સુરત દુષ્કર્મ કેસમાં ગુનેગારને આ પુરાવા સજા અપાવશે

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુરતના પાંડેસરામાં ખુલ્લા મેદાનમાં મળેલી 86 ઇજાઓવાળી દુષ્કર્મ પીડિત બાળકીનો હત્યારો પકડાયા પછી હવે આ કેસમાં નવા વળાંકો આવવા લાગ્યા છે.

પોલીસ રિમાન્ડ દરમિયાન હરસહાય ગુર્જરે કબૂલ કર્યું છે કે, પોતે લેબર કોન્ટ્રાક્ટર છે અને રાજસ્થાનથી એડવાન્સ પૈસા આપી ત્યાંના કોન્ટ્રાક્ટરો પાસેથી મજૂરોને સુરતમાં મજૂરી કરવા લાવતો હતો.

સુરતમાં મકાનોમાં ટાઇલ્સ લગાવવાનો કોન્ટ્રાક્ટર હરસહાય ગુર્જર રાજસ્થાનથી લાવેલા મજૂરોને ખાવા પીવા ઉપરાંત રહેવાની વ્યવસ્થા પણ કરી આપતો હતો.

પોલીસ રિમાન્ડ દરમિયાન હરસહાય ગુર્જરે કબૂલ કર્યું કે એ આ બાળકી અને તેની માતાને રાજસ્થાનના ગંગાપુરથી કુલદીપ નામના માણસ પાસેથી લાવ્યો હતો. પરંતુ આ મા દીકરી અંગે પોતે વધુ જાણતો નથી.

આ સમગ્ર કેસની તપાસ કરી રહેલા ઇન્વેસ્ટિગેટિવ ઓફસર અને સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર બી એન દવેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હરસહાય ગુર્જરે રાજસ્થાનથીઆ બાળકી અને તેની માતાને સુરત લાવ્યો હોવાની કબૂલાતના આધારે પોલીસની 3 ટીમ રાજસ્થાનના સવાઈ માધોપુરનાં કુંદકુરાકુદ ગામ તથા ગંગાપુર ગઈ છે."

"અલગ અલગ જગ્યાએ ગયેલી આ ટીમ અત્યારે કુલદીપ નામની ત્યાંની વ્યકિતને શોધી રહી છે."

"ગુર્જરે કરેલા કુલદીપના વર્ણનના આધારે તેનો સ્કેચ બનાવવામાં આવ્યો છે અને તે જે સંભવિત સ્થળોએ હોઈ શકે તે તમામ જગ્યાઓ પર તપાસ ચાલી રહી છે."

શું તમે આ વાંચ્યું?

પોલીસ રિમાન્ડ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, નવા બની રહેલાં મકાનોમાં ટાઇલ્સના ફિટિંગનું કામ કરતો હરસહાય ગુર્જર સસ્તા મજૂર મળી રહે તે માટે રાજસ્થાનથી ગરીબ મહીલાઓને અહીં મજૂરી કામ માટે લાવતો હતો.

હાલ રિમાન્ડ ચાલુ હોવાથી સમગ્ર ઇન્વેસ્ટિગેશન પર અસર ન થાય તે માટે ઇન્સ્પેક્ટર દવેએ વધુ-વધુ વિગતો આપવાનો ઇન્કાર કરતા બીબીસીને કહ્યું કે, "હરસહાય ગુર્જર સાથે આ મહિલા અને બાળકી રહેતા હોવાના અમને નજરે જોનારા સાક્ષીઓ અને અન્ય પુરાવા મળ્યા છે. જેના આધારે તપાસ થઈ રહી છે, અને કુલદીપને ટ્રેક કરવો આસાન થઈ રહ્યો છે."

આવનારા ત્રણેક દિવસમાં હરસહાય ગુર્જરને મદદ કરનાર વધુ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવશે.

આ ગુર્જર અહીં તેમને મજૂરી માટે લાવીને કેવી રીતે શોષણ કરતો હતો તે પણ જાણી શકાશે અને આ હત્યામાં તેને મદદ કરનારને પણ નજીકના સમયમાં પકડી લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છ એપ્રિલે પાંડેસરાના ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી બાળકીની લાશ મળી તે પહેલાં એક મહીલાની લાશ મળી હતી.

આ મહિલા પાંડેસરાની સોમેશ્વર સોસાયટીમાં રહેતી હતી. ત્યાંથી લોહીના ડાઘ અને કપડાં મળી આવ્યાં છે.

સુરત સિવિલ હોસ્પિટલના ડૉ. ગણેશ ગોવિતકરે પોસ્ટમોર્ટમ બાદ બાળકી પર થયેલી જાતીય અત્યાચારના પુરાવાના સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા હતાં તેની સાથે આ મહીલા જ્યાં રહેતી હતી, તે સ્થળેથી મળેલા લોહીના નમૂના પણ મોકલ્યા હતાં, જેનો ડીએનએ ટેસ્ટ કરાયો છે.

આરોપીના રિમાન્ડ ચાલુ હોવાથી ડીએનએ ટેસ્ટના પરિણામ પર પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરતાં ગાંધીનગર એફએસએલના અધિકારી અતુલ સંઘવીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "તમામ રિપોર્ટ પોલીસને સબમીટ કરી દેવાયા છે."

આ કાનૂની પ્રક્રિયા હોવાથી સબજ્યુડિસ મેટર છે પરંતુ ડીએનએ ટેસ્ટના નમૂના પોલીસ તપાસમાં મહત્ત્વના સાબિત થશે તેમાં શંકાને સ્થાન નથી.

તો બીજી તરફ સુરત શહેરના પોલીસ કમિશનર સતીષ શર્માએ રિમાન્ડ ચાલુ હોવાથી તપાસ પર અસર થવાની સંભાવનાને ધ્યાને રાખી બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમને મળેલા પુરાવા, સાક્ષીઓ અને સાયન્ટિફિક પુરાવાને જોતા જરૂર પડે તપાસ બાદ હ્યુમન ટ્રાફિકિંગનો ગુનો દાખલ કરતાં પણ પોલીસ અચકાશે નહીં.

અત્રે લ્લેખનીય છે કે પોલિસે સીસીટીવી કેમેરાના આધારે જીજે-5 8520 નંબરની કાળી શેવરોલેટ કાર પકડી હતી.

જેના માલિક રામ નરેશે આપેલી માહિતી પ્રમાણે એની કારમાં જ ગુર્જર બાળકીની લાશ પાંડેસરા મેદાનમાં નાખી આવ્યો હતો.

રામ નરેશની જુબાનીના આધારે ગુર્જરની ધરપકડ થઈ છે. પરંતુ પોલીસને આશા છે કે, રાજસ્થાનના લેબર સપ્લાયર કુલદીપની ધરપકડ બાદ હત્યા કરાયેલી બાળકી અને મહીલાના પતિ સુધી પહોંચી શકાશે.

દરમિયાનમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “પોલીસ તપાસ ઝડપથી પૂરી થઈ રહી છે. વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવા મળ્યા છે. આરોપીઓ ઝડપાયા બાદ સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે, જેથી માતા અને દીકરીના હત્યારાને ઝડપથી સજા થઈ શકે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો