કલમ 370ની નાબૂદીના છ સપ્તાહ બાદ કાશ્મીરમાં કેવી છે સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરવા માટે નિર્દેશ કર્યો છે અને મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જરૂર પડે તો પોતે કાશ્મીર જશે એવું પણ તેમણે કહ્યું છે.
ભારત સરકારે કાશ્મીરનો આર્ટિકલ 370 હેઠળનો વિશેષ દરજ્જો દૂર કર્યો એ વાતને છ સપ્તાહ થઈ ગયાં છે. બીબીસી સંવાદદાતા યોગીતા લિમયેએ કાશ્મીરની મુલાકાત લીધી હતી.
હજી પણ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં તણાવની સ્થિતિ યથાવત્ છે. મોબાઇલ ફોન-ઇન્ટરનેટ હજુ પણ બંધ છે. રાજકીય નેતાઓ નજરબંદ છે.
સુરક્ષાદળોની સંખ્યા પણ રાજ્યમાં વધી રહી છે. જ્યારે બીજી તરફ સરકારવિરોધી પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણોના બનાવો પણ બની રહ્યા છે.
આ પ્રકારની ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા અને તેમનાં મૃત્યુનાં કારણો વિશે વિવાદ ચાલી રહ્યો છે.
આ દરમિયાન, આવી સ્થિતિનો શિકાર બનેલા પરિવારોની બીબીસી સંવાદદાતા યોગીતા લિમયેએ મુલાકાત લીધી અને રાજ્યના કેટલાક ભાગોમાં બાળકોને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યાના દાવાની પણ તપાસ કરી.
છ ઑગસ્ટે 17 વર્ષના અસરાર અહમદ ખાન તેમના ઘર પાસેના રસ્તા પર હતા અને તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
આ ઘટનાનાં ચાર સપ્તાહ બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. હોનહાર વિદ્યાર્થી ગણાતા અસરાર ખેલકૂદના પણ શોખીન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જોકે તેમના મૃત્યુ અંગે બે પરસ્પર વિરોધી દાવા કરાઈ રહ્યા છે.
તેમના પિતા ફિરદૌસ અહમદ ખાનનું કહેવું છે કે તેમનો દીકરો પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો અને એ જ વખતે તેમની આંખ પર ટિયરગેસનો કૅન વાગ્યો અને ગોળીના છરો વાગ્યો.
તેમની સાથે રમી રહેલા તેમના મિત્રોનું કહેવું છે કે સાંજે ડ્યૂટી પરથી પરત આવી રહેલા ભારતીય અર્ધસૈનિક દળના જવાનોએ તેની પર ગોળી ચલાવી.
અસરારના મેડિકલ રિપોર્ટમં લખ્યું છે કે ટિયરગેસ સેલના વિસ્ફોટને લીધે તેમનું મૃત્યુ થયું છે.
જોકે કાશ્મીરમાં ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લોનનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ સુરક્ષદળોના જવાનો પર પથ્થર ફેંકી રહ્યા હતા અન એમાંથી એક પથ્થર અસરારને વાગ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીર પોલીસે બીબીસીને જણાવ્યું કે તેઓ પણ સેનાના અધિકારીના નિવેદન સાથ સંમત છે.
પોલીસ હૉસ્પિટલના રિપોર્ટને શંકાસ્પદ ગણે છે અને આ મામલે વધારે તપાસની જરૂર હોવાનું જણાવે છે.
અસરારના પિતાએ બીબીસીને પૂછ્યું, "શું મોદી મારું દુખ અનુભવી શકે છે? શું તેઓ એ માટે માફી માગશે? શું તેમણે આ ઘટનાની નિંદા કરી?"
"કાલે વધારે લોકોનાં મૃત્યુ થશે. આજે કાશ્મીરમાં કોઈની કોઈ જ જવાબદારી નથી."
ભારત સરકારનું કહેવું છે કે કાશ્મીરમાં વિશેષ દરજ્જો હટાવાયા બાદ સુરક્ષાદળોની કાર્યવાહીમાં કોઈ પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















