નરેન્દ્ર મોદીએ કહ્યું, 'સ્વચ્છ ભારત અભિયાનથી 75 લાખ લોકોને રોજગારી મળી'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં ભારતને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરી દીધો છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના 20 હજાર સરપંચોએ ભાગ લીધો હતો.

મોદીએ ગાંધીજીની ધરતી ગુજરાતથી 150મી ગાંધીજયંતીના અવસરે ભારતને ODF જાહેર કરી દીધો છે.

વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે યુનિસેફના એક અનુમાન મુજબ છેલ્લાં 5 વર્ષોમાં સ્વચ્છ ભારત અભિયાનને કારણે ભારતની અર્થવ્યવસ્થા પર 20 લાખ કરોડ રૂપિયાથી વધારે સકારાત્મક પ્રભાવ પડ્યો છે.

તેમણે કહ્યું કે આ અભિયાનને કારણે 75 લાખથી વધારે રોજગારનું સર્જન પણ થયું છે.

આ કાર્યક્રમમાં મોદી સાથે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હતા.

આ પહેલાં વડા પ્રધાન મોદીએ સ્મારક ટિકિટો અને 40 ગ્રામનો શુદ્ધ ચાંદીનો સિક્કો મહાત્મા ગાંધીને અર્પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મોદીએ ભારતને ખુલ્લામાં શૌચથી મુક્ત કરાવવા માટે યોગદાન આપનારા લોકોનું સન્માન પણ કર્યું.

સિંગલ યૂઝ પ્લાસ્ટિક અંગે શું કહ્યું?

વડા પ્રધાન મોદીએ કહ્યું કે એવું જોવા મળી રહ્યું છે કે પ્લાસ્ટિકની કૅરી બૅગનો ઉપયોગ ઝડપથી ઘટી રહ્યો છે. મને એ પણ જાણકારી છે કે આજે દેશભરમાં લોકોએ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાનો સંકલ્પ લીધો છે.

તેમણે કહ્યું કે આ સંકલ્પથી પર્યાવરણને ફાયદો થશે, આપણા શહેરના રસ્તાઓ અને ગટરો બ્લૉક થવાની મુશ્કેલી હલ થશે. આપણા પશુઓ અને દરિયાઈ જીવોની પણ રક્ષા થશે.

મોદીએ કહ્યું કે હું ફરી કહી રહ્યો છું કે આપણા આ આંદોલનનો મૂળ વ્યવહાર પરિવર્તન છે. આ પરિવર્તન સ્વયં હોય છે. સંવેદના હોય છે. આ જ શિખામણ આપણને ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીથી મળે છે.

મોદીએ અમદાવાદ ઍરપૉર્ટ પર ભાજપના કાર્યકરોને પણ સંબોધ્યા હતા અને તેમણે અમેરિકાના પ્રવાસની વાતો અને ભારતની પ્રગતિની વાત કરી હતી.

આ ઉપરાંત તેમણે અમેરિકાના હ્યૂસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં તેની સફળતાની વાતો કહી હતી.

તેમણે અહીં બોલતા કહ્યું કે કે ગાંધી આજે છે અને આવતીકાલે પણ રહેશે.

ગાંધીજયંતીને લઈને ગુજરાતનાં વિવિધ શહેરો અને તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ઍરપૉર્ટ બાદ વડા પ્રધાન મોદી ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે ચરખા કેન્દ્રની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત તેમણે આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

ગુજરાત આવતાં અગાઉ તેઓએ ટ્વીટ કર્યું હતું, "હું સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશ. તેમજ સાંસ્કૃતિક નવરાત્રીમાં પણ સામેલ થઈશ. નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિનાં દર્શન થાય છે."

અગાઉ વડા પ્રધાન મોદીએ દિલ્હીમાં ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પર પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

વડા પ્રધાન મોદીએ ગાંધીજયંતી પર ટ્વીટ કર્યું, "શાંતિ, સદભાવના અને ભાઈચારા પ્રત્યે ગાંધીજીની પ્રતિબદ્ધતા અતૂટ રહી. તેઓએ એક એવી દુનિયાની કલ્પના કરી, જ્યાં ગરીબથી ગરીબ વ્યક્તિ પણ સશક્ત થાય."

મુખ્ય મંત્રી વિજય રૂપાણી ગાંધીજયંતીએ મહાત્મા ગાંધીના જન્મસ્થાન પોરબંદર પહોંચ્યા હતા.

તેઓએ કીર્તિમંદિર ખાતે આયોજિત પ્રાર્થનાસભામાં હાજરી આપીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમજ તેઓએ 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન અંતર્ગત સફાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સાફસફાઈ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો