BMWને પાણીમાં પધરાવી દીધી કેમ કે જૅગુઆર ગિફ્ટમાં ન મળી

તમને ભેટમાં કોઈ બીએમડબ્લ્યૂ કાર આપે અને તમે તેને પાણીમાં પધરાવી દો? તમારો જવાબ ભલે ના હોય પણ હરિયાણામાં કંઈક આવી જ ઘટના ઘટી છે.

પોતાના જન્મદિનની ભેટમાં 'જૅગુઆર'ની આશ સેવી રહેલા એક યુવકની અપેક્ષા પૂર્ણ ન થતાં તેણે થોડા દિવસ પહેલાં જ પિતા દ્વારા ભેટ કરાયેલી બીએમડબ્લ્યૂ કારને નદીમાં પધરાવી દીધી.

આ કિસ્સો હરિયાણામાં ઘટ્યો હોવાનું સમાચાર સંસ્થા એએનઆઈનું જણાવવું છે.

આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં પાણીમાં ડૂબી રહેલી બીએમડબ્લ્યૂને જોઈ શકાય છે.

કેટલાક વીડિયોમાં સ્થાનિકો સાથે મળીને કારને પાણીમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરી રહેલો યુવક પણ જોઈ શકાય છે.

બીએમડબ્લ્યૂને પાણીમાં પધરાવી દેનારો યુવક મકરામપુરનો હોવાનું જણાવાયું છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે આ અંગે જણાવ્યું છે, "યુવકના પરિવારજોનું કહેવું છે કે તેની માનસિક સ્થિતિ સારી નથી અને બીએમડબ્લ્યૂ ગાડી નાની લાગતા તે જૅગુઆર માગી રહ્યો હતો."

મહત્ત્વપૂર્ણ છે કે ભારતમાં બીએમડબ્લ્યૂ કારની કિંમત 35 લાખની આસપાસ હોય છે. જ્યારે જૅગુઆર લગભગ 50 લાખમાં મળતી હોય છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં લોકો પ્રતિક્રિયા વ્યક્ત કરવા લાગ્યા હતા.

ચંદ્ર ઘોષ નામના એક યુઝરે જણાવ્યું કે 'બીએમડબ્લ્યૂ નહોતી જોઈતી તો મને ગિફ્ટ કરી દેવી હતી'

એક યુઝરે લખ્યું કે 'ગરીબને બે ટંક રળવામાં પણ મુશ્કેલી પડે છે ત્યારે એક પૈસાદાર છોકરો નવીનક્કોર ગાડી પાણીમાં પધરાવી દે છે. એનો ઉછેર કેવી રીતે કરાયો હશે?'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો