You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ અંગે તમામ સરકારી એજન્સીઓ શું કહી રહી છે? જાણો એકસાથે
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા છે.
ગત 5 ઑગસ્ટે ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં વધારાની ટુકડીઓ સહિત ભારે સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને છેલ્લા 6 દિવસથી ઇન્ટરનેટ, ટીવી, મોબાઈલ વગેરે બંધ છે. સરકારે ઈદ અગાઉ કલમ 144ને હળવી કરી કર્ફ્યૂમાં આંશિક રાહત આપી છે.
આ દરમિયાન કેટલાંક સ્થળોએ વિરોધપ્રદર્શનના અને સુરક્ષાદળો દ્વારા બળપ્રયોગના અહેવાલ સામે આવ્યા.
બીબીસીએ પણ વિરોધ પ્રદર્શન અંગે અહેવાલ રજૂ કર્યો છે જેને સરકાર નકારે છે. નીચેની લિંકમાં એ અહેવાલ જોઈ શકાય છે.
બીબીસી સંવાદદાતા રિયાઝ મસૂરુરે પણ શ્રીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અંગે અહેવાલ રજૂ કર્યો હતો.
આ સિવાય પણ સમાચાર સંસ્થા રૉયટર્સ તથા અન્ય આંતરરાષ્ટ્રિય મીડિયાએ કરેલું રિપોર્ટિંગ સરકાર નકારી કાઢે છે.
સરકારનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ શાંત છે. જોઈએ કઈ સરકારી એજન્સીનું જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે શું કહેવું છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ
જમ્મુ અને કાશ્મીરના પોલીસવડા દિલબાગ સિંહે કહ્યું કે શનિવારે પ્રદેશમાં હિંસાની એક પણ ઘટના નથી ઘટી. શનિવારે મીડિયામાં વિરોધપ્રદર્શનના અહેવાલ બાદ આ પ્રતિક્રિયા આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસવડા સિંહે જણાવ્યું કે લોકોની અવરજવર અને સંચારમાધ્યમો પર લગાવાયેલો પ્રતિબંધ ધીમેધીમે હઠાવાઈ રહ્યો છે.
દિલબાગ સિંહ કહે છે કે માહોલ શાંત છે અને દક્ષિણ કાશ્મીરમાં હિંસાની એક પણ ઘટના નથી ઘટી.
એમણે એમ પણ જણાવ્યું કે રવિવારે પ્રતિબંધ વધુ હળવા કરાશે, જેથી લોકો ઈદની ઉજવણી કરી શકે.
જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વીટ પણ કર્યું, "ગત છ દિવસોમાં પોલીસ તરફથી એક પણ ગોળી નથી ચલાવાઈ. સ્થિતિ સામાન્ય છે. લોકો સહયોગ કરી રહ્યા છે અને પ્રતિબંધ હઠાવી લેવાશે."
જમ્મુ-કાશ્મીર પોલીસે સ્થિતિ અંગે પ્રેસ નિવેદન પણ ટ્વીટ કર્યું છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે જમ્મુ ડિવિઝનમાં બજારની હલચલની તસવીરો પણ શૅર કરી છે.
પ્રસાર ભારતી સમાચાર સેવા
સરકારી સમાચાર સેવા પ્રસાર ભારતીએ ખીણ વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી હોવાનો વિશેષ કાર્યક્રમ રજૂ કર્યો છે અને તેનું ટ્વીટ કર્યું છે.
પ્રસાર ભારતીએ ખાનગી રોકાણકારો માટે જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવાની જાહેરાતનો પણ ટ્વીટમાં ઉલ્લેખ કર્યો અને યૂટ્યૂબ પરનો વીડિયો શૅર કર્યો છે.
પ્રસાર ભારતીએ કાશ્મીરમાં અખબારો નિયમિત પ્રકાશિત થઈ રહ્યાં હોવાનું ટ્વીટ પણ કર્યું છે.
આ સિવાય પ્રસાર ભારતીએ શ્રીનગરની મસ્જિદમાં નમાઝનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે.
પ્રસાર ભારતીએ શ્રીનગર આજકલ નામે પણ એક વીડિયો ટ્વીટ કર્યો. જેમાં બજારમાં લોકોની તેમજ વાહનોની અવરજવર દેખાય છે.
પ્રસાર ભારતી અન્ય એક ટ્વીટમાં મીડિયા રિપોર્ટ્સને ફેક ગણાવી શ્રીનગરમાં સ્થિતિ રાબેતા મુજબ ગણાવે છે.
ગૃહ મંત્રાલય પ્રવક્તા
ગૃહ મત્રાલય પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું કે ડૉન તેમજ રૉયટર્સમાં છપાયેલો શ્રીનગરમાં 1000 લોકોનાં વિરોધ પ્રદર્શનનો રિપોર્ટ ખોટો છે.
એમણે કહ્યું કે છૂટક વિરોધની કેટલીક ઘટનાઓ બની છે જેમાં 20થી વધારે લોકો સામેલ નહોતા.
આ ઉપરાંત ગૃહમંત્રાલયના પ્રવક્તાએ ઑલ ઇન્ડિયા રેડિયો તેમજ પ્રસાર ભારતીએ કરેલા ટ્વીટને ફરી પ્રસારિત કર્યા છે.
ઑલ ઇન્ડિયા રેડિયો
ઑલ ઇન્ડિયા રેડિયોએ પણ ટ્વીટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે, દુકાનો ખુલી છે અને કોઈ અઘટિત ઘટના નથી બની.
ઑલ ઇન્ડિયા રેડિયોએ સમાચાર પ્રભાતમાં કહ્યું કે ગત એક અઠવાડિયામાં કાશ્મીરમાં એક પણ અપ્રિય ઘટના બની હોવાના સમાચાર નથી.
દૂરદર્શન ન્યૂઝ
સરકારી સમાચાર સંસ્થા દૂરદર્શન ન્યૂઝનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં અન્ય શહેરોમાં લોકો ઈદની ખરીદીમાં જોડાયા છે.
દૂરદર્શન ન્યૂઝ જમ્મુ-કાશ્મીરની સ્થિતિને સામાન્ય દર્શાવે છે અને અફવાઓ પર વિશ્વાસ ન કરવાની મુખ્ય સચિવ તેમજ ડીજીપી જમ્મુ-કાશ્મીરની અપીલ રજૂ કરે છે.
આ ઉપરાંત દૂરદર્શન ન્યૂઝે લદ્દાખના યુવા સાંસદની મુલાકાત પણ ટ્વીટ કર્યું છે જેમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લદ્દાખ સમૃદ્ધ બનશે તે મતલબની વાત કરે છે.
આ સિવાય દૂરદર્શન ન્યૂઝે નેશનલ સિક્યોરિટી ઍડવાઇઝર અજિત ડોભાલની જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં નાગરિકો સાથેની મુલાકાતનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે.
શ્રીનગર કમિશનર શાહિદ ચૌધરી
શ્રીનગરના કમિશનર શાહિદ ચૌધરી સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પરથી જણાવે છે કે કાશ્મીરમાં 250થી વધારે એટીએમ કાર્યરત કરવામાં આવ્યા છે. બૅન્કોની શાખાઓ પણ ખુલ્લી છે અને ઈદ નિમિત્તે પગાર વહેલો કરાયો છે.
તેમણે શ્રીનગરમાં મોટા ભાગના વિસ્તારોમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હોવાની ટ્વીટ પણ કરી છે.
આ સિવાય 8 ઑગસ્ટની એમની ટ્વીટ સરકાર 350થી વધારે હેલ્પલાઇન શરૂ કરી રહી હોવાનું જણાવે છે અલબત્ત એ અંગે કોઈ આગળની કે નવી માહિતી મળતી નથી.
સીઆરપીએફ
સીઆરપીએફનું સત્તાવાર ટ્વીટર હૅન્ડલ ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કરેલું ટ્વીટ રિટ્વીટ કરે છે.
આ ઉપરાંત તેઓ સીઆરપીએફના મહિલા કૉન્સ્ટેબલ કાશ્મીર બાળક સાથે હાથ મિલાવી રહ્યાં તે મતલબની અમિત પંચાલની ટ્વીટને રિટ્વીટ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો