TOP NEWS - બિહારમાં પૂરનું સંકટ, 18 લાખ લોકો અસરગ્રસ્ત

બિહારમાં આવેલા પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે, પૂરમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને 18 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.

બિહારના સીતામઢી, મુઝફ્ફરપુર, પૂર્વ ચંપારણ, અરરિયા, સુપૌલ, કિશનગંજ અને શિવહર સહિતના વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા છે.

નેપાળમાં થઈ રહેલા ભારે વરસાદ અને ઉત્તર પ્રદેશના બિરપુર બંધમાંથી છોડવામાં આવેલા પાણીને પૂર માટે કારણભૂત ગણવામાં આવી રહ્યું છે.

શનિવારે સાંજે ડૅમના તમામ 56 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, જેનાથી કોસી, ગંડક અને બાગમતી નદીમાં જળસ્તર વધ્યું હતું.

બાગમતી નદીમાં જળસ્તર વધવાને કારણે ઉત્તર બિહારના સીતમઢી અને શિવહરીનાં 200 ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

હજારો લોકો સરકાર દ્વારા લગાવાયેલા કૅમ્પોમાં આશરો લઈ રહ્યા છે.

રવિવારે બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમાર, ઉપમુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદી અને રાજ્યના જળ સંસાધન મંત્રી સંજય ઝાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કર્યો હતો.

દલિતો દ્વારા મુસ્લિમો સામે FIR

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના પીપલસના ગામ ખાતે મુસ્લિમો દ્વારા દલિતો સાથે ભેદભાવનો કિસ્સો બહાર આવ્યો છે.

ઇંડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ફરિયાદી મહેશચંદ્રે ગામના ત્રણ મુસ્લિમ વાળંદ વિરુદ્ધ એસસી/એસટી (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ ઍક્ટ) તથા ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરાવી છે.

ગામના દલિતોનો આરોપ છે કે આવું વર્ષોથી ચાલી રહ્યું છે, પરંતુ હવે તેમણે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. ગામમાં વાળંદની લગભગ 20 દુકાનો છે અને તે તમામ મુસલમાનો દ્વારા ચલાવવામાં આવે છે.

એફઆઈઆરમાં જાહેદની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમના કહેવા પ્રમાણે, તેમણે ક્યારેય કોઈ ગ્રાહકને ના નથી કહી તથા તેમની સામે ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે.

ઈમામની દાઢી ખેંચી

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના દોઘટ વિસ્તારમાં કેટલાક યુવકોએ મસ્જિદના ઈમામ ઈમલાકુર્રહમાન સાથે મારામારી કરી હતી તથા તેમની દાઢી ખેંચી હતી.

ઉપરાંત તેમને 'જય શ્રી રામ'ના નારા લગાવવાની ફરજ પાડવામાં આવી હતી.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, બાગપતના પોલીસ વડા શૈલેશ કુમાર પાંડેયે રવિવારે જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ મામલો માત્ર મારઝૂડનો લાગે છે. છતાં ફરિયાદના આધારે પોલીસે લગભગ 12 યુવકો સામે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ઈમલાકુર્રહમાને આ પહેલાં મુજફ્ફરનગરમાં પણ આ પ્રકારની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તપાસમા તે ખોટી હોવાનું બહાર આવ્યું હતું.

જોકોવિચ જીત્યા વિમ્બલ્ડન મૅન્સ

સર્બિયાના નોવાક જોકોવિચે પાંચમી વખત વિમ્બલડનનો મૅન્સ સિંગ્લસનો ખિતાબ જીતી લીધો છે.

લગભગ પાંચ કલાક સુધી ચાલેલી મૅચમાં તેમણે સ્વિટ્ઝરલૅન્ડના રોજર ફેડરરને પરાજય આપ્યો હતો.

બંને ખેલાડીઓ વચ્ચેનો મુકાબલો પાંચ સેટ સુધી ચાલ્યો હતો, અંતે ટાઈ-બ્રેકર દ્વારા છેલ્લા સેટનો નિર્ણય થયો હતો.

ફાઇનલ મૅચમાં 7-6 (7-5), 1-6 7-6 (7-4) 4-6 12-12 (7-3)ની સ્કોરલાઇન રહી હતી.

આ વિજય દ્વારા જોકોવિચ 16મો ગ્રાન્ડસ્લૅમ ખિતાબ પોતાના નામે કર્યો હતો, ફેડરર 20 ખિતાબ જીતી ચૂક્યા છે અને ટોચ ઉપર છે.

આ મૅચ ચાર કલાક અને 57 મિનિટ સુધી ચાલી હતી. વિમ્બલડનનના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી ફાઇનલ મૅચ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો