અંબાતી રાયડુ સાથે વર્લ્ડ કપની ટીમમાં પસંદગી મામલે અન્યાય થયો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ક્રિકેટર અંબાતી રાયડુએ ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ સંદર્ભનો એક પત્ર તેમણે બીસીસીઆઈને લખ્યો છે.

વર્તમાન ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ઇજાગ્રસ્ત વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને મોકલવામાં આવ્યા હતા, જેના પગલે રાયડુએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

બીસીસીઆઈને કરેલા ઈ-મેઇલમાં રાયડુએ કોઈની પર પણ આક્ષેપ કરવાનું ટાળ્યું હતું, તેમણે જે-જે કપ્તાનો સાથે કામ કર્યું હતું તેમનો આભાર માન્યો હતો.

ભારતીય ટીમ માટે રાયડુએ 27 વર્ષની વયે ઝીમ્બાવે સામેની મૅચમાં ડેબ્યૂ કર્યો હતો.

2015માં પણ રમવાની તક ન મળી

આ વખતે વર્લ્ડ કપમાં તેમનો સમાવેશ કરવામાં નથી આવ્યો અને આવું પહેલી વખત થઈ રહ્યું છે એવું પણ નથી.

આ વખતે રાયડુને વર્લ્ડ કપ માટે 'સ્ટૅન્ડ બાય' રાખવામાં આવ્યા હતા, રાયડુ ઉપરાંત ત્રણ ખેલાડીઓને સ્ટૅન્ડ બાય રાખવામાં આવ્યા હતા.

સામાન્ય સ્થિતિમાં કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો સ્ટૅન્ડ બાય ખેલાડીઓમાંથી સમાવેશ કરવામાં આવતો હોય છે.

શિખર ધવન અને વિજય શંકરને બદલે રિષભ પંત અને મયંક અગ્રવાલને વર્લ્ડ કપની ટીમમાં સમાવવામાં આવ્યા છે. જોકે, રાયડુનો સમાવેશ કરવામાં ના આવ્યો.

2015ની વર્લ્ડ કપ સ્ક્વૉડમાં પણ તેઓ હતા પણ તેમને રમવાની તક મળી ન હતી.

ત્યારબાદ 2018ના એશિયા કપ માટે તેમની પસંદગી કરાઈ હતી. જેમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું, તેમણે બે અર્ધશતક પણ ફટકાર્યાં હતાં.

નંબર 4 ખેલાડી

ભારતીય ટીમ નંબર 4 ખેલાડી માટે ઘણા સમયથી સંઘર્ષ કરી રહી હતી, આ ઉપરાંત ભારતીય ટીમના મિડલ ઑર્ડર અંગે પણ અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. એ સંજોગોમાં રાયડુને સારો વિકલ્પ ગણવામાં આવતો હતો.

રાયડુ એશિયા કપથી ટીમમાં પરત આવ્યા ત્યારથી માંડીને એપ્રિલ સુધી તેઓ ચોથા ક્રમે વધારે રન કરનાર ખેલાડી રહ્યા.

સપ્ટેમ્બર 2018 થી 2019માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની સિરીઝ સુધીમાં તેઓ 24 મૅચ રમ્યા હતા, જેમાંથી 21 વખત રાયડુ બેટિંગ કરવા ઊતર્યા હતા. જેમાં તેમણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ બાદ જાણે કે નંબર 4 ખેલાડી તરીકે તેઓ નિશ્ચિત થઈ ગયા હતા.

વર્લ્ડ કપ ટીમમાંથી વિજય શંકર બહાર નીકળતા ચોથા ક્રમના બૅટ્સમૅન માટેની જગ્યા ખાલી પડી હતી.

લાંબા સમયથી રાયડુ ચોથા ક્રમે બેટિંગ કરતા હતા એટલે તેમને સ્વાભાવિક દાવેદાર માનવામાં આવતા હતા, પણ મયંક અગ્રવાલની પસંદગી કરાઈ હતી.

3ડી ખેલાડીની પસંદગી

2019ની શરૂઆતમાં ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં પણ તેમણે ઉત્તમ પ્રદર્શન કર્યું, આ મૅચ થકી તેમણે એવું પણ સાબિત કર્યું કે તેઓ મોટી ટીમો સામે પણ રમી શકવા સક્ષમ છે.

વર્લ્ડ કપ 2019માં રાયડુને બદલે થ્રી ડાયમેન્શનલ ખેલાડી વિજય શંકરની પસંદગી કરવામાં આવી, જેમનું નામ એ અગાઉ ચર્ચમાં પણ નહોતું.

વિજય શંકર બૉલિંગ, બેટિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ સારા હોવાથી તેમને થ્રી ડાયમેન્શનલ ખેલાડી માનવામાં આવતા હતા.

પોતાની કૅરિયર દરમિયાન ઑથૉરિટી સામે લડત આપનાર રાયડુ આ વખતે સ્પષ્ટપણે કંઈ જ ન બોલ્યા. તેમણે '3ડી ચશ્મા' અંગે કરેલું મજાકસભર ટ્વીટ આ દરમિયાન ચર્ચામાં રહ્યું હતું.

આ અંગે રાયડુએ તેમના ઔપચારિક રીતે કોઈ પ્રતિક્રિયા નથી આપી તથા સોશિયલ હૅન્ડલ્સ પર પણ કંઈ જણાવ્યું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો