કડવા-લેઉવા પટેલ સહિત 15 જ્ઞાતિઓને સરકારે બિનઅનામત વર્ગમાં મૂકી

નીતિન પટેલ સાથે વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારે બિન-અનામતી વર્ગની યાદીમાં 15 નવી જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે કહ્યું છે કે હિંદુ અને મુસ્લિમ સમાજની 15 એવી જ્ઞાતિ છે કે જેમને બિન-અનામતી વર્ગની યાદીમાં ઉમેરવામાં આવી છે.

અત્યાર સુધી 69 જ્ઞાતિ એવી હતી કે જેમને બિન અનામતી વર્ગની યાદીમાં સ્થાન પ્રાપ્ત હતું.

નવી યાદી પ્રમાણે લેઉવા તેમજ કડવા પટેલને પણ બિન-અનામતી વર્ગની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.

બિન-અનામતી વર્ગમાં સમાવેશ થયેલી જ્ઞાતિઓને રાજ્યમાં નોકરી કે શિક્ષણમાં અનામતના કોઈ ફાયદા મળતા નથી.

લેઉવા અને કડવા પટેલ સિવાય આ યાદીમાં શ્રી ગૌડ બ્રાહ્મણ, હિંદુ ખેડવા બ્રાહ્મણ, ગિરિનારાયણ બ્રાહ્મણ, દશા પાલીવાલ બ્રાહ્મણ, મહેશ્વરી વાણિયા, મહેશ્વરી અને હિંદુ જાટ ચૌધરીનો સમાવેશ થાય છે.

જ્યારે મુસ્લિમ જાતિઓમાંથી મુમના, હાલા મુસ્લિમ, આગરીયા મુસ્લિમ અને ભાડભુજા અને ભઠિયારા જેવી જાતિઓને આ યાદીમાં ઉમેરવામાં આવી છે.

line

લૅન્ડર વિક્રમ સાથે સંપર્કની આશા હજી પણ જીવંત

ડૉ. કે. સિવન

ઇમેજ સ્રોત, Getty Images

ઈસરો પ્રમુખ ડૉ. કે. સિવને કહ્યું છે કે ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમ સાથે સંપર્કની આશા હજુ પણ તૂટી નથી.

ડૉ. સિવને કહ્યું છે કે વૈજ્ઞાનિક હજુ પણ વિક્રમ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની લાઇફ પૃથ્વીના 14 દિવસ સમાન છે.

ડૉ. સિવને દૂરદર્શનને કહ્યું, "અમે લોકો સંપર્ક સાધવા પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રયાસ અમે આગામી 14 દિવસ સુધી કરીશું."

ઈસરોની યોજના ચંદ્રયાન-2ને વિક્રમ લૅન્ડરની મદદથી ચંદ્રની સપાટી પર સૉફ્ટ લૅન્ડિંગ કરાવવાની હતી પરંતુ બધું યોજના પ્રમાણે થઈ શક્યું નહીં.

શનિવારની સવારે લૅન્ડર વિક્રમનો લૅન્ડિંગ થતા પહેલા ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો.

ડૉ. સિવને દૂરદર્શનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ચંદ્રયાન-2ના સૉફ્ટ લૅન્ડિંગ માટે ચાર મહત્ત્વના તબક્કા હતા.

ત્રણ તબક્કા સફળતાપૂર્વક પાર કરી લેવામાં આવ્યા હતા પરંતુ અંતિમ તબક્કો સૌથી મહત્ત્વનો હતો અને તેમાં જ લૅન્ડર વિક્રમનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો.

line

ગણપતિ વિસર્જન દરમિયાન 10 લોકો ડૂબ્યા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગણપતિ વિસર્જન દરમિયાન ગુજરાતમાં 10 લોકો ડૂબી ગયા હોવાની ઘટના ઘટી છે.

ઇન્ડિયા ટૂડેના અહેવાલ પ્રમાણે અરવલ્લી તેમજ ખેડા જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમિયાન ઘટેલી બે અલગ અલગ ઘટનાઓમાં કુલ 10 લોકો ડૂબી ગયા છે.

અરવલ્લીની વાત્રક નદીમાં કુલ 6 લોકો ડૂબ્યા છે તેમજ ખેડાના કપડવંજ નજીક આવેલી મોહર નદીમાં કુલ 4 લોકો ડૂબી ગયા છે.

ધનસુરા પોલીસ સ્ટેશનના એક અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડૂબેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

line

બારામુલ્લામાં હુમલામાં બાળકી ઘાયલ

ઘાયલ થયેલા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ડીએનએમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં ફરી ઉગ્રવાદી હુમલો થયો છે. આ હુમલામાં એક પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા છે કે જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.

કાશ્મીર પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી છે, "ઉગ્રવાદીઓએ દંગેરપોરા, સોપોરમાં ફાયરિંગ કરીને ચાર લોકોને ઘાયલ કર્યા છે કે જેમાં ઉસ્મા જાનની એક બાળકીનો પણ સમાવેશ થાય છે. ઘાયલો હૉસ્પિટલ સારવાર હેઠળ છે અને દરેકની હાલત સ્થિર છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે."

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અઢી વર્ષીય બાળકીને સારવાર અર્થે દિલ્હી સ્થિત AIIMSમાં લાવવાના આદેશ આપ્યા છે.

line

અમેરિકાએ તાલિબાન સાથે સમજૂતી રદ કરી

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે શાંતિ સમજૂતીને રદ કરવાની ઘોષણા કરી છે.

ટ્રમ્પે એક બાદ એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે રવિવારના રોજ કૅમ્પ ડેવિડમાં તાલિબાની નેતાઓ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે ગુપ્ત બેઠકમાં ભાગ લેવાનો હતો પરંતુ હવે તેને રદ કરી દેવામાં આવી છે.

તેમણે કહ્યું છે કે કાબુલમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ બાદ આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.

આ બ્લાસ્ટમાં એક અમેરિકી સૈનિક સહિત 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ હુમલાની જવાબદારી તાલિબાને સ્વીકારી હતી.

અફઘાનિસ્તાન માટે વિશેષ અમેરિકી રાજદૂત ઝલ્મે ખલીલઝાદે ગત સોમવારના રોજ તાલિબાન સાથે 'સૈદ્ધાંતિક રૂપે' શાંતિ સમજૂતી થવાની ઘોષણા કરી હતી.

પ્રસ્તાવિક સમજૂતી અંતર્ગત અમેરિકા આગામી 20 અઠવાડિયાંની અંદર અફઘાનિસ્તાનથી પોતાના 5,400 સૈનિકોને પરત બોલાવવાનું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો