ચંપલો ઓગાળી દેતી 124 ડિગ્રી તપતી જમીન પર કામ કરતા ઈંટવાડાના મજૂરોની કહાણી

ભઠ્ઠામાં કામ કરતો મજૂર
    • લેેખક, અનંત પ્રકાશ અને દેબલિન રૉય
    • પદ, બીબીસી સંવાદદાતા, બાગપતથી

124 ડિગ્રી તાપમાન. એટલે કે એ તાપમાનથી ડબલ જેણે ઇન્ડિયાના કોઈ પણ માણસે ભાગ્યે જ અનુભવ્યું હશે. આ કહાણી એવા લોકોની છે જેણે બનાવેલી ઈંટોથી તમે ઘરમાં ગરમી, ઠંડીથી બચી શકો છો. પરંતુ ઈંટાના ભઠ્ઠામાં કામ કરવું કેટલું મુશ્કેલ છે?

એ તમને ત્યારે ખબર પડશે જ્યારે તમે ઈંટના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની આંખમાં આંખ પરોવીને જુઓ. તેમનાં પથ્થર જેવા હાથોને સ્પર્શીને જુઓ.

એ જમીન પર ઊભા રહીને જુઓ જ્યાંથી એ લાકડાના ચંપલ પહેરીને ભઠ્ઠીમાં કોલસા નાખે છે.

અહીં ઊભા રહેવું, કામ કરવું અને શ્વાસ લેવા એટલા ખતરનાક છે કે આ તાપમાનને એક તૃતીયાંશ ભાગ એટલે કે 40ને ભારે ગરમી કહેવામાં આવે છે. હવે વિચારો કે આ લોકો આવું ખતરનાક કામ કેવી રીતે કરતા હશે?

line
અસંગઠિત મજૂરો 45થી 50 ડિગ્રી તાપમાનમાં કામ કરે છે
ઇમેજ કૅપ્શન, અસંગઠિત મજૂરો 45થી 50 ડિગ્રી તાપમાનમાં કામ કરે છે

આ ભારતના એ કરોડો અસંગઠિત મજૂરોની કહાણી છે જે 45થી 50 ડિગ્રી સેલ્સિયસ પર આકરા તાપમાં કામ કરે છે, જેથી તેઓ પોતાનું અને બાળકોનું પેટ ભરી શકે.

મજૂરો લાકડાના ચંપલ પહેરીને કામ કરે છે
ઇમેજ કૅપ્શન, મજૂરો લાકડાના ચંપલ પહેરીને કામ કરે છે

પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો તાજેતરનો રિપોર્ટ કહે છે કે વર્ષ 2030 સુધી ભારતમાં આવી 3.4 કરોડ નોકરીઓ ખતમ થઈ જશે.

ઈંટોનો ભઠ્ઠો

ભારતમાં એવા લોકોની સંખ્યા કરોડોમાં છે જે આકરા તાપમાં રસ્તા પર પકોડા વેચવા, પંક્ચર બનાવવું અને પાણી વેચવાનું કામ કરે છે.

બીજી તરફ, બિસ્કિટ બનાવતી ફૅક્ટરી, ધાતુ ગાળવાની ભઠ્ઠી, ફાયર વિભાગ, ખનન, બાંધકામ અને ઈંટોના ભઠ્ઠા પર કામ કરતા કરોડો મજૂરો તેની વધુ અસર થશે, કેમ કે આ જગ્યાઓનું તાપમાન પહેલેથી વધુ રહે છે.

મજૂર

કેથરિન સેગેટના નેતૃત્વમાં તૈયાર થયેલા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વધતી ગરમીને કારણે બપોરના સમયે કામ કરવું મુશ્કેલ થઈ જશે. જેના કારણે મજૂરોની સાથેસાથે તેમના કામ આપતા લોકોને પણ આર્થિક નુકસાન થશે.

બીબીસીના એક થરમૉમિટરની મદદથી એ જાણવાનો પ્રયાસ કરાયો કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં કરોડો મજૂરો કેટલા તાપમાનમાં કામ કરે છે અને તેની તેમના સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે.

line

ગરમી નહીં મજબૂરી દઝાડે છે...

ગરમીમાં કામ કરતા મજૂર

ભઠ્ઠામાં કામ કરતા મજૂર રામ સૂરત જણાવે છે કે અહીં કામ કરવું કોઈ સરળ વાત નથી. અમારી મજબૂરી છે માટે કરી રહ્યા છીએ. લાકડાના ચંપલ પહેરીને કામ કરીએ છીએ. રબર અને પ્લાસ્ટિકનાં ચંપલ સળગી જાય છે.

રામ સૂરત જે જગ્યાએ ઊભા કરીને કામ કરે છે એ જમીનનું તાપમાન 110 ડિગ્રી સેલ્સિયમથી વધુ હતું.

બીજી તરફ, આ જગ્યાની હવાનું તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસ હતું.

બીબીસીએ જ્યારે રામ સૂરતના શરીર પર થરમૉમિટર લગાડ્યું તો તાપમાન 39 ડિગ્રીથી શરૂ થઈને 43 ડિગ્રી સુધી પહોંચી ગયું.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટ પ્રમાણે શરીરનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય તો વ્યક્તિનો જીવ જઈ શકે છે.

આ મજૂરો વચ્ચે કેટલાક કલાક વિતાવ્યા બાદ બીબીસી સંવાદદાતાને પણ આંખોમાં બળતરા, ઊલટી અને માથામાં દુખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો. તેમજ કામના સ્થળે તેમની સાથે વાત કરતાં કરતાં ઊંચા તાપમાનને કારણે બીબીસી સંવાદદાતાનાં જૂતાંના સોલ બળી ગયા.

ત્યારે સવાલ ઊઠે કે આ જગ્યાએ કામ કરતા મજૂરના શરીર પર શું અસર થતી હશે.

તેનો જવાબ રામ સૂરત આપે છે, "જ્યારે કામ શરૂ કરીએ ત્યારે પેશાબમાં બળતરા થાય છે. કામ સતત ચાલુ રહે છે. છ કલાકના કામમાં એક મિનિટનો પણ આરામ નથી હોતો. તેનાથી બચવા માટે પાણી પીવાનું બંધ કરી દો તો પેશાબ સફેદ થવા લાગે છે."

"ડૉક્ટરને બતાવ્યું છે. તેઓ કહે છે કે ભઠ્ઠામાં કામ કરવાને કારણે આવું થાય છે. કામ ન કરીએ તો સારું થઈ જાય છે. પણ કામ ક્યાં છોડી શકીએ છીએ. મજબૂરી છે."

આ કહેતા રામ સૂરત ફરી ભઠ્ઠામાં કોલસા નાખવા લાગે છે, જેથી આગ ચાલુ રહે.

મજૂર

રિપોર્ટ કહે છે કે ઈંટોના ભઠ્ઠા પર કામ કરનાર મજૂરો પર જળવાયુ પરિવર્તનની ઘણી અસર થશે, કેમ કે તેઓ નીચલા આર્થિક-સામાજિક વર્ગમાંથી આવે છે અને જાણકારીના અભાવે તેઓ સરકારી સ્વાસ્થ્ય યોજનાઓથી પણ વંચિત રહી જાય છે.

મજૂર

સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ ઍન્વાયરમૅન્ટ સાથે જોડાયેલા નિવિતકુમાર આ રિપોર્ટ પર ચિંતા વ્યક્ત કરતા કહે છે, "મને નવાઈ લાગે છે કે માત્ર 3.4 કરોડ નોકરીના આંકડા છે, કેમ કે અમારી જાણકારી પ્રમાણે આવનાર સમયમાં આનાથી વધુ લોકોની રોજરોટી પર અસર થશે."

"ઈંટોના ભઠ્ઠા પર 60-70 ડિગ્રી તાપમાન પર કોઈ પણ જાતનાં સુરક્ષાસાધન વિના સતત કલાકો સુધી કામ કરવું મુશ્કેલ છે. તેઓ અહીં ઊભા હોય છે, તેમની નીચે તો તાપમાન છ-સાત ડિગ્રી સેલ્સિયસ હોય છે. એવામાં જો ગરમી વધશે તો આ નોકરી કરવી મુશ્કેલી થઈ થશે."

આ લોકો હાથનાં મોજાં, માસ્ક સહિત અન્ય સુરક્ષાસાધનો વિના ખુલ્લા હાથે કામ કરે છે, જેથી પોતાનાં બાળકો માટે રોજીરોટી મેળવી શકે.

line

ખેતમજૂર પર સંકટ?

ખેડૂતો ખેતી છોડી રહ્યા છે

પર્યાવરણ પર કામ કરતી પત્રિકાના 'ડાઉન ટૂ અર્થ'ના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2011થી સતત રોજ 10 હજાર લોકો ખેતી છોડીને ખેતમજૂર બની રહ્યા છે.

બીબીસીએ પોતાની તપાસમાં જાણ્યું કે વધતી ગરમીને કારણે આવા ખેતમજૂર પર અસર થવાની શરૂ થઈ ગઈ છે.

પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં અન્યના ખેતરમાં મજૂરી કરનાર સાઠ વર્ષીય શ્રવણ સિંહ જણાવે છે કે તેઓએ અત્યાર સુધી આટલી ગરમી જોઈ નથી.

ખેતમજૂર શ્રવણ સિંહ
ઇમેજ કૅપ્શન, ખેતમજૂર શ્રવણ સિંહ

શ્રવણ સિંહ કહે છે, "અમે બહુ ગરમી વેઠી છે, પરંતુ આ વર્ષ જેવી ગરમી ક્યારેય જોઈ નથી. કાલે જ મારી દીકરીએ થોડું કામ કર્યું અને તેને ઊલટી થવા લાગી. માંડ કરીને દવા કરાવી. હવે અમે શું કરીએ? અમે નવરા તો બેસી ન શકીએ."

"આ વર્ષે વરસાદ થયો હોય તો અત્યાર સુધી અમારા ખભે આ પાક હોત. પણ વરસાદ થયો નથી. ગરમી એવી પડી છે કે જેણે વેઠી હોય એ જાણે. એસીમાં રહેનાર લોકો શું જાણે કે મજૂર આટલા તાપમાનમાં કેવી રીતે અનાજ ઉગાડે છે."

line

બપોરની મજૂરી ખતમ થઈ

રિપૅરિંગ કરતા મોહમ્મદ મુસ્તકીમ સૈફી
ઇમેજ કૅપ્શન, રિપૅરિંગ કરતા મોહમ્મદ મુસ્તકીમ સૈફી

બીબીસીની ટીમ જ્યારે હાઇવે પર પરંપરાગત રોજગાર મેળવતા લોકોના હાલ પૂછવા પહોંચી તો ત્યાંનું તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ રેકર્ડ નોંધાયું.

હાઇવ સાઇટમાં સાઇકલ રિપૅર કરનાર મોહમ્મદ મુસ્તકીમ સૈફી કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી બપોરે 12થી 5 વાગ્યા સુધી કોઈ કામ હોતું નથી.

આખો પરિવાર રિપૅરિેંગનું કામ કરે છે
ઇમેજ કૅપ્શન, આખો પરિવાર રિપૅરિેંગનું કામ કરે છે

સેફી જણાવે છે, "ગરમી એટલી વધવા લાગી છે કે દિવસમાં કોઈ કામ આવતું નથી. આખો પરિવાર આ કામમાં લાગ્યો છે. પણ હવે કામ નથી હોતું. 12 વાગ્યા આસપાસ રસ્તો સૂમસામ હોય છે."

"અલ્લાહ જ જાણે કે આવનારાં વર્ષોમાં જ્યારે ગરમી વધશે તો અમારું શું થશે. કોણ અમારી મદદ કરશે? મોદી સરકાર પાસે કોઈ આશા નથી. માત્ર અલ્લાહનો સહારો છે."

ઉદ્યોગોએ બદલાવવું પડશે

નિવિતકુમાર કહે છે, "આવનારા સમયમાં ગરમી એટલી વધશે કે પરંપરાગત રીતે કામ કરવું મુશ્કેલી થઈ જશે. આથી તમામ આવા ઉદ્યોગોએ પોતાને બદલવા પડશે. ઉદાહરણ તરીકે ઈંટોના ભઠ્ઠાને મશીનરી તરફ લઈ જઈએ તો આ સમસ્યાનો કોઈ ઉકેલ આવી શકે છે. પણ સરકારે આ વિશે ગંભીરતાથી વિચારવું પડશે."

ભઠ્ઠામાં કામ કરતાં મહિલા

"પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કેટલાક ભઠ્ઠાઓએ પોતાની તકનીકમાં ફેરફાર લાવીને મજૂરો માટે આરામ કરવાની જગ્યા બનાવીને જોયું છે કે તેમનું ઉત્પાદન પારંપરિક ભઠ્ઠા કરતાં ઘણું વધારે થઈ રહ્યું છે. આથી આપણે સમજવું પડશે કે આવનારા સમયમાં આપણે જૂની રીતથી વ્યવસાયોને ચલાવી નહીં શકીએ. આપણે બદલવું જ પડશે."

"ઉદાહરણ તરીકે ભઠ્ઠાને જિંગ-જૈગ તકનીકથી ચલાવીને પ્રદૂષણ ઓછું કરી શકાય છે. આ સિવાય તેને આધુનિક ફૅક્ટરીનું સ્વરૂપ આપવામાં આવે તો અહીંના લોકોને વર્ષભર રોજગારી મળી રહે."

મહિલા

ભારતમાં નવી નોકરી પેદા કરવી હજુ પણ રાજકીય પાર્ટીઓ માટે એક મોટી સમસ્યા છે.

એવામાં સવાલ થાય કે જો વધતી ગરમી આ પરંપરાગત રોજગારી માટે ખતરો પેદા કરશે તો નોકરીમાં લાગેલા લોકો પોતાનું અને પોતાનાં બાળકોનું ભરણપોષણ કેવી રીતે કરી શકશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો