You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર : નરેન્દ્ર મોદીએ 1992માં લાલ ચોકમાં તિરંગો ફરકાવવામાં શું ભૂમિકા ભજવી હતી?
કલમ 370 હટાવાઈ તે પહેલાં હંમેશા શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવાની વાત થતી આવી હતી.
26 જાન્યુઆરી 1992ના ગણતંત્ર દિવસે ભાજપના નેતા મુરલી મનોહર જોશીની આગેવાનીમાં લાલ ચોકમાં ભારતીય ધ્વજ લહેરાવાયો હતો.
તેના માટે ડિસેમ્બર 1991થી કન્યાકુમારીથી 'એકતા યાત્રા'ની શરૂઆત કરવામાં આવી હતી.
દેશના જુદા જુદા રાજ્યોમાં ફરીને એકતા યાત્રા કાશ્મીર પહોંચી હતી.
મુરલી મનોહર જોશી સાથે તે વખતે નરેન્દ્ર મોદી પણ હતા.
ગત પાંચ ઑગસ્ટે વર્તમાન નરેન્દ્ર મોદી સરકારે કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો.
આ નિર્ણય બાદ મુરલી મનોહર જોશી શું માને છે અને તેમની 'એકતા યાત્રા'માં નરેન્દ્ર મોદીએ કેવી ભૂમિકા ભજવી હતી તે સહિતની બાબતો જાણવા માટે બીબીસીના સંવાદદાતા વિનીત ખરેએ તેમની સાથે વાતચીત કરી હતી.
1991માં એકતા યાત્રા કાઢવામાં આવી તેની પાછળનો ઉદ્દેશ શું હતો?
એકતા યાત્રાનો ઉદ્દેશ બહુ સ્પષ્ટ હતો. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક વર્ષોથી જે સ્થિતિ હતી તે લોકોને પરેશાન કરી રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાંથી સમાચારો આવતા રહેતા. હું ત્યારે પક્ષમાં મહામંત્રી હતો. એવું નક્કી કરાયું કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો સર્વે કરવામાં આવે.
કેદારનાથ સાહની, આરિફ બેગ અને હું એમ ત્રણ લોકોની સમિતિ બની. અમે 10-12 દિવસ સુધી જમ્મુ-કાશ્મીરમાં ઠેર ઠેર ફર્યા. ત્રાસવાદીઓને તાલીમ અપાતી હતી તે અડ્ડાઓ પણ જોવા ગયા.
કાશ્મીરી પંડિતો રહેતા હતા તે છાવણીઓની પણ મુલાકાત લીધી. ખીણમાં ભારત વિરાધી પ્રવૃત્તિઓ થઈ રહી હતી તેને પણ જોઈ.
બીજી બાજુ નેશનલ કૉન્ફરન્સમાં બે જૂથો વર્ચસ્વ માટે સામસામે આવી ગયા હતા. પોતાનામાંથી કોણ વધારે ભારતવિરોધી છે એવું સાબિત કરવાની હોડ બંને જૂથો વચ્ચે લાગી હતી.
એવો કંઈક માહોલ ત્યાં બન્યો હતો. આ બધી સ્થિતિ વિશે અહેવાલ તૈયાર કરાયો અને અહેવાલ સરકારને સોંપી દેવાયો.
પક્ષમાં પણ તેના પર વિચાર કરવામાં આવ્યા હતો. રાજ્યમાં આઝાદી માટેની માગણી વધી રહી હતી.
દેશને એ સમજાવાની જરૂર હતી કે તેના કારણે દેશને કેવું નુકસાન થશે.
તેથી પક્ષની કારોબારીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે દેશમાં એક યાત્રા કાઢવામાં આવે, જે કન્યાકુમારીથી નીકળે અને કાશ્મીર સુધી પહોંચે.
ભારતના સાર્વભૌમના પ્રતીક તિરંગાનું ત્યાં અપમાન થઈ રહ્યું હતું એટલે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતના તિરંગાને કાશ્મીરમાં જઈને ફરકાવવાનો રખાયો હતો.
વિચારણા બાદ તેનું નામ એકતા યાત્રા રખાયું, કેમ કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી દેશને એક રાખવા માટે યાત્રા કાઢવામાં આવી હતી.
આ એક મોટી યાત્રા હતી. લગભગ બધા જ રાજ્યોમાંથી તે પસાર થઈ હતી.
તિરંગાને સન્માન મળે અને કાશ્મીરને ભારતથી અલગ થવા દેવામાં નહીં આવે તે ઉદ્દેશ હતો.
આ યાત્રાને બધા જ સમુદાયના લોકોનું સમર્થન મળ્યું હતું. લોકોએ અમને સેંકડો-હજારો ઝંડા આપ્યા અને ઇચ્છા વ્યક્ત કરી કે ત્યાં જઈને ફરકાવવા.
તે વખતે લાલ ચોક પર તિરંગો લહેરાવો કેટલો મુશ્કેલ હતો?
અમે ત્યાં તિરંગો લહેરાવ્યો તે પહેલાં ક્યારેય ત્યાં તિરંગો લહેરાવાયો નહોતો.
અમે 26 જાન્યુઆરીએ તિરંગો ફરકાવા માગતા હતા, કેમ કે શિયાળામાં રાજધાની બદલાઈ જાય છે.
લોકો પાસે ત્યાં ધ્વજ હતા નહોતા. મેં લોકોને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે અહીં તિરંગો મળતો જ નથી.
15 ઑગસ્ટે પણ ત્યાં બજારોમાં ઝંડા મળતા નહોતા. આવી સ્થિતિ હતી ત્યાં. યાત્રા પછી સ્થિતિમાં પરિવર્તન આવ્યું.
તમને જમ્મુ-કાશ્મીર હાઈવે પર જવા દેવાયા નહોતા અને હેલિકૉપ્ટરથી લઈ જવાયા હતા?
કેન્દ્ર સરકાર ગભરાઈ ગઈ હતી. તેમનું ચાલત તો મારી પહેલેથી જ ધરપકડ કરી લીધી હોત. પણ બહુ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું હતું એટલે એમ થઈ શક્યું નહીં.
ધરપકડ થઈ હોત તો યાત્રાને વધારે ટેકો મળ્યો હોત. ખેર, અમે ત્યાં પહોંચ્યા ત્યારે સવાલ એ હતો કે કેટલા લોકો લાલ ચોક સુધી જશે.
કેમ કે અમારી સાથે એક લાખ લોકોનો સમૂહ હતો. આટલી મોટી સંખ્યામાં લોકોને ત્યાં લઈ જવા મુશ્કેલ હતા.
રાજ્યપાલે કહ્યું કે આ સંભવ નથી અને બીજું ત્યાં આતંકવાદી હુમલાની ઘટનાઓ બહુ થઈ રહી હતી એટલે જોખમ પણ હતું.
બાદમાં નક્કી થયું કે થોડા લોકો લાલ ચોક જશે. 400થી 500 લોકોને લઈ જવાની વાત થઈ હતી, પણ એટલી સંખ્યામાં લોકોને ત્યાં લઈ જવા પણ મુશ્કેલ હતા.
તેથી એવું નક્કી થયું કે અટલજી અને અડવાણીજી જનસમૂહને સંભાળશે અને ફક્ત હું ત્યાં જઈશ.
એક કાર્ગો વિમાન ભાડે લેવાયું અને તેમાં 17થી 18 લોકો બેસીને ત્યાં ગયા.
અમારું વિમાન ઉતર્યું ત્યારે મેં જોયું કે સેનાના લોકોમાં ખૂબ ખુશી હતી. તેમનું કહેવું હતું કે તમે આવી ગયા તો ખીણ બચી ગઈ.
આવી સ્થિતિમાં અમે ત્યાં પહોંચ્યા અને 26 જાન્યુઆરીની સવારે લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો.
કોઈ ધમકી મળી હતી ખરી?
હા, ધમકીઓ મળી રહી હતી કે તમને મારી નાખીશું. કોઈ ત્યાંથી બચીને નીકળી શકશે નહી.
અમને અભદ્ર ગાળો પડી રહી હતી. તેમના ટ્રાન્સમિટર એટલા પાવરફૂલ હતા કે ચંદીગઢ અને અમૃતસરમાં પણ લોકો સાંભળી રહ્યા હતા.
અમે તિરંગો ફરકાવીને પરત ફર્યા ત્યારે ચંદીગઢમાં લોકોએ અમને આ વાત જણાવી હતી.
તે વખતે ત્યાં ભયનો માહોલ હતો અને તે લોકો ઇચ્છતા હતા કે અહીં કોઈ ઝંડો ફરકાવવા ના આવે.
ઝંડો ફરકાવતી વખતે લાલ ચોકમાં તમારી સાથે કોણ કોણ હતું?
બધાના નામ યાદ નથી, પણ કેટલાકના નામ યાદ છે. ચમનલાલ હતા, જેઓ ત્યાંના મુખ્ય કાર્યકર હતા.
તેઓ કદાચ ત્યારે જમ્મુ-કાશ્મીરના પક્ષના અધ્યક્ષ હતા. પક્ષના ઉપપ્રમુખ કૃષ્ણલાલ શર્મા સાથે હતા.
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાથે હતા. તેઓ યાત્રાના વ્યવસ્થાપક હતા.
મદનલાલ ખુરાના પણ હતા. પશ્ચિમ બંગાળ અને ગુજરાતના પણ કેટલાક લોકો હતા.
ઝંડો ફરકાવવાની વ્યવસ્થા કરવા માટે કેટલાક લોકો ત્યાં પ્રથમથી હાજર હતા. જોકે કોઈ સ્થાનિક લોકો તેમાં જોડાયા નહોતા.
તમે ત્યાં 15 મિનિટ રોકાયા હતા, તે દરમિયાન શું શું થયું હતું?
તે 15 મિનિટ દરમિયાન રૉકેટ ફાયર થઈ રહ્યા હતા. પાંચથી દસ ફૂટ દૂરથી ગોળીબાર પણ થઈ રહ્યો હતો.
બાજુમાં કોઈ જગ્યાએ બોમ્બ પણ ફેંકવામાં આવ્યો હતો.
તે સિવાય તે લોકો અમને ગાળો પણ દઈ રહ્યા હતા. જોકે અમે લોકોએ માત્ર રાજકીય જવાબો જ આપ્યા હતા.
તેઓ કહી રહ્યા હતા કે કાશ્મીર વિના પાકિસ્તાન અધૂરું છે. અમે લોકોએ અટલ બિહારી વાજપેયીની વાતને દોહરાવી કે પાકિસ્તાન વિના હિન્દુસ્તાન અધૂરું છે.
મેં એવું પણ કહ્યું કે લાલ ચોક પર તિરંગો અમે લહેરાવ્યો છે ત્યારે તેને સલામી આપવા માટે પાકિસ્તાની રૉકેટ અને ગ્રેનેડ ફેંકી રહ્યા છે.
તે લોકો અમારા ઝંડાને સલામી આપી રહ્યા છે.
તમે કહ્યું કે નરેન્દ્ર મોદી પણ તમારી સાથે હતા. તમે જણાવી શકશો કે તેમની ભૂમિકા શું હતી?
યાત્રા સફળ થાય તે માટેની વ્યવસ્થા તેમના હાથમાં હતી. યાત્રા બહુ લાંબી હતી.
અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રભારી હતા. તે બધા સાથે સંકલનનું કામ નરેન્દ્ર મોદીના હાથમાં હતું.
યાત્રા સરળતાથી આગળ વધતી રહે, લોકો અને વાહનોનો પ્રવાહ જોડાતો રહે, બધું સમયસર પાર પડે, તે બધું કામ નરેન્દ્ર મોદીએ બહુ કુશળતાથી કર્યું હતું.
જરૂર હોય ત્યાં તેઓ ભાષણ પણ આપતા હતા. યાત્રાના અભિન્ન અંગ તરીકે તેઓ શરૂઆતથી છેક સુધી સાથે રહ્યા હતા.
તમે તિરંગો લહેરાવ્યા બાદ સ્થિતિમાં શું ફરક પડ્યો?
જુઓ, તિરંગો ફરકાવાના કારણે સૌથી મોટી અસર સેનાના મનોબળ પર પડી. તેમનું મનોબળ મજબૂત થયું, કેમ કે તેમને લાગતું હતું કે તેઓ અહીં લડીને મરી રહ્યા છે.
જનતાનું મનોબળ પણ નીચે હતું. વાતાવરણ સારું નહોતું. રાજ્ય સરકારમાં સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો હતો.
તેનો ફાયદો ઉઠાવીને સમગ્ર કાશ્મીરનું વાતાવરણ ખરાબ કરવામાં આવી રહ્યું હતું. તિરંગો ફરકાવ્યા બાદ તાત્કાલિક સ્થિતિમાં પરિવર્તન આવ્યું.
લોકોને ભરોસો બેઠો કે આ મામલે દેશ અમારી સાથે છે. તેઓ કેવી મુશ્કેલીમાં છે તે દેશ સમજી રહ્યો છે એવું તેમને લાગ્યું.
પાકિસ્તાન તરફથી આતંકવાદ ફેલાવામાં આવી રહ્યો હતો. તે સ્થિતિને બદલવા માટેનો સંદેશ સમગ્ર દેશમાં પહોંચ્યો.
મને નથી લાગતું કે આ પ્રકારની જાગૃતિ અગાઉ ક્યારેય આવી હોય. તેના કારણે જનજાગરણનું કામ થયું અને કાશ્મીર ભારતનો જ હિસ્સો છે તે સંદેશ દેશના દરેક બાળક સુધી પહોંચ્યો.
370 હટાવવા માટે સરકારે જે પગલાં લીધાં, ટેલિફોન ઇન્ટરનેટ બંધ કરી દીધા, તે બધાને યોગ્ય માનો છો?
આ સરકારી નિર્ણય છે. સરકારે કયા આધારે અને કેવી માહિતી પ્રમાણે ઇન્ટરનેટ અને ટેલિફોન બંધ કર્યા તેની જાણકારી મારી પાસે નથી.
સરકારને માહિતી મળી હશે તે પ્રમાણે આ નિર્ણયો કરવામાં આવ્યા હશે. યોગ્ય લાગ્યું હશે તે સરકારે કર્યું છે. 370 હટાવવાનો નિર્ણય યોગ્ય છે.
તેના માટે બંધારણની જે પ્રક્રિયા અપનાવામાં આવી તે દેશની સામે જ છે. બંધારણ પ્રમાણે જ તે કરવામાં આવ્યું છે.
કાશ્મીર માટે સરકારે જે પણ પગલાં લીધાં છે તે તેમને મળેલી માહિતીના આધારે હશે અને તે કરવાનો સરકારને અધિકાર છે.
તંગદિલીભર્યા પ્રદેશની સુરક્ષાની જવાબદારી સરકારની હોય છે. સરકારે તે પ્રમાણે પગલાં લીધાં હશે.
ભારત એક લોકતાંત્રિક દેશ છે અને આટલો મોટો નિર્ણય લેતા પહેલાં તેની કોઈ ચર્ચા થઈ નહીં, સ્થાનિક નેતાઓ સાથે વાતચીત થઈ નહીં, તે બાબત કેટલી યોગ્ય?
ત્યાંના લોકો સાથે વાત કરવી કે ના કરવી, તે સરકાર વધારે સારી રીતે જાણે છે. પરંતુ 370 હટાવવા માટે સંસદમાં જે પ્રક્રિયા અપનાવાઈ છે તેને હું યોગ્ય માનું છું.
હવે સવાલ એ છે કે સ્થાનિક નેતાઓ સાથે વાત કેમ ના કરવામાં આવી. તો હું સવાલ કરીશ કે કટોકટી લગાવતી વખતે કેમ વાત કરવામાં નહોતી આવી.
અનેક સરકારોએ એવા અનેક નિર્ણયો લીધા છે, જેના વિશે થવી જોઈએ તેટલી વાતચીત ક્યારેય થઈ નહોતી.
લોકશાહીક સરકાર, જેની પાસે બહુમતી હોય, તેની પાસે કશું પણ કરવાનો હક છે.
સરકારના આ નિર્ણય સામે જનતામાંથી કોઈએ વિરોધ કર્યો નથી. આ બધી બાબતોને પણ ધ્યાને લેવી જોઈએ.
આમ છતાં ભારત જેવા લોકતાંત્રિક દેશમાં આટલો મોટો નિર્ણય સ્ટેક હોલ્ડર્સ સાથે વાત કર્યા વિના લેવો તેને તમે કઈ રીતે જુઓ છો?
દેખાવો થયા છે. ત્યાંના લોકોને પણ પોતાની વાત કરવાનો હક છે.
પરંતુ મારી માન્યતા પ્રમાણે તેમણે એ સમજાવવું જોઈએ કે આ નિર્ણય તેમના પણ હિતમાં છે.
હવે જવાબદારી સરકારની છે ત્યાં શાંતિ, લોકવિશ્વાસ અને સાંપ્રદાયિક સદભાવના ફરી સ્થાપિત થાય.
બીજા પક્ષોએ પણ આ માટે સરકારનો સાથ આપવો જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો