You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ઈસરોએ જાહેર કરી છે વિક્રમ લૅન્ડરની આ થર્મલ ઇમેજ? - ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયામાં અંતરીક્ષમાંથી લેવાયેલી ચંદ્રની સપાટીની એક તસવીરને ઈસરો દ્વારા જાહેર કરવામાં આવેલી 'વિક્રમ લૅન્ડર'ની કહીને શૅર કરવામાં આવી રહી છે.
આ વાઇરલ તસવીર શૅર કરીને લોકો એ પણ દાવો કરી રહ્યાં છે કે 'ચંદ્રનું પરિભ્રમણ કરી રહેલાં ઑર્બિટરે વિક્રમ લૅન્ડરની આ થર્મલ તસવીર લીધી છે'
47 દિવસનો લાંબો પ્રવાસ ખેડીને શનિવાર, 7 સપ્ટેમ્બર, 2019એ જ્યારે ચંદ્રયાન-2નું વિક્રમ લૅન્ડર ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમિટરના અંતરે હતું, ત્યારે તેનો ઈસરોના બેંગ્લુરુ સેન્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
મંગળવાર સવારે ઈસરોએ પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર ટ્વીટ કરીને આ સૂચના આપી હતી કે "ચંદ્રયાન-2ના ઑર્બિટરે વિક્રમ લૅન્ડરનું લોકેશન મેળવ્યું છે."
પરંતુ તેની સાથે હાલ સુધી સંપર્ક સ્થાપી શકાયો નથી. વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક કરવાના પ્રયત્નો હજુ ચાલુ છે."
આ પહેલાં રવિવારે ઈસરોના પ્રમુખ કે સિવને ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે, "ઈસરોને ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડરની તસવીર મળી છે."
"ઑર્બિટરે વિક્રમ લૅન્ડરની થર્મલ ઇમેજ લીધી છે અને જેને જોઈને લાગી રહ્યું છે કે વિક્રમ લૅન્ડરે ચંદ્ર પર હાર્ડ લૅન્ડિંગ કર્યું છે."
પરંતુ જે તસવીર સોશિયલ મીડિયા પર વિક્રમ લૅન્ડરની કહીને શૅર કરવામાં આવી રહી છે તે ભ્રામક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈસરોએ પોતાની સત્તાવાર વેબસાઈટ દ્વારા, સત્તાવાર ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ અથવા પછી કોઈ પ્રેસ રિલીઝ દ્વારા વિક્રમ લૅન્ડરની કોઈ તસવીર જાહેર કરી નથી.
વાઇરલ ફોટોનું સત્ય
રિવર્સ ઇમેજ સર્ચ કરતાં ખબર પડે છે કે જે તસવીરને 'ભારતીય ઑર્બિટર દ્વારા લેવામાં આવેલી વિક્રમ લૅન્ડરની થર્મલ ઇમેજ' કહીને શૅર કરવામાં આવી રહી છે. તે ખરેખર અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાના 'ઍપોલો-16'ની તસવીર છે.
18 જૂન 2019એ નાસાએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર એક ફીચર સ્ટોરી પબ્લિશ કરી હતી જેમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ફીચર સ્ટોરી મુજબ આ ઍપોલો-16ની લૅન્ડિંગ સાઈટની તસવીર છે.
નાસાનું 'ઍપોલો-16' લૂનર લૅન્ડિંગ મિશન 16 એપ્રિલ 1972એ 12 વાગેને 54 મિનિટે અમેરિકાના ફ્લોરિડામાં આવેલાં કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.
આ ચંદ્ર પર ઉતરવા માટે નાસાના મિશનની આગેવાની કમાન્ડર જૉન ડબ્લ્યૂ યંગ કરી રહ્યા હતા.
નાસાના ઍપોલો-16 મિશન દરમિયાન ત્રણ અંતરીક્ષયાત્રીઓએ ચંદ્ર પર કુલ 71 કલાક, બે મિનિટનો સમય પસાર કર્યો હતો.
આ દરમિયાન અંતરીક્ષયાત્રીઓએ 20 કલાક, 14 મિનિટમાં કુલ ત્રણ અલગ અલગ તબક્કામાં ચંદ્ર પર ધીમે ધીમે ચાલ્યાં હતા. 11 દિવસનું નાસાનું આ મિશન 27 એપ્રિલ 1972એ પૂર્ણ થયું હતું.
ઈસરો અને કે સિવનના ફૅક એકાઉન્ટ
સોશિયલ મીડિયા(ખાસ કરીને ટ્વિટર) પર છેલ્લાં કેટલાંક દિવસોમાં ભારતીય સ્પેસ એજન્સી અને ઈસરોના પ્રમુખ કે સિવનના નામ પરથી ફૅક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું જેની સાથે એ દાવો કરવામાં આવી રહ્યો છે કે તે તેમનું સત્તાવાર એકાઉન્ટ છે.
પરંતુ ઈસરોએ ચોખવટ કરી છે કે આ તમામ પ્રોફાઇલ અને એકાઉન્ટ ખોટા છે.
ઈસરોની સત્તાવાર વેબસાઈટ પર પબ્લિશ થયેલી અપડેટ મુજબ કે સિવનનું સોશિયલ મીડિયા પર કોઈ પર્સનલ એકાઉન્ટ નથી. તેમની તસવીરવાળા ખોટા એકાઉન્ટ પરથી આપવામાં આવેલી માહિતી પર વિશ્વાસ ન કરો.
આની સાથે જ ઈસરોએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર સંગઠનનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ અને યૂ-ટ્યૂબ લિંક જાહેર કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો