You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલમ 370 : અમિત શાહથી કાશ્મીરનો Top Secret પ્લાન ખુલ્લો પડ્યો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કાશ્મીર અંગે રાજ્યસભામાં નિવેદન આપવા માટે કૅબિનેટની બેઠકમાંથી શાહ સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમના હાથમાના કાગળે ફોટોગ્રાફરોનું ધ્યાન ખેંચ્યું હતું.
તસવીરને ઝુમ-ઇન કરતા મોદી સરકારની બંધારણીય, રાજકીય, આંતરરાષ્ટ્રીય, કાયદો અને વ્યવસ્થાને માટેની સમગ્ર વ્યૂહરચના ખુલ્લી પડી ગઈ હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
દસ્તાવેજમાં જમણી બાજુએ ઉપરની તરફ રહેલી Top Secretની નોંધને કારણે તેની વિગતો અંગે ચર્ચા શરૂ થઈ હતી.
અત્યાર સુધીના ઘટનાક્રમ ઉપર નજર કરીએ તો તે મુજબ જ થઈ રહ્યું છે અને આ કાર્યક્રમ મુજબ વડા પ્રધાન બુધવારે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.
જોકે, તેમાં રહેલી માહિતી Top Secret હતી કે કેમ તેની બીબીસી સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.
આ સિવાય ગુજરાતી ભાષાનાં ટાંચણ દ્વારા અમિત શાહ સંસદમાં શું બોલશે અને કયા ક્રમમાં બોલશે, તેનો ખુલાસો થઈ ગયો હતો.
શું છે Top Secret દસ્તાવેજમાં?
અમિત શાહના હાથમાં કાગળ હતો, જેની ઉપર 'Top Secret' એવી સૂચના મૂકવામાં આવેલી હતી.
આ દસ્તાવેજમાં આગામી દિવસોનો કાર્યક્રમ છે અને આઇટમના નેજા હેઠળ શું કરવું અને કોણે કરવું તેની નોંધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દસ્તાવેજ મુજબ વડા પ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિને જાણ કરવામાં આવશે.
પાંચમી ઑગસ્ટે વડા પ્રધાન દ્વારા કૅબિનેટની બેઠક યોજવામાં આવશે. ગૃહસચિવ દ્વારા રાષ્ટ્રપતિનો અધ્યાદેશ બહાર પાડવામાં આવશે.
ગૃહમંત્રી એટલે કે ખુદ શાહ દ્વારા પાંચમી ઑગસ્ટે તેને ગૃહમાં પસાર કરાવવામાં આવશે.
રાજ્યસભાની સુરક્ષા અંગે વડા પ્રધાન દ્વારા ઉપરાષ્ટ્રપતિ સાથે વાત કરવામાં આવશે. હોદ્દાની રુએ ઉપરાષ્ટ્રપતિ સંસદના ઉપલા ગૃહના વડા હોય છે.
જો બુધવારના ઘટનાક્રમ ઉપર નજર કરવામાં આવે તો એ મુજબ જ થયું છે.
હવે પછીનો Plan
તા. સાતમી ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવશે, એમ તારીખ સાથે નોંધવામાં આવ્યું છે.
આ સિવાય ગૃહમંત્રી દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવશે, વડા પ્રધાન તથા ગૃહમંત્રી દ્વારા એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)ના સંસદસભ્યોને સંબોધિત કરવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહ ભાજપના પ્રવક્તાઓને સંબોધિત કરશે, જેથી કરીને ટેલિવિઝન ચૅનલ્સ ઉપર ચર્ચા દરમિયાન ભાજપ તથા સરકારના પક્ષને સશક્ત રીતે રજૂ કરી શકાય.
આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ (સત્યપાલ મલિક), પંજાબ અને હરિયાણાના મુખ્ય મંત્રીઓ સાથે વાત કરવામાં આવશે.
આ સિવાયની આઇટમ્સમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામના મુખ્ય મંત્રીઓ સાથે વાત કરવાનો મુદ્દો હતો.
જોકે, તે કોના દ્વારા કરવામાં આવશે, તે મુદ્દો શાહની આંગળીઓ હેઠળ દબાઈ ગયો હતો.
સુરક્ષાનું Secret
દેશના કયા રાજ્યમાં સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે તથા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સંભવિત સ્થિતિ અંગે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.
આ સિવાય વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહસચિવ તથા વિદેશમંત્રી દ્વારા કરવાના કામો ક્રમબદ્ધ રીતે નોંધાયેલાં હતાં.
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કેન્દ્રીય ગૃહસચિવ (રાજીવ ગાઉબા)ને જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવશે.
આ સિવાય સુરક્ષાબળો દ્વારા સંભવિત 'આદેશના હિંસક અનાદર'ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, મધ્ય પ્રદેશ, આસામ, આંધ્ર પ્રદેશ તથા તેલંગણામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવી. આ કામ ગૃહસચિવે કરવાનું રહેશે.
ગુપ્ત દસ્તાવેજના પ્રથમ પન્ના ઉપર કુલ 17 મુદ્દા હતા, જેમાં છેલ્લો મુદ્દો વિદેશ પ્રધાન (એસ. જયશંકર) દ્વારા હાથ ધરવામાં આવશે.
સ્વાભાવિક રીતે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય કૂટનીતિ સંબંધિત હતો.
ગુજરાતીમાં નોંધ
અમિત શાહ સંસદમાં પહોંચ્યા, ત્યારે અન્ય એક કાગળ સાથેની તસવીરો પણ બહાર આવી હતી. આ કાગળમાં ગુજરાતીમાં ટૂંકી નોંધો ટપકાવવામાં આવી છે.
આ નોંધમાં શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા ખરડાઓ વિશેની ટૂંકી નોંધ હતી.
જે મુજબ 2019નો ઑર્ડર, અનુચ્છેદ 370 અંગે 'સુપરસીડ' જેવી અને જમ્મુ અને કાશ્મીરમાં રાજ્ય સરકારને જમીન તથા નોકરી સંબંધે વિશેષાધિકાર આપતા અનુચ્છેદ 35-એ અંગે કેટલીક નોંધ છે.
નીચે સૌથી અલગ રીતે મથાળા હેઠળ જમ્મુ અને કાશ્મીરને UT (મતલબ કે યુનિયન ટૅરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ) તથા લદ્દાખને કેન્દ્રશાસિત 'ક્ષેત્ર' સંબંધિત નોંધો મૂકવામાં આવી છે.
જો ક્રમની વાત કરવામાં આવે તો બુધવારે શાહે આ ક્રમમાં જ તેમના મુદ્દા રજૂ કર્યા હતા.
કાયદાનો ભંગ થયો?
ઑફિશિયલ સિક્રેટ્સ ઍક્ટ, 1923ની સેક્શન પાંચ હેઠળ ગુપ્ત માહિતીને ખુલ્લી પાડવા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે, જે મુજબ :
'જો કોઈ સરકારી પદ ધરાવતી વ્યક્તિ પાસે 'પ્લાન, લેખ, નોંધ, દસ્તાવેજ કે માહિતી' હોય, જેનાથી દેશની એકતા અને અખંડિતતા જોખમાય શકે તેવા પ્લાનની ગુપ્તતા રાખવામાં નિષ્ફળ રહે અને પ્લાન ખુલ્લો પડી જાય તો તેમને આ કલમ હેઠળ દોષિત ઠરશે તો ત્રણ વર્ષ સુધીની સજા કે દંડ અથવા બંને થઈ શકે છે.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો