You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'જ્યારે 21 વર્ષની વયે હું પહેલી વખત કાન્તિ ભટ્ટને મળી'
- લેેખક, ગીતા માણેક
- પદ, બીબીસી ગુજરાતી માટે
21 વર્ષની ગ્રેજ્યુએટ થઈને કૉલેજમાંથી તાજી જ બહાર પડેલી એક છોકરી કાન્તિ ભટ્ટ પાસે આવી.
ખુરશી પર એક પગ વાળીને બેઠા અને ટેબલ પર માથું નીચું કરીને લખી રહેલા કાન્તિભાઈએ અડધો-પોણો કલાક પછી તે છોકરી સામે જોયું.
'મારે અભિયાનમાં કામ કરવું છે' કહીને એ છોકરીએ લાલ વૅલ્વેટના પૂઠ્ઠાવાળી એક ડાયરી કાન્તિભાઈ સામે ધરી. જેમાં એકાદ-બે નિબંધ કે વાર્તા લખી હતી.
કાન્તિભાઈએ એનાં પાનાંઓ પર નજર ફેરવી. કાન્તિભાઈએ કહ્યું, "રિપોર્ટિંગ કરીશ?" રિપોર્ટિંગ વિશે ખાસ કોઈ જાણકારી ન હોવા છતાં તે છોકરીએ કહ્યું, "હા ભલે."
"સારું તો આજથી તારી નોકરી શરૂ. કમાટીપુરા જા. આપણે મારવાડીઓ વિશે એક લેખ કરીએ છીએ એમાં મને માહિતી જોઈએ છે" કહીને કાન્તિભાઈ ફરી લખવા માંડ્યા.
કાન્તિભાઈ એટલે 'આધુનિક ગુરુકુળ'
તે છોકરી બે ઘડી તો બગવાઈને ઊભી રહી કારણ કે કમાટીપુરા અને મારવાડીઓ વિશેના લેખને શું સંબંધ એ તેને સમજાતું નહોતું, પણ એવો કોઈ પ્રશ્ન પૂછવાને બદલે ફોટોગ્રાફરને લઈને તે નીકળી પડી.
એ છોકરી એટલે હું- ગીતા માણેક.
કમાટીપુરામાં બહુ બધા મારવાડીઓ છે જેમની પાસે ત્યાં કામ કરતી સેક્સ વર્કર્સ થાપણ મૂકી જાય અને જરૂર પડ્યે વ્યાજે પૈસા લે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ માહિતી મેળવવા તેમણે મને મોકલી હતી એ ત્યાં ગયા પછી સમજાયું.
કોઈ ઇન્ટરવ્યૂ નહીં, સર્ટિફિકેટ્સ કે ડિગ્રી સુદ્ધાં જોઈ નહીં અને સીધી નોકરી પર નિયુક્ત કરી લીધી.
કાન્તિભાઈ કાઠિયાવાડના ગામડાના અને ત્યાં તરવાનું કોઈ સ્વિમિંગ પુલમાં શીખવવામાં આવતું નથી.
સીધા પાણીમાં ધકેલી દેવામાં આવે અને હાથ-પગ મારીને તરવાનું શીખી જવાનું.
કાન્તિભાઈની પત્રકારત્વ શીખવવાની રીત પણ કંઈક આવી જ હતી કાન્તિભાઈ માટે પત્રકારત્વની યુનિવર્સિટી એવું કહેવાતું પણ મને કાન્તિભાઈ આધુનિક ગુરુકુળ જેવા લાગ્યા છે.
યુનિવર્સિટીમાં તમે ફી ભરો છો, અમુક ચોક્કસ કલાકો ભણવા જાવ પણ ગુરુકુળમાં એવું નહીં.
ગુરુ વઢે પણ ખરા અને આખો દિવસ રિપોર્ટિંગ કરીને ગયા હોઈએ તો જમાડે પણ ખરા!
મૃત્યુના બે દિવસ અગાઉ જ લેખ તૈયાર હતો
ગૂગલ અને વિકિપીડિયાનું નામ પણ જ્યારે કોઈએ નહોતું સાંભળ્યું ત્યારે કાન્તિભાઈએ આખું વિશ્વ ગુજરાતી વાચકો સમક્ષ મૂકી દીધું હતું.
દેશ-વિદેશમાંથી અસંખ્ય મૅગેઝિન, અખબારો, પુસ્તકો મેળવીને વિશ્વમાં ચાલી રહેલા તમામ પ્રવાહોથી વાચકોને માહિતગાર કરવાનો તેમણે યજ્ઞ આરંભ્યો હતો.
થોડાં વર્ષો અગાઉ ચિત્રલેખાના કાર્ટૂનિસ્ટે એક કાર્ટૂન દોર્યું હતું જેમાં કાન્તિ ભટ્ટ નનામી પરથી લેખ લખવા માટે ઊભા થઈ ગયા હોય એવું દર્શાવાયું હતું.
આ ભલે કાર્ટૂનિસ્ટની અતિશયોક્તિ લાગતી હોય પણ હજુ મૃત્યુના બે દિવસ અગાઉ જ તેમણે પોતાની સાપ્તાહિક કૉલમનો લેખ લખીને તૈયાર રાખ્યો હતો.
એટલું જ નહીં પણ બ્રેઇન-સ્ટ્રોક અને પૅરાલિસિસનો હુમલો આવ્યા પછી હૉસ્પિટલમાં દાખલ થયેલા કાન્તિ ભટ્ટે ઍલૉપથીના વિરોધમાં લેખ લખવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી.
'અતુલનીય જિજ્ઞાસા'
ઘટનાસ્થળ પર જઈને રિપોર્ટિંગ કરવું, ઝીણામાં ઝીણી વિગતો વાચકો સુધી પહોંચાડવી. નવા-નવા વિષયો પર સતત લખતા રહેવું એ કાન્તિ ભટ્ટની વિશિષ્ટતા હતી.
તેમના ઘરમાં ચારેતરફ પુસ્તકો, છાપાં-મૅગેઝિનનાં કટિંગ્સ વિખેરાયેલાં પડ્યાં હોય, તેઓ સતત વાંચન-લેખનમાં મગ્ન હોય અને તેમના પ્રાણ અને શ્વાસ પત્રકારત્વ જ છે એવું તેમના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિએ અનુભવ્યું છે.
અનેક યુવાન-યુવતીઓને તેમણે પોતાના હાથ નીચે ઘડ્યા છે અને તેમાંના મોટાભાગના આજે લેખક કે પત્રકાર તરીકે સફળ કારકિર્દી ધરાવે છે.
તેમણે પોતે તો આજીવન નિષ્ઠાપૂર્વક પત્રકારત્વ કર્યું છે પણ એક આખી પેઢીમાં ઈમાનદારી અને કોઈની શેહશરમમાં આવ્યા વિના પત્રકારત્વ કરવાના સંસ્કાર સીંચ્યા છે જે કદાચ તેમનું પત્રકારત્વક્ષેત્રે બહુ મોટું પ્રદાન છે.
ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે પાયાનું અને બહુ જ વિપુલ માત્રામાં કામ કરી જનાર કાન્તિ ભટ્ટ 88 વર્ષની વયે પણ બાળસહજતા જાળવી શક્યા હતા.
હજુ બે અઠવાડિયાં અગાઉ જ તેમનાં પત્ની અને પત્રકાર શીલા ભટ્ટ તેમ જ તેમના અંગત મિત્રોએ મુંબઈમાં સાથે મળીને તેમની વર્ષગાંઠ ઊજવી હતી ત્યારે રાસ-ગરબા અને પંકજ મલિકના ગીતો પર 28 વર્ષના યુવાનને પણ શરમાવે એવી ઍનર્જી સાથે ઝૂમ્યા હતા.
તેમની જિજ્ઞાસા અતુલનીય હતી. કોઈ પણ વિષય એવો નહીં હોય જેના પર તેમણે લેખ ન લખ્યો હોય.
આજે તો ગુજરાતી ભાષામાં ફિલસૂફી કે ચિંતનાત્મક લેખ લખનારાઓ ઘણા બધા છે પણ અભિયાનમાં ચેતનાની ક્ષણે કૉલમથી મૅગેઝિનમાં ચિંતનાત્મક લેખ લખવાની શરૂઆત કાંતિ ભટ્ટે કરી હતી.
88 વર્ષની વયે પણ તેઓ એક નવું મૅગેઝિન શરૂ કરવા માગતા હતા અને નવલકથા લખવાનો મનસૂબો ધરાવતા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો