રહે છે. આ બધા લોકોનાં ઘરમાં શૌચાલય છે."
પરંતુ ગામમાં રહેતા અમુક પરિવારોએ ગ્રામ પંચાયતના આ દાવાને ખોટો ગણાવ્યો.
'ઘરમાં શૌચાલય નથી, બહાર જમીન પણ નથી'
બનિયાની ગામની સરકારી શાળા સામે રહેતાં 25 વર્ષનાં રેખાબહેન હાલમાં જ માતા બન્યાં છે અને પોતાના પરિવાર સાથે એક ઓરડાના મકાનમાં રહે છે.
તેમણે દાવો કર્યો કે ગત બે વર્ષમાં તેઓ ત્રણ-ચાર વખત શૌચાલય માટે ફૉર્મ ભરી ચૂક્યાં છે પરંતુ પ્રશાસન તરફથી તેમને કોઈ માહિતી મળી નથી.
તેમના મહોલ્લામાં રહેનારાં રિંકુ સિંહે અમને કહ્યું કે શૌચાલયની ફાળવણી સરપંચની પસંદગીથી થાય છે. તેમના મહોલ્લામાં 80થી વધારે લોકો રહે છે પરંતુ ત્રણ શૌચાલય છે.
રેખાબહેન તરફ ઇશારો કરતા રિંકુએ કહ્યું, "અમારા મહોલ્લાની કેટલીક મહિલાઓને ખુલ્લામાં શૌચ માટે જવું પડે છે."
"પરંતુ નવી માતાને ખુલ્લામાં શૌચ માટે જવાથી કેટલીય બીમારી થવાનો ખતરો રહે છે."
"એટલે રેખાબહેન પાડોશીનું ટૉઇલેટ વાપરે છે જે તેમણે પોતાના ખર્ચે બનાવ્યું છે. એ પહેલાં તેમણે ઘણી વખત ફૉર્મ ભર્યું હતું પરંતુ સરપંચે કોઈ જવાબ આપ્યો નહીં."
આ ગલીના છેડે 65 વર્ષનાં ચંદ્રપતિનું જર્જર મકાન છે. તેમની આંખોનો પ્રકાશ નહિવત્ રહ્યો છે અને પુત્રથી દૂર થવાને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.
તેમણે કહ્યું, "વૃદ્ધ થઈ ગઈ છું એટલે રાત્રે ખેતરે જવામાં બીક લાગે છે. આંખે બહુ દેખાતું નથી એટલે રાત્રે ઘરમાં જ શૌચ કરવી પડે છે."
"પછી સવારે તેને ઉપાડીને ખેતરમાં ફેકી દઈએ છીએ. અમારી જમીન નથી એટલે જમીન માલિકો અમને પોતાનાં ખેતરમાં બેસવા નથી દેતા. "
"કેટલીક વાર તેઓ વઢીને કાઢી મૂકે છે. શૌચાલય માટે ફૉર્મ ભર્યું, ફોટો પાડીને લઈ ગયા છે. ત્યાર પછી શું થયું એ ખબર નથી."
ઓડીએફના આંકડા માત્ર માહોલ બનાવવા માટે?
ગામલોકોના દાવાને આધાર માનીને અમે રોહતક જિલ્લાના એડીસી અજય કુમાર સાથે વાત કરી હતી.
અમે તેમને પૂછ્યું કે જ્યારે બધાં ઘરમાં શૌચાલય નથી તો બનિયાની ગામને 100 ટકા ઓડીએફનું સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું? શું આના માટે કોઈ તપાસ કે નિરીક્ષણ કરવામાં નથી આવતું?
અજય કુમારે કહ્યું, "વર્ષ 2017-2018માં રોહતક જિલ્લાની 139 ગામ સભાઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે કે કોઈ ગામના લોકો ખુલ્લામાં શૌચ નથી કરતા."
"બધાં ગામનાં દરેક ઘરમાં શૌચાલય બનાવવામાં આવ્યાં છે. પરંતુ ગત બે વર્ષમાં નવાં ઘર બન્યાં હોય તો બની શકે કે તેમાં શૌચાલય ન હોય."
પરંતુ શું આ પરિસ્થિતિને સરકાર સાર્વજનિક રૂપે સ્વીકાર કરી રહી છે?
આ પ્રશ્નનો જવાબ અજય કુમારે ન આપ્યો.
તપાસના સવાલ પર તેમણે કહ્યું, "ગ્રામ સરપંચોના દાવાની તપાસ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવતી થર્ડ પાર્ટી કરે છે."
"તેઓ ગામોનો સર્વે કરે છે અને તેમના રિપોર્ટના આધારે અમે સર્ટિફિકેટ આપીએ છીએ."
"ઓડીએફ સર્ટિફિકેટ હાંસલ કરવા માટે દરેક ઘરમાં શૌચાલય હોવું એક જરૂરી શરત છે અને લોકો ખુલ્લામાં શૌચ માટે તો નથી જતા, એ જોવાનું અમારું કામ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો