TOP NEWS: 'ખેડૂતોને મગફળીના પ્રતિ 20 કિલો 1 હજાર રૂપિયા ભાવ મળશે' -રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ખેડૂતોને આ વર્ષે પણ મગફળીના ભાવ ગત વર્ષ જેટલા જ મળશે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે મુખ્ય મંત્રીએ કહ્યું કે ખેડૂતોએ તેમના પાક માટે મળતી કિંમત અંગે ચિંતા કરવાની જરૂર નથી.
ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિરમાં ખેડૂતોને સંબોધતી વખતે દરમિયાન વિજય રૂપાણીએ કહ્યું, "આ વર્ષે ખૂબ સારો પાક થશે અને સરકાર 1,000 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે મગફળી ખરીદશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી."
તેમણે ઉમેર્યું કે મગફળી સિવાય બીજા અન્ય પાકના પણ ખેડૂતોને સારા ભાવ મળી રહેશે.

સરદાર સરોવર ડૅમને ભરવાની શરતો તોડી રહ્યું છે ગુજરાત?

ઇમેજ સ્રોત, Getty Images
નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમને ભરવાના સમયની શરતોના ઉલ્લંઘન મામલે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથે કેન્દ્ર સરકારને પત્ર લખી ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
ધ ટેલિગ્રાફના અહેવાલ અનુસાર કમલનાથે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને પત્ર લખ્યો છે અને જલદી આ મામલે બેઠક બોલાવવાની માગ કરી છે.
પોતાના પત્રમાં કમલનાથે કહ્યું છે કે નર્મદા કંટ્રોલ ઑથૉરિટી દ્વારા નક્કી કરવામાં આવેલી સમયસીમા પહેલાં જ ડૅમમાં પાણીનું સ્તર વધી ગયું છે.
પત્રમાં લખવામાં આવ્યું છે, "યોજના પ્રમાણે 31 ઑગસ્ટ 2019 સુધી સરદાર સરોવર ડૅમનું જળસ્તર 134 મીટર હોવાની જરૂર હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સપ્ટેમ્બરમાં ડૅમનું જળસ્તર 135 મીટર સુધી પહોંચવું જોઈએ. તો 15 ઑક્ટોબર 2019 સુધી ડૅમ 138.68 મીટર ભરાવવાની જરૂર છે."
કમલનાથે ગુજરાત સરકાર પર શરતોનું ઉલ્લંઘન કરવાનું આરોપ લગાવતા કહ્યું છે, "4 સપ્ટેમ્બર 2019ની બપોર સુધી આ જળસ્તર 135.47 મીટર સુધી પહોંચી ગયું હતું."
મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે ડૅમને સમય પહેલાં ભરી દેવાથી તેની અસર મધ્ય પ્રદેશની જનતા પર પડશે. કેમ કે ડૅમના મધ્ય પ્રદેશવાળા વિસ્તારમાં રાહત અને પુનઃવાસનું કામ ચાલી રહ્યું છે.
તેમના મતે જો ડૅમનું જળસ્તર સમય પહેલા વધી જશે તો તેની અસર રાહતકાર્યો પર પડશે.

કેન્દ્રમાં ભાજપે 'શાસનનું ગુજરાત મૉડલ' લાગુ કર્યું!

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રમાં ભાજપ સરકારે 'શાસનનું ગુજરાત મૉડલ' લાગુ કર્યું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે દિગ્વિજય સિંહે કહ્યું છે કે શાસનના ગુજરાત મૉડલનો ઉદ્દેશ નિર્દોષ લોકોને ફસાવવા અને અને તેમના પર ખોટા કેસ નોંધાવવાનો છે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ વિરુદ્ધ ઈડીની કાર્યવાહી પર સવાલના જવાબમાં કહ્યું કે કેન્દ્રની આ સરકાર દુશ્મનીને આગળ વધારી રહી છે.
તેમણે કહ્યું, "આ જે લોકો આજે સત્તામાં છે, તેઓ શાસનનું ગુજરાત મૉડલ લાગુ કરી રહ્યા છે. નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે. ખોટા કેસ દાખલ કરી રહ્યા છે. આવું જ તેમણે ગુજરાતમાં કર્યું હતું."

સમય પહેલાં ચૂંટણી વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ

ઇમેજ સ્રોત, Reuters
બ્રિટનની વિપક્ષી પાર્ટીઓએ વડા પ્રધાન બોરિસ જોન્સનની સમય પહેલા ચૂંટણી કરાવવાની માગનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
બોરિસ જોન્સન ઑક્ટોબરમાં યોજાનારા યૂરોપીય સંઘના સંમેલન પહેલાં સામાન્ય ચૂંટણી કરાવવા માગે છે પરંતુ વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સહમતી સધાઈ છે કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં તેનું સમર્થન નહીં કરે.
લેબર, લિબરલ ડેમોક્રેટ્સ અને પ્લાઇડ કુમરીનું કહેવું છે કે તેમના સાંસદ સોમવારના રોજ યોજાનારા મતદાનમાં ગેરહાજર રહેશે અથવા ફરી સમય પહેલાં ચૂંટણી કરાવવાના સરકારના પ્રસ્તાવ વિરુદ્ધ મત આપશે.
પરંતુ વડા પ્રધાન બોરિસ જોન્સનનું કહેવું છે કે પાર્ટીઓ આમ કરીને મોટી રાજકીય ભૂલ કરી રહી છે.
આ દરમિયાન હાઉસ ઑફ લૉર્ડ્સે 'નો-ડીલ બ્રેક્સિટ'ને રોકવા માટે બિલ પાસ કરી દીધું છે.

પશ્ચિમ બંગાળના પૂર્વ CM હૉસ્પિટલમાં દાખલ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા એક વર્ષથી બીમાર પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યને શ્વાસની સમસ્યાને પગલે કોલકાતાની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર બુદ્ધદેવ ભટ્ટાચાર્યની મુલાકાત લેવા મુખ્ય મંત્રી મમતા બેનરજી પણ હૉસ્પિટલે પહોંચ્યાં હતાં.
માહિતી પ્રમાણે બુદ્ધદેવ ભટ્ટાચાર્જીને શ્રેષ્ઠ સારવાર આપવા માટે પાંચ ડૉક્ટર્સની એક ખાસ મેડિકલ ટીમ ઊભી કરવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ વુડલૅન્ડ્સ મલ્ટીસ્પેશ્યાલિટી હૉસ્પિટલના નિવેદનનો હવાલો આપતા કહ્યું છે, "ભટ્ટાચાર્યને 8 વાગ્યા પછી હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમને શ્વાસની તકલીફ ઊભી થઈ હતી અને બ્લડ પ્રેશર પણ ઓછું હતું. તેમની હાલત થોડી ગંભીર છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












