દાહોદમાં પ્રેમીને બાંધી રાખીને પ્રેમિકા સાથે બે શખ્સોએ દુષ્કૃત્ય આચર્યું

    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દાહોદના રામપરા વિસ્તારની એક ઘટના સામે આવી છે, જેમાં 19 વર્ષીય એક યુવતીને તેમના પૂર્વ પ્રેમી દાહોદ આઈટીઆઈના દરવાજા પાસેથી 'તને પત્ની તરીકે રાખવાની છે' કહીને ધમકી આપીને જંગલ વિસ્તારમાં લઈ ગયા બાદ અજાણ્યા શખ્સો દ્વારા તેમની સાથે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું.

યુવતીના પરિવારે દાહોદ પોલીસમાં ફરિયાદના આધારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

આ અંગે માહિતી આપતાં દાહોદ પોલીસ એસ.પી. હિતેશ જોયસરે જણાવ્યું:

"આ શુક્રવારની ઘટના છે, એફઆઈઆર નોંધાઈ એના કલાકોમાં જ ચાર આરોપીઓને પકડી લેવાયા હતા."

પ્રાથમિક જાણકારી મુજબ ઘટનાક્રમ જણાવતાં એસ.પી. હિતેશ જોઇસરે જણાવ્યું:

"પીડિતાનો પૂર્વ પ્રેમી તેની ઇચ્છા વિરુદ્ધ જબરદસ્તી પોતાના બાઇક પર બેસાડીને રામપરાના જંગલ વિસ્તાર તરફ લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે."

"જ્યાં ત્રણ અજાણ્યા શખ્સમાંથી એકે આ પૂર્વ પ્રેમીના ગળા પર છરી રાખીને તેમને બાંધી રાખ્યા હતા."

"પૂર્વ પ્રેમી ઉપર આરોપ એ છે કે તેઓ યુવતીને મંજૂરી વિના તેને જબરદસ્તી બાઇક પર બેસાડીને રામપુરા જંગલ વિસ્તાર તરફ લઈ ગયા હતા."

અજાણ્યા શખ્સોએ આ યુગલને પકડ્યું કે પીછો કર્યો, તે અંગે સ્પષ્ટતા નથી.

આ અંગે એસ.પી.એ જણાવ્યું, "આ ઘટના બની તે ઘાસના મેદાનનો જંગલ વિસ્તાર છે, આસપાસ કોઈ રહેણાક નથી."

"આ ત્રણ અજાણી વ્યક્તિ તેમને સામેથી આવતા મળી હતી."

"તેઓ ત્યાં કઈ રીતે પહોંચ્યા કે ત્યાં કેમ ગયા હતા તે અંગે તપાસ કરવામાં આવશે."

"ઉપરાંત આ ત્રણમાંથી બે લૂંટ અને ચોરીના ગુનાના રીઢા ગુનેગારો છે. તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે."

પીડિતાનાં માતાના જણાવ્યા અનુસાર "કૉલેજથી નીકળ્યાં બાદ છોકરાઓ તેમને ઉઠાવી ગયાં. તેમને જબરદસ્તી જંગલમાં લઈ જઈને તેનો મોબાઇલ લઈ લીધો."

"ત્યાં બીજા ત્રણ જણ મળ્યા, એ ત્રણ જણે મારી દીકરી સાથે બળાત્કાર કર્યો છે."

આ મુદ્દે દાહોદના ગ્રામ્ય પી.એસ.આઈ. પ્રવીણ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં ગૅંગરેપની ઘટનાઓ

વિધાનસભામાં જુલાઈ મહિનામાં બોરસદના ધારાસભ્ય રાજેન્દ્ર પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા ગૅંગરેપની માહિતી આપી હતી.

આ અંગેના ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, છેલ્લાં પાંચ વર્ષમાં 97 ગૅંગરેપની ઘટના બની છે, જેમાંથી 15 કેસ અમદાવાદમાં નોંધાયા હતા.

રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કુલ ઘટનાઓમાંથી 31 ટકા ઘટનાઓ ઘટી છે.

તેમજ અમદાવાદ અને સુરત (નવ ઘટનાઓ) બાદ પંચમહાલ જિલ્લો (સાત) સૌથી વધુ ઘટનાઓમાં ત્રીજા સ્થાને હતો.

જ્યારે વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરના પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે 97માંથી 49 કેસ છેલ્લા બે વર્ષમાં નોંધાયા છે.

1 ઑક્ટોબરથી 30 સપ્ટેમ્બર 2013-14 વચ્ચે 25 કેસ તેમજ વર્ષ 2016-17માં 24 કેસ થયા છે. આ કેસોમાં 408 આરોપીની ધરપકડ થઈ છે.

(આ સ્ટોરી માટે ગોધરાથી દક્ષેશ શાહના ઇનપુટ્સ મળેલાં છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો