You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હાલ અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ કેમ પડી રહ્યો છે?
ગુજરાતમાં હાલ અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ તથા દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને મધ્ય ગુજરાતના વડોદરા સહિતના જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે.
સ્કાયમેટ વેધરના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 66, કંડલામાં 65, અમદાવાદમાં 46, ઓખામાં 45, વેરાવળમાં 39 અને પોરબંદરમાં 21 મિલીમિટર વરસાદ પડ્યો છે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં 18 ટકા સરપ્લસ વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોસમનો 27 ટકા વધારે વરસાદ પડ્યો છે. હજી આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયાં હતાં અને પાણીના પ્રવાહમાં ભેંસો અને બાઇક પણ તણાયાં હતાં.
અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે ત્યાંનાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયાં છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.
આગામી દિવસોમાં ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.
મોટા ભાગે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે સ્કાયમેટ વેધરના રિપોર્ટમાં સુરત, વલસાડ, વડોદરા, રાજકોટ, પોરબંદર, વેરાવળ અને અમરેલી જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ થઈ વરસી રહ્યો છે. જે આવનારા દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે. જોકે, અતિભારે વરસાદની શક્યતા નથી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 સપ્ટેમ્બરના રોજ જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આટલો વરસાદ કેમ?
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિર થયું છે. જેના કારણે અરબ સાગર પરથી આવતા ભેજવાળા પવનો વાતાવરણમાં ભેજનો વધારો કરી રહ્યા છે.
આ પવનોનો વિસ્તાર દક્ષિણ ગુજરાતથી લઈને ઓડિશા સુધી ફેલાયેલો છે. જેથી આ વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે.
જ્યારે આ પવનનો ઑફ શૉર વિસ્તાર પણ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વિસ્તરેલો છે. જેથી આગામી દિવસોમાં ગુજરાતમાં હજી વરસાદ ચાલુ રહેશે.
જ્યારે બંગાળની ખાડીમાં પણ 3 સપ્ટેમ્બરની આસપાસ લૉ પ્રેશર ઊભું થયું હતું. જેના લીધી ઓડિશા, મધ્ય પ્રદેશ તથા અન્ય વિસ્તારોમાં વરસાદ ભારેથી અતિભારે વરસાદ થયો છે.
આ લૉ પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની મહેર ચાલુ રહી છે. જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો