અંબાતી રાયડુને વર્લ્ડ કપ માટે 3D ચશ્માંની જરૂર કેમ પડી?

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. જેમાં વિરાટ કોહલીની ટીમમાં મધ્ય ક્રમ માટે રાયડુની પસંદગી થઈ નથી. 24 કલાક બાદ રાયડુએ એક ટ્વીટ દ્વારા પોતાનો મત પ્રગટ કર્યો છે. રાયડુએ ટ્વીટમાં લખ્યું છે કે, 'મેં વિશ્વ કપની મજા માણવા 3ડી ચશ્માં ઑર્ડર કર્યાં છે.'

રાયડુએ એક બેબાક અને અડગ ભાવ દર્શાવતા ઇમોજી સાથે આ ટ્વીટ કર્યું છે. એક કલાકથી પણ ઓછા સમયમાં હજારથી પણ વધુ નેટિજન્સે તેને રિટ્વીટ કર્યું હતું અને 9 હજારથી વધુ લોકોએ તેને લાઇક કર્યુ હતું.

રાયડુએ કોઈની ટીકા કરી નથી. કોઈનું નામ લીધું નથી. પણ એમને જે કહેવું છે એ આ શબ્દોમાં વ્યક્ત કર્યું છે.

વિજય શંકરની પસંદગી કેમ કરી, આ સવાલના જવાબમાં પસંદગી સમિતિએ વિજય શંકરને 'થ્રી ડાયમેન્શનલ' ખેલાડી ગણાવ્યા હતા.

રાયડુનું પ્રદર્શન દિવસે-દિવસે નબળું જઈ રહ્યું હતું. પરંતુ ઑલરાઉન્ડર વિજય શંકરે બૅટિંગમાં પોતાની છાપ છોડી અને વિશ્વ કપની ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું.

વિજય શંકર કદમાં ઊંચા છે અને તેમની ટૅકનિક પણ સારી છે, પરંતુ વિજય ક્યારેય ચોથા ક્રમે રમ્યા નથી.

વર્લ્ડ કપ ઇંગ્લૅન્ડમાં રમાશે. જ્યાં બૉલ સ્વિંગ થાય તેવી પીચ પર વિજયની બૉલિંગ ઉપયોગી થઈ શકે છે. તે ઉપરાંત તેઓ એક ચપળ ફિલ્ડર છે.

ઑપનિંગ માટે શિખર ધવન અને રોહિત શર્માની જોડીની જાહેરાત થઈ છે. રનમશીન અને કૅપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબર પર રહેશે.

ચોથા નંબર માટે કે. એલ. રાહુલ, દિનેશ કાર્તિક, રિષભ પંત અને ઑલરાઉન્ડર વિજય શંકરનાં નામો ચર્ચામાં રહ્યા હતા. ચોથા સ્થાન પર કોણ રહેશે એ બાબતે સોશિયલ મીડિયા પર ક્રિકેટ પ્રશંસકો, ખેલાડીના ફેન્સ, પૂર્વ ખેલાડીઓ અને વિશ્લેષકો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આખરે નવ વન-ડેનો અનુભવ ધરાવતા વિજય શંકરની પસંદગી કરવામાં આવી.

ચાર વર્ષ પહેલાં રમાયેલા વર્લ્ડ કપ બાદ 12 ખેલાડીઓ એવા હતા કે જે વન-ડે ક્રિકેટ ટીમમાં ચોથા ક્રમે રમી શકે. અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની, અજિંક્ય રહાણે, યુવરાજ સિંહ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મનોજ તિવારી, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, કેદાર જાધવ અને રિષભ પંત ચોથા ક્રમ માટે રમતા હતા.

તેમાંથી રાયડુનું પ્રદર્શન સર્વર્શ્રેષ્ઠ રહ્યું છે. પરંતુ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણી બાદ શરૂ થયેલી આઈપીએલમાં રાયડુનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે.

એવું માનવામાં આવતું હતું કે કોહલી-શાસ્ત્રીની(કૅપ્ટન અને કોચ)ની જોડીનું રાયડુને સમર્થન હોવાથી તેઓ લંડનયાત્રા માટે નક્કી જ છે.

ચાર વર્ષ પૂર્વે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપની ભારતીય ટીમમાં રાયડુનું સ્થાન હતું, રાયડુનો વર્લ્ડ કપમાં રમવાનો અનુભવ પણ હતો. જોકે આ વખતે રાયડુની પસંદગી કરાઈ નથી.

કૅપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપની તૈયારી દરમિયાન અંબાતીને ચોથા નંબર પર રાખ્યા હતા.

2015ના વિશ્વકપ બાદ ચોથા ક્રમે રમનાર બૅટ્સમૅનના આંકડા

વેસ્ટઇન્ડિઝ, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણીમાં રાયડુ ચોથા સ્થાને હતા. છેલ્લા વર્લ્ડ કપમાં પણ રાયડુ ચોથા ક્રમે હતા, જેમાં તેમનું પ્રદર્શન 13, 18, 2 રહ્યું હતું.

સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ ટ્વિટર પર રાયડુ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. પ્રજ્ઞાનને વર્લ્ડ કપની ટીમમાં ક્યારેય સ્થાન મળ્યું નથી.

તેમણે લખ્યું, "હૈદ્રાબાદના ખેલાડીઓ સાથે આવું થવું જોઈએ? હું પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયો છું. ભાવનાઓને સમજો."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો