'કાશ્મીરનો વિશેષાધિકાર સમાપ્ત કરવો ગેરબંધારણીય છે' : નૂરાની

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370માં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠકમાં તે અંગે નિર્ણય લેવાયો જેના અંગે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ઘોષણા કરી હતી.

આ આદેશ પર રાષ્ટ્રપતિએ પણ હસ્તાક્ષર કરી દીધા છે.

આ અંગે બીબીસીએ બંધારણના નિષ્ણાત એ. જી. નૂરાની સાથે વાતચીત કરી.

કલમ 370ને નાબૂદ થવા અંગે એ. જી. નૂરાનીએ પ્રતિક્રિયા આપતા કહ્યું, "આ એક ગેરકાયદેસર નિર્ણય છે. એક રીતે જોવા જઈએ તો આ દગાખોરી છે."

"બે અઠવાડિયાંથી તમે સાંભળી રહ્યા હતા કે પાકિસ્તાન તરફથી કાશ્મીરમાં હુમલો કરવા અંગે યોજના ઘડવામાં આવી રહી છે અને એ માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે."

"પરંતુ એ સમજાતું નથી કે જો પાકિસ્તાન તરફથી હુમલો થવાની આશંકા હતી તો અમરનાથ યાત્રીઓને કેમ હટાવવામાં આવી રહ્યા હતા."

"શું તમારી અંદર એટલી ક્ષમતા નથી કે પાકિસ્તાન તરફથી થનારા હુમલાને રોકી ન શકો. આ એ જ થયું જે શેખ અબ્દુલ્લાહ (જમ્મુ-કાશ્મીરના પહેલા મુખ્ય મંત્રી, તે સમયે તેમને વડા પ્રધાન તરીકે ઓળખવામાં આવતા હતા) સાથે થયું હતું. તેમની 8 ઑગસ્ટ 1953ના રોજ ધરપકડ થઈ હતી."

"તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ એક આર્મી ઑપરેશન અંતર્ગત તેમને હટાવીને તેમની ધરપકડ કરી હતી."

"તેમની જગ્યાએ બખ્શી ગુલામ મોહમ્મદને રાજ્યના નવા વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા."

"આ વખતે પણ એવું જ થયું એટલે કાશ્મીરના બધા નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી."

"એ પણ ભારતના સમર્થક નેતાઓને જેમણે ભાગલાવાદી નેતાઓથી વિપરીત હંમેશાં ભારતનો સાથ આપ્યો છે."

હવે સવાલ થાય છે કે શું મોદી સરકારના નિર્ણય બાદ કલમ 370 ખતમ થઈ ગઈ છે?

આ સવાલના જવાબમાં એ. જી. નૂરાની કહે છે, "આ એક ગેરકાયદેસર અને ગેર-બંધારણીય નિર્ણય છે."

"કલમ 370નો મામલો સ્પષ્ટ છે. તેને કોઈ નાબૂદ કરી શકે તેમ નથી. તેને માત્ર બંધારણ સભાના માધ્યમથી નાબૂદ કરી શકાય છે પરંતુ બંધારણ સભા તો 1956માં જ ભંગ કરી દેવાઈ હતી."

"હવે મોદી સરકાર તેને જબરદસ્તી ખતમ કરવા પ્રયાસ કરી રહી છે. તેનું વધું એક પાસું છે."

"બે પૂર્વ મંત્રીઓએ સ્પષ્ટ કહ્યું હતું કે જો તમે કલમ 370ને ખતમ કરશો તો તમે ભારત અને કાશ્મીર વચ્ચેની લિંકને જ ખતમ કરી નાખશો."

"તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ તેને ગેરકાયદેસર નહીં માને. સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેશે તે તો ખબર નથી."

"તેમણે કાશ્મીરને તોડ્યું છે કે જે શ્યામા પ્રસાદ મુખર્જી (જનસંઘના સંસ્થાપક)નો હંમેશાંથી ઉદ્દેશ હતો."

જમ્મુ કાશ્મીરમાં અનામતનું શું?

2004ના જમ્મુ કાશ્મીર રિઝર્વેશન ઍક્ટ અંતર્ગત નિયંત્રણ રેખા પર રહેતા લોકોને અનામત મળતી હતી. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સીમા પર રહેતા લોકોને પણ અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્યારે જમ્મુ-કાશ્મીરમાં અનામતને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે તે શું છે?

આ સવાલના જવાબમાં એ. જી. નૂરાની કહે છે, "આ નિર્ણય કેટલાક લોકોની દયા પ્રાપ્ત કરવા માટે લેવામાં આવ્યો છે."

ખરેખર તો તેની દાનત કંઈક બીજી જ છે. જ્યારથી જનસંઘ બન્યો છે, ત્યારથી તેઓ કલમ 370ને નાબૂદ કરવા માગતા હતા."

કલમ 35-Aને ખતમ કરવાનો શું મતલબ?

આર્ટિકલ 35A કલમ 370નો ભાગ છે જે કાશ્મીરને ખાસ દરજ્જો આપે છે.

જે રાજ્યને પોતાનું અલગ બંધારણ, અલગ ધ્વજ અને વિદેશી બાબતો, સુરક્ષા અને સંચાર સિવાયની બાબતોમાં સ્વતંત્રતા આપે છે.

પરંતુ હવે કલમ 370ની સાથે 35-A પણ નાબૂદ થઈ ગયો છે, અને હવે તેનો શું મતલબ છે?

આ અંગે એ. જી. નૂરાની જણાવે છે, "તેનો મતલબ સ્પષ્ટ છે કે કાશ્મીરની પોતાની ખાસ ઓળખ સંપૂર્ણપણે ખતમ થઈ જશે."

સરકારનું કહેવું છે કે કલમ 370નો એક ખંડ બાકી રહેશે, અને બીજા ખંડ સમાપ્ત થઈ જશે, તેનો શું અર્થ છે?

આ મામલે એ. જી. નૂરાની કહે છે, "તેનો મતલબ એ છે કે કાશ્મીર ભારતીય સંઘનો ભાગ બની રહેશે. પરંતુ તમે કોઈ કલમનો એક ભાગ હટાવી દેશો અને બીજા ભાગને ખતમ કરી દેશો, તે કેવી રીતે શક્ય છે."

એ. જી. નૂરાનીનું કહેવું છે કે કાશ્મીર વિશે જે યુએનનો પ્રસ્તાવ છે તેની ભારત સરકારના આ નિર્ણય પર કોઈ અસર નહીં જોવા મળે. યુએનનો પ્રસ્તાવ જેમ છે તેમ જ રહેશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો સર્વસંમતિથી લેવાયેલો એક નિર્ણય છે કે જેના અંતર્ગત પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ માનવામાં આવે છે. તો શું મોદી સરકારના આ નિર્ણય બાદ તેના પર કોઈ અસર પડશે?

આ અંગે એ. જી. નૂરાનીનું કહેવું છે કે આ જોગવાઈ કાયદાકીય ચોક્કસ છે પરંતુ તેનો જમીની સ્તર પર કોઈ આધાર નથી.

તેઓ ઉમેરે છે કે જવાહરલાલ નહેરુએ જ કહી દીધું હતું કે જે તમારી પાસે છે તેને તમે રાખો, જે અમારી પાસે છે તેને અમે રાખીશું.

મોદી સરકારનો આ નિર્ણય રાજકીય રીતે કેટલો મહત્ત્વપૂર્ણ છે?

તે અંગે એ. જી. નૂરાની કહે છે કે ભાજપ ભારતને એક હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર પણ આપી શકાશે પરંતુ સુપ્રીમ કોર્ટ શું નિર્ણય કરશે એ તો તે જ જાણે છે. પરંતુ હવે આગામી હુમલો અયોધ્યા પર થશે.

આ સમગ્ર મામલે એ. જી. નૂરાની કહે છે, "આ એક ગેરકાયદેસર હક છે. એક પ્રકારની દગાખોરી છે. આ માત્ર કાશ્મીરી જનતાની સાથે જ નહીં, પણ ભારતની જનતા સાથે પણ દગાખોરી છે."

"છેલ્લાં બે અઠવાડિયાથી સતત ખોટું બોલવામાં આવી રહ્યું છે. તેની અસર એવી હશે કે આ સરકારની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે અને હવે તેમની વાતોને કોઈ માનશે નહીં."

(બીબીસી સંવાદદાતા ઇકબાલ અહેમદ સાથે બંધારણના નિષ્ણાત એ. જી. નૂરાનીની વાતચીતના આધારે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો