You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ રીતે કૉંગ્રેસ ગોવામાં સૌથી મોટી પાર્ટીમાંથી ફક્ત 5 ધારાસભ્યો પર આવી ગઈ
કર્ણાટક બાદ હવે ગોવામાં કૉંગ્રેસ પર સંકટ તોળાઈ રહ્યું છે. ગોવામાં કૉંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે અને એક અલગ ચોકો રચી ભાજપમાં સામેલ થઈ ગયા છે.
વિપક્ષ નેતા ચંદ્રકાંત કાવલેકરના નેતૃત્વમાં આ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી, પરંતુ હવે તેના માત્ર પાંચ જ ધારાસભ્યો રહી ગયા છે.
40 સભ્યો ધરાવતી ગોવા વિધાનસભામાં હવે ભાજપ પાસે 27 ધારાસભ્યો થઈ ગયા છે.
15 ધારાસભ્યોમાંથી 10 ભાજપમાં જોડાયા તે બાદ ગોવામાં કૉંગ્રેસ પ્રમુખ ગિરીશ ચોદાંકરે કહ્યું કે ભાજપનું લક્ષ્ય એક દેશ, એક પાર્ટી બનાવવું છે અને દેશમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
તેમણે આરોપ મૂક્યો કે જે કૉંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમને કાં તો બ્લેકમેઇલ કરાયા છે અથવા તો તેઓ ગઠબંધનનો શિકાર બન્યા છે.
સત્તાનો દુરુપયોગ?
ચોદાંકરે કહ્યું કે આ સમગ્ર પ્રકરણ ઘમંડથી ભરેલા ભાજપના સત્તા દુરુપયોગનું ઉદાહરણ છે.
બીજી તરફ ગોવાના પૂર્વ મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે આ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે તેમના પિતાનાં મૃત્યુ બાદ ભાજપે અહીં અલગ જ પ્રકારનું વલણ અપનાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્પલ પર્રિકર તેમના પિતાનાં મૃત્યુ બાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના પ્રબળ દાવેદાર મનાતા હતા, પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી નહોતી.
જોકે, ઉત્પલ પક્ષમાં જ રહ્યા અને વર્ષોથી કામ કરી રહેલા કાર્યકરોને સહયોગ કરવાનો નિર્ણય કર્યો.
ગોવામાં પહેલેથી જ ભાજપની સરકાર છે. વર્તમાન મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે પુષ્ટિ કરતા કહ્યું કે આ ધારાસભ્યો કોઈ શરત વિના ભાજપમાં જોડાયા છે.
આ અંગે બીબીસી સંવાદદાતા કુલદીપ મિશ્રએ ગોવા સ્થિત વરિષ્ઠ પત્રકાર સંદેશ દેસાઈ સાથે વાતચીત કરી.
સંદેશ દેસાઈએ કહ્યું કે ગોવા મામલે એક વાત પર ખાસ ધ્યાન દેવા જેવું છે કે અહીં સીધા જ 10 ધારાસભ્યોએ રાજીનામું નથી આપ્યું. તેમણે પહેલાં પોતાનું ગ્રૂપ બનાવ્યું અને બાદમાં ભાજપમાં જોડાયા.
સંદેશ દેસાઈનું કહેવું છે કે પક્ષબદલો કરનારા ધારાસભ્યોમાં મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ છે.
પરંતુ આ રાજીનામાંનો મતલબ શું છે કારણ કે ગોવામાં તો પહેલેથી જ ભાજપની સરકાર છે.
આ અંગ દેસાઈ કહે છે કે 2017માં જે ચૂંટણી થઈ હતી તેમાં ભાજપની સંખ્યા ઘટી હતી. ત્યારબાદ ભાજપે ઘણાં દળો સાથે મળીને ભાજપની સરકાર બનાવી હતી. જોકે, આ એક લઘુમતી સરકાર હતી.
દેસાઈ માને છે કે ભાજપ તેમનું સંખ્યાબળ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો