ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પાકિસ્તાનથી ખુશ છે ખરા?

- લેેખક, શુમાઇલા ઝાફરી
- પદ, બીબીસી સંવાદવાતા, સ્કર્દુથી વિશેષ અહેવાલ
83 વર્ષના રુસ્મત અલી આ ઉંમરે પણ બહુ કામ કરતાં રહે છે. તેમના પુત્ર પાકિસ્તાનના કબજામાં રહેલા બાલ્ટિસ્તાનના સ્કર્દુ જિલ્લામાં મકાન ચણી રહ્યા છે. રુસ્તમ અલી અત્યારે ત્યાં ગયા છે. બાલ્ટિસ્તાનનો વિસ્તાર ભારતના લદ્દાખની સરહદે આવેલો છે.
રુસ્તમ અલીના પુત્રનું મકાન હજી તૈયાર થયું નથી. ઊંચા પહાડો વચ્ચે તેમનું મકાન ઉન્નત ઊભેલું દેખાય છે. રુસ્તમ પોતાના પૌત્રો સાથે વાતો કરતા જાય છે અને અધૂરા રહેલા મકાનના પ્લાસ્ટર પર પોતાની આંગળીઓ ફેરવતા ફેરવતા અચાનક રડવા લાગે છે.
રુસ્તમ ચલોંખા ગામના રહેવાસી છે. 1971 સુધી કારગિલ સૅક્ટરનું આ ગામ પાકિસ્તાનના કબજામાં હતું, પણ 1971ના યુદ્ધ વખતે ભારતે તેના પર કબજો કરી લીધો હતો.
રુસ્તમ રડતા-રડતા કહે છે, "મને મારું ઘર અને ગામ સતત યાદ આવે છે. મને આજેય બધું જ યાદ છે - પુલ, ફળોના બગીચા, રસ્તા બધું જ. રોજ રાત્રે સપનામાં હું ત્યાં જ પહોંચી જાઉં છું."
રુસ્તમ આમ કહે છે ત્યાં સુધીમાં તેના આંસુ ગાલ પર વહેવા લાગે છે.
રુસ્તમ એકલા આટલા ઉદાસ નથી. તેમના જેવા ડઝનબંધ પરિવારો છે જે ગિલગિટ-બાલ્ટિસ્તાનના ભારતપ્રશાસિત ગામોમાં રહે છે.
આ ગામો છેલ્લાં 50 વર્ષોથી ભારતના હિસ્સામાં છે. તેમના મનમાં આજેય આશા છે કે ક્યારેક તેઓ પોતાના પરિવારોને ફરીથી મળી શકશે.

'અમારી મિલકતો ભારત સરકાર કબજે ના કરે'

જોકે એવી આશા હવે ધીમે-ધીમે ભૂંસાવા લાગી છે. ખાસ કરીને ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 અને 35-A રદ કરી છે તે પછી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કલમ 370ના કારણે કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ, અલગ ધ્વજ અને વિશેષ રાજ્ય તરીકેની સ્વાયત્તતા હતી. સંરક્ષણ, વિદેશ સંબંધો અને સંદેશવ્યવહાર સિવાયની તમામ બાબતો જમ્મુ-કાશ્મીર રાજ્યના હસ્તક હતી.
એ જ રીતે કલમ 35-Aના કારણે જમ્મુ અને કાશ્મીરના કાયમી રહેવાસી હોય તે જ અહીં જમીન મિલકત ખરીદી શકતા હતા.
રુસ્તમ અલી અને તેમના જેવા હજારો શરણાર્થીઓ માટે તથા તેમની મિલકતો માટે કલમ 370 અને 35-A સુરક્ષા કવચ સમાન હતાં. તેમને લાગે છે કે તેમના અધિકારો હવે છીનવી લેવાયા છે.
રુસ્તમ અલી ડૂસકાં લેતાં કહે છે, "અમારી મિલકતો લેવાનો ભારત સરકારને કોઈ હક નથી. હું તેમને કહીશ કે અમારી મિલકતોથી દૂર જ રહેજો. અમે અમારા વિસ્તારમાં રાજાની જેમ રહેતા હતા. પણ હવે અમારું બધું જ છીનવી લેવાયું છે. અમે ભિખારી થઈ ગયા છીએ."
ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારત-પાકિસ્તાન વચ્ચેની હાલની અંકુશ રેખા પહેલાં જમ્મુ અને કાશ્મીર રજવાડાનો જ હિસ્સો હતાં. બાદમાં પાકિસ્તાને તેના પર કબજો કરી લીધો હતો અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સાથે તેને જોડી દેવાયા હતા.

ભારત, ચીન, પાકિસ્તાન... બધા માટે મહત્ત્વનું

ઇમેજ સ્રોત, Getty Images
અદ્વિતીય પ્રાકૃતિક સૌંદર્ય, બરફથી ઢંકાયેલા પહાડો, ખૂબસૂરત ખીણો અને ફળોથી લચેલી વાડીઓથી ગિલગિટ-બાલ્ટિસ્તાન અનોખા દેખાઈ આવે છે. પરંતુ તેની ભૌગોલિક સ્થિતિને કારણે તે ભારત અને પાકિસ્તાન બંને માટે મહત્ત્વના બની જાય છે.
આ વિસ્તારની ફરતે ચાર દેશો ભારત, પાકિસ્તાન, ચીન અને તઝાકિસ્તાનની સરહદો આવેલી છે. તેમાંથી ત્રણ અણુક્ષમતા ધરાવતા દેશો છે. એટલું જ નહીં, ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર (CPEC) માટે આ વિસ્તાર પ્રવેશદ્વાર સમાન છે.
સામાન્ય રીતે જોતા પાકિસ્તાનના કબજાના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સ્થિતિ કાબૂમાં દેખાય છે. જોકે અહીં પણ કેટલાક રાષ્ટ્રવાદીઓ પાકિસ્તાન સરકારનાં 'બેવડાં ધોરણો'થી નાખુશ જરૂર દેખાય છે.
સ્કર્દુના શાંત અને સુંદર પ્રદેશની વચ્ચે આવેલી એક હોટલમાં ત્રણ અલગ-અલગ રાષ્ટ્રવાદી જૂથોના પ્રતિનિધિઓ સાથે અમારી મુલાકાત થઈ. શબ્બીર મેહર, અલ્તાફ હુસૈન અને અલી શફા ત્રણેય આવાં જૂથોના પ્રતિનિધિ છે અને તેઓ જનતાનું સમર્થન મેળવવા માટે પ્રયત્નશીલ છે.
અમને મળ્યા ત્યારે ત્રણેયમાં રોષ અને કડવાશ દેખાઈ આવતાં હતાં.

'પાકિસ્તાન અમને બેવકૂફ બનાવે છે'

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રવાદી નેતા શબ્બીર મેહર ગિલગિટ-બાલ્ટિસ્તાન ડેમૉક્રેટિક ફ્રન્ટના નેતા છે.
તેઓ કહે છે, "પાકિસ્તાન આ વિસ્તારને પોતાનો ગણાવતા અચકાય છે. હંમેશાં એવું કહે છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન કાશ્મીર વિવાદ સાથે જોડાયેલો મામલો છે, તેથી તેનો ઉકેલ ના આવે ત્યાં સુધી સંપૂર્ણપણે તેનો સમાવેશ કરી શકાય નહીં. પણ વાસ્તવિકતામાં પાકિસ્તાન આનાથી ઉલટો જ વ્યવહાર કરે છે."
શબ્બીરનો દાવો છે કે આ પ્રદેશના લોકોને વિશેષ રાહત આપતો 35-A જેવો જ કાયદો હતો તે પાકિસ્તાને દાયકાઓ પહેલાં હઠાવી દીધો હતો.
તેઓ કહે છે, "35-A અને અમારો સ્ટેટ સબ્જેક્ટ રુલ (SSR) એક સરખાં જ હતાં. ભારતે સ્થાનિક લોકોના હક પર તરાપ મારવા 35-A ખતમ કરી નાખી. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં SSR ખતમ કરી દેવાયો છે."
"અમે બંનેની ટીકા કરીએ છીએ. પાકિસ્તાનમાં SSR અને જમ્મુ-કાશ્મીરમાં 35-A ફરીથી લાગુ થવાં જોઈએ.''
શબ્બીર રોષ સાથે કહે છે, "કોઈ ઓળખ વિના અમારી ત્રણ પેઢી પસાર થઈ ગઈ છે. અમારું ભાવી શું હશે તેની પણ અમને ખબર નથી. લોકો પાગલ થઈ ગયા છે. CPEC અમારી ભૂમિ પરથી પસાર થાય છે અને અમને તેમાં કશું મળી રહ્યું નથી."
રાષ્ટ્રવાદીઓનું માનવું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન માટે પાકિસ્તાનનું વલણ ન્યાયયુક્ત નથી.
બાલ્ટિસ્તાન યૂથ એલાયન્સના અલી શફા કહે છે, "તેઓ ગિલગિટ-બાલ્ટિસ્તાનના વિલિનિકરણનો દાવો કરીને 72 વર્ષોથી અમને બેવકૂફ બનાવી રહ્યા છે. અમારા સ્થાનિક નેતાઓ પણ તેમના અંગત હિતો ખાતર તેનો ઉપયોગ કરી રહ્યા છે."
"અમે અમારા હક માટે અવાજ ઉઠાવીએ તો અમને ગદ્દાર કહેવામાં આવે છે. કાશ્મીરીઓ માટે રડવાના બદલે તેઓએ અહીં SSR ફરીથી લાગુ કરવો જોઈએ. "
બલ્ટિસ્તાન યૂથ ફેડરેશનના નેતા અલ્તાફ હુસૈન પણ અલી શફાની વાત સાથે સહમત છે.
તેઓ કહે છે, "અમે કાશ્મીરીઓની લડાઈમાં તેમની સાથે છીએ અને ભારત સરકારે લીધેલા પગલાંની આકરી ટીકા કરીએ છીએ."
"અમારી માગણી છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ આ વિવાદગ્રસ્ત વિસ્તારોમાં જનમત લે. એ શક્ય ના હોય તો પાકિસ્તાને SSR અને ભારતે કલમ 370 ફરી લાગુ કરવી જોઈએ."
ગિલગિટ-બાલ્ટિસ્તાન બંને વિસ્તારો એક સમયે કાશ્મીરના મહારાજાના હસ્તક હતા.
જોકે પાકિસ્તાન હંમેશાં એવું કહેતું આવ્યું છે તેમની પાસે આ દાવાને સત્તાવાર ઠરાવે તેવા કોઈ રેકર્ડ્સ કે દસ્તાવેજો નથી. 1974માં જ પાકિસ્તાને બંધારણમાં સુધારો કરીને SSRને નકામો બનાવી કરી દીધો હતો.
આ બધી રાજકીય વિટંબણાથી દૂર નાયલા બતૂલ જેવા સરહદની આ તરફ વસેલા લોકો પોતાના પરિવારો માટે બહુ ચિંતામાં છે. નાયલા પણ કારગીલના ચલોંખા ગામથી છે. તેઓ પાંચ ઑગસ્ટ પછી પોતાના પરિવારનો સંપર્ક કરી શક્યાં નથી.
નાયલા ધ્રૂજતા અવાજે કહે છે, "અમને મીડિયામાંથી જે માહિતી મળે છે તેનાથી ચિંતા થાય છે. અમને ખબર નથી કે અમારા પરિવારની હાલત કેવી હશે. તેમને પકડી લેવાયા છે કે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, કર્ફ્યૂમાં છે કે બહાર છે, તેમની પાસે ખાવાનું કશુંક છે કે નહીં, સ્ત્રીઓ અને બાળકોની હાલત કેવી હશે...અમને કશી ખબર નથી. અમે સાવ જ નિઃસહાય થઈ ગયા છીએ.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














