You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાન્તિ ભટ્ટની વિદાય : 'ફિલ્મી દુનિયામાં AB અને ગુજરાતી પત્રકારત્વમાં KB જ હતા'
- લેેખક, ડૉ ધીમંત પુરોહિત
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
હજી તો બાર કલાક પહેલાં જ ચંદ્રકાંત બક્ષીના ઘરમાં એમનાં દીકરી રીવા વર્ષો પહેલાં બક્ષીએ બનાવેલી વિષયવાર ન્યૂઝપેપર કટિંગ્સ અને ટાઇમ-ન્યૂઝવીક જેવાં મૅગેઝિન્સની વર્ષવાર વ્યવસ્થિત બાઉન્ડ કરેલી ઇન્ડેક્સિંગ સાથેની ફાઇલો મને બતાવી રહ્યાં હતાં.
ત્યારે મને બક્ષીની સાથોસાથ કાન્તિ ભટ્ટ પણ યાદ આવી ગયેલા.
ગૂગલ પહેલાંના એ યુગના માહિતીના દરિયામાંથી અથાગ પ્રયત્નોથી ગુજરાતી વાંચકો માટે અણમોલ મોતી શોધી લાવનારા બે કલમ-મરજીવાઓ, અને આજે કાન્તિ ભટ્ટની શ્રદ્ધાંજલિ લખવી પડશે એવી કલ્પના ક્યાંથી હોય?
15મી જુલાઈ 1931ના રોજ સૌરાષ્ટ્રના ઝાંઝમેરમાં જન્મેલા કાન્તિ ભટ્ટ આજે 4 ઑગસ્ટ 2019ના રોજ 88 વર્ષની ભરપૂર ઉંમરે આપણી વિદાય લેતા પહેલાં એટલું બધું લખી ગયા છે કે એમનો એ રેકૉર્ડ કોઈ પત્રકાર તોડી નહીં શકે.
1980 અને 1990ના દાયકામાં મુંબઈમાં ફિલ્મી દુનિયામાં એબી હતા (હજી છે) અને ગુજરાતી પત્રકારત્વમાં કેબી. આ જરા પણ અતિશયોક્તિ વગર લખું છું.
ચિત્રલેખા અને અભિયાનનો સુવર્ણયુગ કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટની કારકિર્દીનો પણ યુગ હતો.
અરે હા, એ જ યુગમાં કાન્તિ ભટ્ટે પોતાનાથી અડધી ઉંમરનાં શીલા ભટ્ટ સાથે લગ્ન કરીને રૂઢિચુસ્ત ગુજરાતી સમાજમાં ખળભળાટ મચાવી દીધેલો.
જો કે એ વાતને આમ પણ કહી શકાય કે શીલા ભટ્ટે પોતાનાથી બમણી ઉંમરના કાન્તિ ભટ્ટ સાથે લગ્ન કરી, ખાબોચિયા જેવી પત્રકારત્વની દુનિયામાં ત્સુનામી લાવી દીધેલી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે એ જોડીએ દેશ-વિદેશમાં ખેડેલું ગુજરાતી પત્રકારત્વ અભ્યાસનો વિષય છે.
2006માં કાન્તિ ભટ્ટને વજુ કોટક ચંદ્રક મળ્યો ત્યારે મંડાયેલા એક અંદાજ મુજબ, ત્યાં સુધીમાં કાન્તિ ભટ્ટના કુલ પ્રકાશિત લેખોની સંખ્યા 40,000થી વધુ હતી.
એમાં બીજા 12 વર્ષ ઉમેરીએ (2018ના અંતમાં એ રોજિંદા પત્રકારત્વમાંથી નિવૃત્ત થયા કે કરી દેવાયા) તો બીજા ઓછામાં ઓછા 10,000 લેખો એટલે કાન્તિ ભટ્ટના નામે 50,000થી વધુ લેખોનો રેકૉર્ડ બોલે છે.
50 વર્ષમાં 50,000 એટલે, વર્ષના 1000 એટલે, રોજના સરેરાશ 3 લેખ. આ બધાના પાછા વિવિધરંગી વિષયો.
ગુજરાતી જ નહીં, ભારતીય ભાષાઓ કે વિશ્વની ભાષાઓમાં પણ કાન્તિ ભટ્ટનો આ રેકૉર્ડ તોડવો અઘરો છે.
આજના આપણા ગૂગલ જર્નાલિઝમના યુગના પત્રકારો માટે તો એ કલ્પના કરવી જ અઘરી થઈ પડે કે ગૂગલ ન હોય તો કોઈ માહિતી લેખ લખી જ કઈ રીતે શકાય?
ત્યારે કલ્પના કરો કે ગૂગલ પૂર્વેના ઇન્ટરનેટ પૂર્વેના જમાનામાં એક-એક લેખ લખવા કાન્તિ ભટ્ટે કેટકેટલાં છાપાં, મૅગેઝિનો અને ચોપડા ઉથલાવ્યાં હશે, મગજનું દહીં કર્યું હશે, આંખો ફોડી હશે અને આંગળાં-અંગૂઠો લાલ થઈ જાય ત્યાં સુધી કાગળ ઉપર પેનો ઘસી હશે અને વર્ષોના આ માનસિક-શારીરિક પરિશ્રમને કાન્તિ ભટ્ટ બ્રાન્ડનું - કોપી પેસ્ટ - ચોરીયોગ્રાફી - ટાઇપનું જર્નાલિઝમ કહેનારા પણ આપણે ત્યાં પડ્યા છે.
જોકે આ બધાથી બેફિકર કાન્તિ ભટ્ટે કોઈ ઇનામઅકરામની આશા રાખ્યા વિના ધૂણી ધખાવીને બેઠેલા કોઈ અલગારી અવધૂતની જેમ મુંબઈના કાંદિવલીના પોતાના એકદંડિયા ઍપાર્ટમૅન્ટમાંથી આખરી શ્વાસ સુધી લેખનયજ્ઞમાં આહુતિ આપ્યે રાખી.
ગયા વર્ષે 2018ના નવેમ્બરમાં 'દિવ્ય ભાસ્કર'ની એમની રોજિંદી કૉલમ બંધ કરીને નિવૃત્તિની વેળાએ એમણે લખેલું : "દિવ્ય ભાસ્કરના વ્હાલા વાંચકો, મારી કટાર નિયમિત, પ્રેમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક વાંચવા બદલ આપ સૌનો આભારી છું."
"પણ હવે 87 વર્ષની ઉંમરે પક્ષાઘાત થયો છે, ડિમેન્શિયા થયો છે. હવે હું આપ વાંચકોનો સંપર્ક કરી શકીશ નહીં. મને માફ કરજો અને બ્રાહ્મણને આશીર્વાદ આપશો. તમારા આશીર્વાદ મને 100 વર્ષ જિવાડશે. જીવીશ પણ લખી શકીશ નહીં."
હજી તો ગયા મહીને જ કાન્તિ ભટ્ટની 88મી વર્ષગાંઠ શીલા ભટ્ટ અને એમના અંતરંગ મિત્રોએ ગીતસંગીત અને નૃત્ય સાથે મુંબઈમાં ઉલ્લાસથી ઊજવી.
જૂની ફિલ્મોનાં એમનાં ગમતાં ગીતો પર કાન્તિ ભટ્ટ પણ મન મૂકીને નાચ્યા, ત્યારે તો એમ લાગતું હતું કે નગીનદાસ સંઘવીની જેમ જ આપણે કાન્તિ ભટ્ટની સોમી વર્ષગાંઠ ઊજવીશું, ત્યાં આ સમાચાર આવ્યા.
દૈનિક કટાર બંધ કર્યા બાદ પણ એમણે ભાસ્કરની રવિવારની પૂર્તિની અઠવાડિક કટાર 'ચેતનાની ક્ષણે' ચાલુ રાખી. એમના મૃત્યુ દિને જ આ આખરી કટાર પ્રકાશિત થઈ.
જેમાં એમણે સંત 'તુલસીદાસની જીવનકથા, દોહા અને પ્રૅક્ટિકલ ફિલસૂફી' વિશે લખીને એક સત્યશોધક પત્રકારની જેમ કૉલમના અંતે લખ્યું છે કે "ખાસ નોંધ : જાણકારો, વિદ્વાનો, આ લેખમાં સંત તુલસીદાસ અંગે ભૂલચૂક રહી ગઈ હોય તો સુધારીને વાંચે કે માફ કરે."
કાન્તિ ભટ્ટની આ નિખાલસતાએ જ એમને કરોડો ગુજરાતીઓથી માંડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધીનાઓનો પ્રેમ આપ્યો.
કોઈ લેખક-પત્રકાર માટે એનાથી વધુ ધન્ય ક્ષણ બીજી કઈ હોઈ શકે કે એમનો પાર્થિવ દેહ સ્મશાનની ચિતામાં પંચમહાભૂતમાં મળી જતો હોય તે ક્ષણે પણ એમના લાખો વાંચકો એમની 'ચેતનાની ક્ષણે'ના છેલ્લા લેખને વાંચતા હોય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો