You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દલિત યુવક સાથે લગ્ન કરનાર ભાજપ ધારાસભ્યની પુત્રીએ કહ્યું- જીવને જોખમ
એક દલિત યુવક સાથે લગ્ન કરનાર બરેલીના ભાજપના ધારાસભ્ય રાજેશકુમાર મિશ્રાની પુત્રીએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું છે.
સાક્ષીએ સોશિયલ મીડિયામાં પર એક વીડિયો મૂકીને કહ્યું કે તેમના પિતાના માણસો તેમનો અને તેમના પતિ અભિનો પીછો કરી રહ્યા છે. સાથે જ અભિના પરિવારજનોને પણ પરેશાન કરાઈ રહ્યા છે.
જોકે સાક્ષીના પિતા રાજેશકુમાર મિશ્રાએ બીબીસીને સાથે વાત કરતાં આ તમામ આરોપોને ફગાવ્યા છે.
સાક્ષીના કહેવા પ્રમાણે તેણે અભિ સાથે પ્રેમલગ્ન કર્યાં છે, પરંતુ તેમના પિતા રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલને લગ્ન માન્ય નથી. તેમનું કહેવું છે કે તેમના પિતાએ કેટલાક માણસો તેમની પાછળ મૂક્યા છે અને તેઓ ભાગતાં-ભાગતાં થાકી ગયાં છે.
ધ હિંદુના પત્રકાર સૌરભ ત્રિવેદીએ બુધવારે રાતે આ વીડિયો ટ્વીટ કર્યો હતો.
સાક્ષીના પતિ અભિએ જણાવ્યું કે જે હોટલમાં રોકાયાં હતાં ત્યાં રાજેશકુમાર મિશ્રાના એક મિત્ર રાજીવ રાણા પોતાના માણસો સાથે આવ્યા હતા. પરંતુ તેઓ ત્યાંથી ભાગી ગયાં હતાં.
અભિના કહેવા અનુસાર તેઓ દલિત છે. આથી તેમની પત્નીના પિતા તેમને સ્વીકારતા નથી અને આ બધું કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના વિધાનસભાની વેબસાઇટ પ્રમાણે ઉત્તર પ્રદેશના બરેલીથી ભાજપના ધારાસભ્ય રાજેશકુમાર મિશ્રા બ્રાહ્મણ જ્ઞાતિમાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિતાએ શું કહ્યું?
બીબીસીએ જ્યારે બરેલીના ધારાસભ્ય અને સાક્ષીના પિતા રાજેશકુમાર મિશ્રાનો સંપર્ક કર્યો તો તેમણે તમામ આરોપો ફગાવી દીધા અને કહ્યું કે સાક્ષી અને તેમના પતિને શોધવા માટે કોઈ માણસો મોકલ્યા નથી.
તેમણે કહ્યું કે તેઓ નથી જાણતા કે સાક્ષી હાલમાં ક્યાં છે અને તેનો સંપર્ક કરવાની કોશિશ પણ કરી નથી. તેમજ સાક્ષીએ પણ તેમનો કોઈ સંપર્ક કર્યો નથી.
રાજેશકુમાર મિશ્રાએ કહ્યું, "અમારા પરિવારમાં જે ઘરમાંથી નીકળી જાય છે તેનો કોઈ સંપર્ક નથી કરતું. તેઓ ઇચ્છે ત્યાં રહી શકે છે. અમે ક્યાંય ગયા નથી, ન શોધવાની કોશિશ કરી કે કોઈને ફોન પણ કર્યો નથી."
"અમે શાસન-પ્રશાસન પાસે પણ ગયા નથી. અમે આ મામલે કશું કહેવા માગતા નથી. હું ભાજપનો કાર્યકર છું. બસ, મારું કામ કરું છું. બાકી મારે કોઈ સાથે લેવાદેવા નથી."
સાક્ષીએ કહ્યું કે જો તેમને કે તેમના પતિના પરિવારને કંઈ થશે તો તેના માટે તેમના પિતા અને તેમના મિત્રો જવાબદાર રહેશે.
સાક્ષીએ બરેલી પોલીસને સુરક્ષા આપવા માટે અપીલ કરી છે.
બરેલીના એસ.પી. સિટી અભિનંદને બીબીસી હિંદીને કહ્યું કે પોલીસ પાસે હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી. તેમણે કહ્યું કે માત્ર વીડિયોને આધારે આપમેળે કોઈ કાર્યવાહી શરૂ કરવી યોગ્ય નથી.
તેમણે કહ્યું, "જ્યાં સુધી કોઈ ફરિયાદ ન આવે ત્યાં સુધી કેવી રીતે પગલાં લેવાં. ફરિયાદ આવશે તો પગલાં લેવાશે. વીડિયો તો ઘણી વાર ખોટા પણ હોય છે. તેમને કોઈ જોખમ હોય તો પોલીસ પાસે આવવું જોઈએ."
"છોકરી કે છોકરાના પરિવાર તરફથી કોઈ ફરિયાદ આવી નથી. તેમણે ફોન પણ કર્યો નથી. કંઈક આવશે તો અમે આગળ કાર્યવાહી કરીશું."
તો રાજેશકુમાર મિશ્રાએ કહ્યું, "તે આ બધું હસતાંહસતાં કહી રહી છે. કોઈ જોખમ હોય તો તે હસીને થોડું કહે."
તો એસ.પી. સિટી અભિનંદનનું કહેવું છે કે જો તેમની પાસે છોકરા કે છોકરી તરફથી કોઈ ફરિયાદ આવે, ફોન આવે તો અમે મદદ કરીશું. પછી સુરક્ષા આપવાની હોય કે કેસ દાખલ કરવાનો હોય.
સાક્ષીએ વીડિયોના માધ્યમથી કહ્યું છે કે તે ખુશ અને આઝાદ રહેવા માગે છે.
તો આ તરફ તેમના પિતાએ કહ્યું કે પહેલાં માતાપિતા કહે એ થતું હતું, પરંતુ હવે એવું ક્યાં થાય છે, કેમ કે લોકો શિક્ષિત થઈ ગયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો